+

Dr. Babasaheb Ambedkar Open University નો નવમો પદવીદાન સમારંભ યોજાયો

Dr. Babasaheb Ambedkar Open University : ગુજરાત રાજ્યમાં દૂરવર્તી શિક્ષણક્ષેત્રે કામ કરતી એકમાત્ર યુનિવર્સિટી એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ( Dr. Babasaheb Ambedkar Open University). વર્તમાન સમયમાં યુનિવર્સિટી માત્ર…

Dr. Babasaheb Ambedkar Open University : ગુજરાત રાજ્યમાં દૂરવર્તી શિક્ષણક્ષેત્રે કામ કરતી એકમાત્ર યુનિવર્સિટી એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ( Dr. Babasaheb Ambedkar Open University). વર્તમાન સમયમાં યુનિવર્સિટી માત્ર ગુજરાત રાજ્યના સીમાડા પૂરતી સીમિત ન રહેતા ઓનલાઈન અભ્યાસક્રમો થકી તેનો વ્યાપ આજે વૈશ્વિક બન્યો છે. આજે વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલો વ્યક્તિ અહીં અભ્યાસ કરી શકે છે. આ યુનિવર્સિટીની સૌથી મોટી ઉપલબ્ધિ છે. આજે યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. શિક્ષણનો અંતિમ પડાવ એટલે પદવીદાન સમારંભ. યુનિવર્સિટી ખાતે નવમા પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહાનુભાવો હાજર

સમારંભના અધ્યક્ષ તરીકે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી તેમજ યુનિવર્સિટીના કુલાધિપતિશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યના શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલજી, શિક્ષણમંત્રીશ્રી (રાજ્યકક્ષા) પ્રફુલભાઈ પાનશેરિયાજી, કાર્યક્રમના સારસ્વત અતિથિ (માનનીય પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ ગુજરાત હાઇકોર્ટ) સુશ્રી સોનિયા ગોકાણીજી, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજી તેમજ કેળવણીકારો, યુનિવર્સિટી પરિવાર તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત તેમજ સ્મૃતિચિન્હો અર્પણ કરી કુલપતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના માનનીય કુલપતિએ વાર્ષિક અહેવાલની રજૂઆત કરી હતી.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ રાષ્ટ્ર ઘડતર સાથે જોડાયેલી છે

સમારંભના પ્રારંભે રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીના નવા અભ્યાસકેન્દ્રો અને નવા અભ્યાસક્રમોનું ઉદ્ઘાટન કર્યું હતું. સમારંભમાં કુલાધિપતિશ્રીએ પોતાના દિક્ષાંત પ્રવચનમાં જણાવ્યું હતું કે, -“ આજનો દિવસ આપણા સૌ માટે સૌભાગ્યપૂર્ણ છે કેમ કે, આજે આપણે દીક્ષા ગ્રહણ કરીને સમાજમાં તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. યુનિવર્સિટી દ્વારા આપણી ભાવી પેઢીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ રાષ્ટ્ર ઘડતર સાથે જોડાયેલી છે. જેમાં દરેક તબક્કાના લોકોને ધ્યાનમાં રાખીને શિક્ષણ વ્યવસ્થા કરવામાં આવી છે. અત્રેની યુનિવર્સિટી દિવ્યાંગો, વિચરતી જાતિઓ, ટ્રાન્સઝેન્ડર, જેલના કેદીઓ માટે વિશેષ પ્રકારના શિક્ષણની સવલતો પૂરી પાડે છે જેની હું સરાહના કરું છું. એક જમાનામાં મહિલાઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી પણ આજે આપણી સમક્ષ જે ચિત્ર છે તેમાં સૌથી વધુ સુવર્ણચંદ્રક, રજતચંદ્રક મેળવનાર સૌથી વધુ દિકરીઓ છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે તે આપણી શિક્ષણ વ્યવસ્થાને આભારી છે.

મારું દરેક કાર્ય રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટેનું હશે

તેમણે કહ્યું હતું કે, આપે જે શિક્ષણ મેળવ્યું છે તેનો ઉપયોગ સમાજહિત માટે કરવો જોઈએ. આપ સૌએ જે શિક્ષણ અને જ્ઞાન મેળવ્યું છે તેનાથી આપના વર્તનમાં નમ્રતાથી આપણે સમાજમાં અલગ તરી આવવું જોઈએ. એ જ સાચી દીક્ષા છે. આજે તમામ દીક્ષાર્થીઓ સંકલ્પ કરે કે મારું દરેક કાર્ય રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રની ઉન્નતિ માટે અને સમાજને સાચી રાહ બતાવવા માટેનું હશે. આજથી તમારું આચરણ જ સમાજ માટે આદર્શ બને તેવી સૌ દીક્ષાર્થીઓને શુભકામનાઓ.

બદલાતા ભારતની નિશાની

આ પ્રસંગે શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે, -“શિક્ષણ દ્વારા કેવું પરિવર્તન લાવી શકાય તે આજે આપણે જોઈ શકીએ છીએ જે દીકરીઓએ સૌથી વધુ ચંદ્રકો મેળવ્યા છે તે જ સાચું પરિવર્તન છે જે બદલાતા ભારતની નિશાની છે. ‘વસુધૈવ કુટુમ્બકમ’ આ શબ્દો જ આપણને આપણી સંસ્કૃતિનું શિક્ષણ આપે છે. અમૃતકાળનો આ પ્રથમ દીક્ષાંત સમારંભ છે હવેથી તમારી પદવી તમારા માટે મહત્ત્વપૂર્ણ નહિ હોય પણ તમારું કૌશલ્ય ફક્ત તમારા માટે સર્વસ્વ હશે. આપણે આપણા કૌશલ્યોની હંમેશા ધાર કાઢતા રહેવું જોઈએ કારણ કે, જ્ઞાન હંમેશા ધારદાર હોવું જોઈએ. ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો અભિગમ હંમેશા વિદ્યાર્થી કેન્દ્રિત રહ્યો છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ગુજરાતના છેવાડાના શિક્ષણથી વંચિત જ્ઞાનપિપાસુઓને શિક્ષિત કરવાનો રહ્યો છે. અભ્યાત્સુક વિદ્યાર્થીઓને પોતાના જ જીલ્લામાં અભ્યાસ માટે પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ સુવિધાઓ મળી રહે તે હેતુ રહ્યો છે. યુનિવર્સિટીનું ધ્યેય શિક્ષણને સર્વ સમાવેશક વિકાસ તરફ લઇ જવાનું છે.

‘એજ્યુકેશન ફોર ઓલ’ આ યુનિવર્સિટીનો ધ્યેયમંત્ર

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે, “જ્ઞાન જીવનમાં અજવાળું પાથરે છે તે યોગક્ષેમ ચલાવે છે. કોઈપણ એક ક્ષેત્રમાં આપણી નિપુણતા હોવી જોઈએ જેનાથી આપણા જીવનમાં અજવાળું જળવાઈ રહે. વિદ્યા વિનયથી શોભે છે. ‘એજ્યુકેશન ફોર ઓલ’ આ યુનિવર્સિટીનો ધ્યેયમંત્ર છે અને ‘સ્વાધ્યાય પરમં તપ:’ ધ્યાનમંત્ર છે. બંને સૂત્રને સાકાર કરવાની
યોગ્ય દિશાની મથામણ એટલે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.

સૌ દીક્ષાર્થીઓ ઉત્તમ શિક્ષણ સેવા અને પ્રતિબદ્ધતાના સાક્ષી

સમારંભના સારસ્વત અતિથિ સુશ્રી સોનિયા ગોકાણીજીએ પોતાના વિચારો વ્યકત કરતા કહ્યું કે, “શિક્ષણ આપણને નિર્ભિક બનાવે છે. અજ્ઞાનનો સામનો કરતા શીખવે છે. શિક્ષણ સૌને સમાન રીતે જોવાની દૃષ્ટિ પૂરી પાડે છે. દરેક વ્યક્તિએ પોતાનો જ્ઞાનનો દીપક બનીને જ્ઞાનનું અજવાળું સમાજમાં ફેલાવવું જોઈએ. આજે વિશ્વવિદ્યાલ અનુદાન આયોગના નિયમો પ્રમાણે વિદ્યાર્થી એકસાથે બે અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકે છે જે વિદ્યાર્થીઓ મુખ્યધારાની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરી રહ્યા છે અને તેને બીજા વિષયોમાં રૂચી હોય તો તે ઓપન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને પોતાની રૂચિ પ્રમાણે જે તે વિષયનું શિક્ષણ મેળવી શકે છે. અહીં ઉપસ્થિત સૌ દીક્ષાર્થીઓ ઉત્તમ શિક્ષણ સેવા અને પ્રતિબદ્ધતાના સાક્ષી છે. ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દીક્ષાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.

19094 પદવી એનાયત કરવામાં આવી

યુનિવર્સિટીના નવમા પદવીદાન સમારંભમાં પ્રમાણપત્ર અભ્યાસક્રમ, ડિપ્લોમા અભ્યાસક્રમ, સ્નાતક અભ્યાસક્રમ, અનુસ્નાતક અભ્યાસક્રમ અને વિદ્યાવાચસ્પતિની કુલ 19094 પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 36 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, 38 વિદ્યાર્થીઓને રજતચંદ્રક અને 39 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો——WOMEN’S DAY SPECIAL : સુરતના આ ST બસ મહિલા કંડક્ટરના સંઘર્ષ વિશે જાણી તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે!

આ પણ વાંચો—WORLD WOMEN’S DAY: આ મહિલા માટે પશુપાલનનો વ્યવસાય બન્યો ધિકતી કમાણીનું સાધન

આ પણ વાંચો—WOMEN’S DAY SPECIAL STORY : આત્મનિર્ભર બની આ મહિલાએ સાબિત કર્યું તે અબળા નથી પરંતુ સબળા છે

Whatsapp share
facebook twitter