+

શા માટે ફેક્ટ ચેક યુનિટ (Fact Check Unit )પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ?

Fact Check Unit-ફેક્ટ ચેક યુનિટ,  આ જોગવાઈ વર્ષ 2019માં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021માં સુધારા બાદ લાવવામાં આવી હતી.  અલબત્ત એ સમયે આ મામલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો.  કોમેડિયન…

Fact Check Unit-ફેક્ટ ચેક યુનિટ,  આ જોગવાઈ વર્ષ 2019માં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી નિયમો, 2021માં સુધારા બાદ લાવવામાં આવી હતી.  અલબત્ત એ સમયે આ મામલો બોમ્બે હાઈકોર્ટ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો.  કોમેડિયન કુણાલ કામરા, એડિટર્સ ગિલ્ડ ઑફ ઈન્ડિયા, ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એન્ડ ડિજિટલ એસોસિએશન અને એસોસિએશન ઑફ ઈન્ડિયન મેગેઝિન્સે આઈટી નિયમોમાં સુધારા વિરુદ્ધ બૉમ્બે હાઈકોર્ટમાં ધા નાંખી હતી.  તેમની અરજીમાં તમામે કહ્યું  હતું કે આવો સુધારો મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યો છે.  જો કે, બોમ્બે હાઈકોર્ટે, 31 જાન્યુઆરી, 2024 ના રોજ આપેલા તેના નિર્ણયમાં, IT નિયમોમાં સુધારા પર કોઈપણ પ્રતિબંધ લાદવાનો ઇનકાર કર્યો હતો. 20 માર્ચ, 2024ના રોજ ફરી એકવાર આ મુદ્દો ગરમાયો જ્યારે કેન્દ્ર સરકારે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) હેઠળ ફેક્ટ ચેક યુનિટ બનાવવા માટે અધિસુચના બહાર પાડી એ બાદ, સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે બોમ્બે હાઈકોર્ટના 11 માર્ચના આદેશને ફગાવી દીધો હતો.આ મુદ્દે નાગરિકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે જોડાયેલા મોટા બંધારણીય પ્રશ્નો સામેલ છે, જેના પર વિચાર કરવાની જરૂર છે એમ કહેતાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના ફેક્ટ ચેક યુનિટ પર સ્ટે મૂકી દીધો, તેના એક દિવસ પહેલા જ સરકારે ફેક્ટ ચેક યુનિટની અધિસુચના બહાર પાડી હતી.

 ફેક્ટ ચેક યુનિટ(Fact Check Unit) શું છે?

ફેક્ટ ચેક યુનિટમાં ચાર સભ્યો, આઇટી મંત્રાલયના પ્રતિનિધિ, સાંખ્યકી  કાર્યક્રમ  તેમજ અમલીકરણ મંત્રાલયના પ્રતિનિધિ, મીડિયા નિષ્ણાત અને કાનૂની નિષ્ણાત સામેલ છે. આ અધિસુચનાની જોગવાઈ એવી છે કે યુનિટના નામ પ્રમાણે જ આ યુનિટ સમાચારની ‘સત્યતા’ ચકાસવાનું શોધવા માટે કામ કરશે. તે ફેસબુક, એક્સ અથવા ઇન્સ્ટાગ્રામ જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવતા સમાચાર અથવા માહિતીની તપાસ કરી  તેમને ખોટા જાહેર કરી શકે છે.  આ યુનિટની નજરે જૂઠી હોય એવી ખબર ફેલાવનારની,  જે તે પ્લેટફોર્મ પરથી આવા સમાચાર અથવા માહિતીને દૂર કરવાની કાનૂની જવાબદારી રહેશે.  આ સિવાય આવા સમાચાર, માહિતી, કન્ટેન્ટ અથવા વીડિયોના URL ને પણ ઈન્ટરનેટ પરથી બ્લોક કરવા પડશે. જો સોશિયલ મીડિયા કંપનીઓ ફેક્ટ ચેક યુનિટ દ્વારા જાહેર કરાયેલ નકલી સામગ્રીને દૂર નહીં કરે, તો તેમને આપવામાં આવેલ સેફ હાર્બરનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવશે. ખરેખર, સેફ હાર્બર એ દેશ દ્વારા સોશિયલ મીડિયા કંપનીઓને આપવામાં આવતી કાનૂની પ્રતિરક્ષા છે.

જો આપણે નિયમોમાં ફેરફારની વાત કરીએ તો, આ અંતર્ગત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે નક્કી કરવું પડશે કે તેઓ કોઈ પણ ખોટી માહિતી અપલોડ અથવા પ્રદર્શિત કરવાની મંજૂરી નહીં આપે.  અને જો આવો કિસ્સો પ્રકાશમાં આવે તો પણ તેને 36 કલાકમાં હટાવવો પડશે.  જો આમ કરવામાં ન આવે તો સરકાર તે પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી શકે છે. ફેક્ટ ચેક યુનિટ પાસે સરકારી સંસ્થાઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ફેલાતા ફેક ન્યૂઝને હાઇલાઇટ કરવા અને તેને રોકવાની સત્તા હશે.  ઇઆ એકમ કોઈપણ ફરિયાદના આધારે અથવા પોતાની રીતે આવી કોઈપણ ઘટના પર કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હશે. નવા નિયમોની વ્યાપક અસર માત્ર સોશિયલ મીડિયા કંપનીઓ પર જ નહીં પરંતુ ઈન્ટરનેટ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર પર પણ પડશે.  આ સિવાય ડિજિટલ મીડિયા વિશેની માહિતીને પણ ચિંતાનું કારણ જણાવવામાં આવ્યું હતું.

ફેક્ટ ચેક યુનિટ (Fact Check Unit)અને તેની ગૂંચવણ*

  • ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી (INS) એ તાજેતરમાં સૂચિત નિયમો પર ચિંતા વ્યક્ત કરી છે અને સરકારને મીડિયા સંસ્થાઓ અને પ્રેસ બોડી સાથે સલાહ લેવા વિનંતી કરી છે.
  • વાસ્તવમાં INS એક અમ્બ્રેલા બોડી છે જે દેશભરના અખબારો અને સામયિકોનું પ્રતિનિધિત્વ કરે છે.

◆નાગરિક સમાજના જૂથોએ આ સુધારાને ઓનલાઈન અભિવ્યક્તિમાં અવરોધરૂપ ગણાવ્યું છે.

  • ડિજિટલ અધિકાર જૂથ ઈન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન આ સુધારાને વાણી અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકાર પર પ્રતિબંધ માને છે.
  • એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ તેને સરકાર દ્વારા સેન્સરશિપ ગણાવ્યું હતું.

અલબત્ત, ફેક્ટ ચેક યુનિટ Fact Check Unit સીવાય, ભારતીય દંડ સંહિતા (IPC) પણ  તેના કેટલીક ધારાઓનો ઉપયોગ ફેક ન્યૂઝ અને ખોટી માહિતી ફેલાવનાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે થઈ શકે છે. જે નીચે મુજબ છે,

કલમ 153 (હુલ્લડો કરાવવાના ઈરાદા સાથે ઉશ્કેરણી

કલમ 505 (જાહેર તોફાન પેદા કરતા નિવેદનો), કલમ 500(બદનક્ષી),કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995 નકલી સમાચાર અથવા ખોટી માહિતી પ્રસારિત કરતી ટીવી ચેનલો સામે પગલાં લઈ શકે છે. આ ઉપરાંત પ્રેસ કાઉન્સિલ એક્ટ, 1978 અને ઈલેક્ટ્રોનિક ક્રાઈમ પ્રિવેન્શન એક્ટ, 2015

ટૂંકમાં, સરકારના આ પગલાનો વિરોધ પક્ષો અને ટીકાકારો દ્વારા એમ કહીને વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે તેનાથી લોકોની વાણી સ્વાતંત્ર્ય પર ખતરો ઉભો થશે.  ઉપરાંત, આ ફેરફાર અંગે નાગરિક સમાજ,  અને મીડિયા સંસ્થાઓ તરફથી પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.  તેમણે કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના દૃષ્ટિકોણથી આ ખતરનાક સાબિત થશે.  જો કે, સરકારે આવી ચિંતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે ફેક્ટ ચેકની કામગીરી વિશ્વસનીય રીતે કરવામાં આવશે. 

સરકારે આ કાયદાને જરૂરી ગણાવ્યો છે.  સરકારનું કહેવું છે કે ફેક ન્યૂઝ જેવી સમસ્યાઓ જાહેર વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો ખતરો છે.  અને આ નિયમો કોઈપણ વ્યક્તિની વાણી સ્વાતંત્ર્યને પ્રતિબંધિત કરતા નથી.

અલબત્ત, હાલ તુરંત તો સરકારના ફેક્ટ ચેક યુનિટ પર પ્રતિબંધ લાગુ થયો છે. આ ઉપરાંત આજે, ECIએ મોદી સરકારને WhatsApp પર ‘વિકસિત ભારત’  સંદેશાઓ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો કારણ કે તે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરે છે. આમ આ બન્ને મુદ્દા સંદર્ભે ભાજપ માટે બેવડો ફટકો છે.

સૌ: હિમાદ્રી દવે 

Whatsapp share
facebook twitter