+

Ahmedabad : ચાંદખેડામાં અસામાજીક તત્વોનો આતંક, કેફેમાં આગ લગાડી

અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જગતપુર રોડ પર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમા તોફાની તત્વોએ કેફેમાં પેટ્રોલ છાંટી આગ લગાડી હતી.…

અહેવાલ—પ્રદિપ કચિયા, અમદાવાદ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા જગતપુર રોડ પર અસામાજીક તત્વોનો આતંક સામે આવ્યો છે. ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમા તોફાની તત્વોએ કેફેમાં પેટ્રોલ છાંટી આગ લગાડી હતી. જે મામલે ચાંદખેડા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ધોળે દિવસે આ પ્રકારની ઘટના બનતા ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે. શુ છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં..

ગાડી મુકવા બાબતે પાર્લરના વેપારી સાથે ઝઘડો

જગતપુરમાં આવેલા પટેલ કેફેમાં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આ બનાવ બનવા પામ્યો છે. ફરિયાદી જયેશ પટેલ આ પાર્લર ચલાવે છે જેમાં મોડી રાત સુધી ખાણીપીણી માટે લોકો આવતા હોય છે. બે દિવસ પહેલા એક કારમાં અમુક યુવકો જમવા માટે આવ્યા હતા અને ગાડી મુકવા બાબતે પાર્લરના વેપારી સાથે ઝઘડો થયો હતો. જે સમયે મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો જોકે બાદમાં સમાધાન થઈ જતા કોઈએ ફરિયાદ કરી ન હતી. જોકે બીજા જ દિવસે કાર લઈને કેફે પર આવેલા યુવકોએ ફરી આવીને કેફેમાં આગ લગાવી હતી.

રાજસ્થાન પાસિંગની ગાડીમાં અમુક શખ્સોએ આગ લગાડી

બપોરના સમયે રાજસ્થાન પાસિંગની ગાડીમાં અમુક શખ્સો કેફે પર આવી પહોંચ્યા હતા અને જોરજોરથી ગાળો બોલીને આગ લગાવી દીધી હતી. જે આગમાં લાખો રૂપિયાની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આરોપીઓએ કેફેમાં રહેલા ગલ્લાનાં દોઢ લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા જે બાર તમામ ફરાર થઈ જતા સ્થાનિક વેપારીઓએ આગ પર કાબુ મેળવ્યા બાદ અંતે આ મામલે દિલીપસિંહ જોધા, સુરેન્દ્રસિંહ રાઠોડ, ભરતસિંહ રાઠોડ અને વિજેન્દ્રસિંહ રાજપુત નામના શખ્સો સામે ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

કારમાં બોટલો જોવા મળી

મહત્વનું છે કે આ ગુનામાં સામેલ એક આરોપીએ વેપારીઓ સામે પણ મારામારીની ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે હાલ તો આ ઘટનામાં સામેલ મુખ્ય આરોપીઓ સહિત અન્યની શોધખોળ હાથ ધરી છે. વેપારીઓએ આરોપીઓની કારના વિડીયો બનાવ્યા હોય જેમાં કારમાં બોટલો જોવા મળતા આરોપીઓ નશામાં હતા કે કેમ તેને લઈને પણ સવાલ ઉભા થયા છે. જોકે આ ઘટના પાછળનું ખરું કારણ તો આરોપીઓ પકડયા બાદ જ સામે આવશે.

આ પણ વાંચો—-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 5 ડિસેમ્બરે પ્રિ-વાયબ્રન્ટ સમિટ કાર્યક્રમ ‘એક્સપોર્ટર્સ કોન્ફરન્સ’ ને સંબોધિત કરશે

Whatsapp share
facebook twitter