+

Chhota Udepur: કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત, મોઢામાં આવેલો કોળિયો છીનવાયો

Unseasonal Rain in Chhota Udepur: છોટા ઉદેપુર જીલ્લામાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત બન્યા છે. પવન અને વરસાદને કારણે મકાઈ, બાજરી તેમજ તલના પાકને નુકસાનની ભીતિ, તો…

Unseasonal Rain in Chhota Udepur: છોટા ઉદેપુર જીલ્લામાં કમોસમી વરસાદ સાથે પવન ફૂંકાતા જગતનો તાત ચિંતિત બન્યા છે. પવન અને વરસાદને કારણે મકાઈ, બાજરી તેમજ તલના પાકને નુકસાનની ભીતિ, તો કયાંક ને કયાંક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા દયનીય સ્થિતિ બની છે. છોટાઉદેપુર જિલ્લામાં સોમવારે સાંજે વગર આમંત્રણે પધારેલા કમોસમી વરસાદે અનેક ધરતીપુત્રોને રડાવ્યા છે. કમોસમી વરસાદે 720 ગામોને અંધારા ઉલેચવાના વાર આવ્યા હતા. રાજ્યના અનેક જિલ્લાઓ સહિત હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડતાં અનેક જગ્યાએ પાકને વત્તા ઓછા પ્રમાણમાં નુકશાનની સેવાતી ભીતી વચ્ચે ફરી એકવાર જગતનો તાત મુશ્કેલીના ઘેરામાં ફસાતો જોવા મળી રહ્યો છે.

ધરતીપુત્રોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો

તમને જણાવી દઇએ કે, છોટા ઉદેપુર (Chhota Udepur) જિલ્લામાં સોમવારે સાંજે ચાર વાગ્યાના સુમારે કવાટ તાલુકામાં કરા પડવાની સાથે કમોસમી વરસાદનો પ્રકોપ જિલ્લાના વિસ્તારમાં ઓછા વત્તા પ્રમાણમાં નોંધાયો હતો. જે પાકો તૈયાર થઈ અને સુકવણીના આરે હતા તેવા પાકોને પુનઃ ભીંજવી દેતા ધરતીપુત્રોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયા હોવાનો અહેસાસ ખેડૂતોને થયો હતો. છોટાઉદેપુર જિલ્લામાં મકાઈ, મગ તલ બાજરી તેમજ શાકભાજી ,ઘાસચારો પાકો હાલમાં છે. બાજરી અને તલના પાકને ગત રાત્રે પડેલા કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન મકાઈ મગ બાજરી તેમજ તલ જેવા પાકોની ખેતી કરી હતી.

તમામ તાલુકાઓમાં વતા ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો

નોંધનીય છે કે, ગત રાત્રે જે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. વરસાદ લગભગ તમામ તાલુકાઓમાં વતા ઓછા પ્રમાણમાં પડ્યો હતો. તેને કારણે મકાઈ બાજરી તેમજ તલને નુકસાન થયું છે. બાજરીના ડુંડામાંથી બાજરીના દાણા જમીન દોસ્ત થઈ ગયા હતા. ખેતરની અંદર પાક આડા પડી ગયા હતા. તો ક્યાંક મકાઈ અને તલનો પાક કાપીને તૈયાર રાખ્યો હતો. તે પણ પલળી ગયો છે. તેમજ પવનને કારણે અનેક ખેતરોની અંદર તલના છોડ તેમજ બાજરીના છોડ નમી ગયા છે. આ સાથે કેટલાક સ્થળે આંબા ઉપર તૈયાર કેરી તેજ ગતિએ પવન ફૂંકાતા પડી જવાથી કેરીના પાકને પણ નુકસાન થયું છે.

કમોસમી વરસાદના પગલે અનેક વીજના થાંભલા પડ્યા

છોટાઉદેપુર જિલ્લામાં કુલ 9,056 હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકોની ખેતી કરવામાં આવી છે. જેમાં તલ 1,318 હેકટર વિસ્તાર, મગ 1001 હેકટર વિસ્તાર, મકાઈ 654 હેકટર વિસ્તાર, શાકભાજી 1190 હેકટર વિસ્તાર, ઘાસચારો 4277 હેકટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લાના 720 ગામોમાં અંધારપાટ છવાયો હતો. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોની ફોજ અને વાવાઝોડા સાથે આવી પહોંચેલા કમોસમી વરસાદના પગલે અનેક વીજ પોલો પડી જવાની ઘટનાના પગલે એકીસાથે 720 ગામનો વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે કંપની દ્વારા આ તમામ ગામોમાં વીજ પુરવઠો કાર્યવંત બને તે માટે કર્મચારીઓની ફોજ ઉતારી દેવામાં આવી હતી.

વીજળી પડવાથી એક ભેંસ અને એક બળદનું મોત

છોટાઉદેપુર (Chhota Udepur) તાલુકામાં એક રાત્રિમાં 72 જેટલી વીજ પુરવઠા બાબતે ફરિયાદો મળી હતી. કમોસમી વરસાદના પગલે છોટાઉદેપુર નગર સહિતના વિસ્તારોમાં પણ વીજ પુરવઠો સંતાકૂકડી રમતો હોઈ તેમ એક જ રાત્રિમાં 72 જેટલી વીજ પુરવઠા સંબંધિત ફરિયાદો સ્થાનિક કચેરીને મળી આવી હતી અને સવારથી સાંજ સુધી બીજી 52 જેટલી ફરિયાદો મળી હતી. કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. નસવાડી તાલુકાના રાયસીંગપુરા ગામે વીજળી પડવાથી એક ભેંસ અને એક બળદનું મોત નીપજ્યું હતું. ડિઝાસ્ટર શાખાના સૂત્રોના જણાવ્યા અનુસાર નસવાડી તાલુકાના રાયસિંગપુરા ગામે રાત્રીના સમયે ગાજવીજ સાથે વરસાદ પડતાં એક બળદ અને ભેંસનું મોત વીજળી પડવાના કારણે મોત થયું છે.

અહેવાલ: તોફિક શેખ, છોટાઉદેપુર

આ પણ વાંચો: Vadodara: અમે કોઈ કાયદાને માનતા નથી, જાહેર રસ્તામાં જન્મ દિવસ ઉજવી બુટલેગરોની આતશબાજી

આ પણ વાંચો: Raghavji Patel : કમોસમી વરસાદથી પાકને નુકસાન, કૃષિમંત્રીએ આપ્યા આ આદેશ

આ પણ વાંચો: Gujarat : રાજ્યભરમાં માવઠાનો માર, ત્રણના મોત, 270 ગામમાં વીજળી ગુલ

Whatsapp share
facebook twitter