+

ICC World Cup 2023 : ‘રવિન્દ્ર ક્રિકેટમાં આજે પીએચડી કરી ચુક્યો છે’

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને સર જાડેજાના હુલામણા નામે ઓળખાતા રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે. મહેન્દ્રસિંહ ચૌહાણે ખાસ વાતચીતમાં કહ્યું કે…

ટીમ ઇન્ડિયાના ઓલરાઉન્ડર અને સર જાડેજાના હુલામણા નામે ઓળખાતા રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી છે. મહેન્દ્રસિંહ ચૌહાણે ખાસ વાતચીતમાં કહ્યું કે ફાઇનલ મેચ જીતશે તો ભારત જ..કારણ કે ભારતીય ટીમ તમામ પાસામાં બેલેન્સ ધરાવે છે.

રવિન્દ્ર જાડેજા આજે ક્રિકેટની ઉંચાઇ પર પહોંચી ચુક્યો છે

જામનગરમાં રહેતા રવિન્દ્ર જાડેજાના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ખાસ વાતચીતમાં કહ્યું કે રવિન્દ્ર જાડેજા આજે ક્રિકેટની ઉંચાઇ પર પહોંચી ચુક્યો છે. તેમણે કહ્યું કે હું તો માત્ર પ્રાઇમરી સ્કૂલ ટિચર છું પણ રવિન્દ્ર જાડેજા આજે ક્રિકેટમાં પીએચડી કરી ચુક્યો છે.

2006-07માં દુલીપ ટ્રોફીથી તેણે ક્રિકેટમાં પદાર્પણ કર્યું

રવિન્દ્ર જાડેજા જ્યારે 8 વર્ષની ઉંમરનો હતો ત્યારથી જ ક્રિકેટમાં તેની રુચિ જોઇને મહેન્દ્રસિંહ ચૌહાણે તેનું કોચિંગ શરુ કર્યું હતું. 6 ડિસેમ્બર 1988માં જન્મેલા રવિન્દ્રએ સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનું શરુ કર્યું. 2006-07માં દુલીપ ટ્રોફીથી તેણે ક્રિકેટમાં પદાર્પણ કર્યું. તે અંડર 19 વિશ્વકપ ફાઇનલ મેચ પણ રમ્યો છે. 2008-9માં રણજી ટ્રોફીમાં કરેલા આકર્ષક દેખાવ બાદ શ્રીલંકા સામે વન ડે શ્રેણીમાં રવિન્દ્રનું સિલેક્શન થયું હતું. તે મેચમાં તેણે 60 રન બનાવ્યા હતા. ત્યારબાદ બોલિંગ અને બેટીંગ ક્ષેત્રમાં અને સારી ફિલ્ડીંગ દ્વારા રવિન્દ્રએ ભારતને વિજય બનાવવામાં સિંહફાળો આપ્યો છે. રવિન્દ્રનો ટેસ્ટ પ્રવેશ 2012માં થયો હતો. વન ડેમાં તેણે 2009માં પદાર્પણ કર્યું હતું.

ફાઇનલ તો ભારત જ જીતશે

રવિન્દ્ર જાડેજા આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અલગ નામ બનાવી ચુક્યો છે. તેના કોચ મહેન્દ્રસિંહ ચૌહાણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે આ વખતની ફાઇનલ તો ભારત જ જીતશે કારણ કે આ વખતની ટીમમાં તમામ પાસાઓ બેલેન્સ છે. ભારત જીતે અને રવિન્દ્ર મેચનો હીરો બને તેવી મારી પ્રાર્થના છે. રવિન્દ્ર મારી પાસે આવ્યો ત્યારે 8 વર્ષનો ટેણિયો હતો અને આજે ભલભલા બેટ્સમેનને ટક્કર આપે છે.

રવિન્દ્ર ક્રિકેટમાં આજે પીએચડી કરી ચુક્યો છે

મહેન્દ્રસિંહ ચૌહાણે કહ્યું કે હું તો પ્રાઇમરી સ્કૂલ ટિચર છું પણ રવિન્દ્ર ક્રિકેટમાં આજે પીએચડી કરી ચુક્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ઓસ્ટ્રેલિયાની ટીમ સારી છે પણ તેના કરતા આ વખતની ભારતની ટીમ 10 ગણી સારી છે. ભારત જીતે અને જડ્ડુ સારુ પ્રદર્શન કરે તેવી પ્રાર્થના છે.

જરુર પડશે ત્યારે તેની સ્કીલ બહાર આવશે

તેમણે કહ્યું કે પહેલા વેસ્ટઇન્ડિઝનો દબદબો હતો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયાનો દસકો આવ્યો હતો પણ આ વખતે ભારત તે તમામ ટીમો કરતા આગળ છે. હાલની ટીમ મજબૂત છે. તેમણે કહ્યું કે હું ફાઇનલ મેચમાં રવિન્દ્ર પાસે કોઇ અપેક્ષા રાખતો નથી. તે સારુ પ્રદર્શન કરવાનો જ છે. તેના લોહીમાં છે. જ્યારે જરુર પડશે ત્યારે તેની સ્કીલ બહાર આવશે.

હું આ મેચ પણ નહીં જોઉં

રવિન્દ્ર ભારત જીતશે તેમાં સારો ફાળો આપશે તેમ જણાવતાં તેમણે કહ્યું કે ભારતનો દરેક પ્લેયર સારો ફાળો આપશે. રવિન્દ્રનો સિંહ ફાળો તેનો હશે. અત્યારે તો આપણી બેટીંગ લાઇન અને બોલિંગ તથા ફિલ્ડીંગ સારી છે.
તેમણે કહ્યું કે હું આ મેચ પણ નહીં જોઉં. ઇન્ડિયાને તાજ મળે તેમ હું ઇચ્છું છું.

આ પણ વાંચો—-પાકિસ્તાનના કોચના અવસાનથી લઈ ભારતના બ્લૅક ડે સુધી, આ છે વર્લ્ડ કપના ચર્ચિત કોન્ટ્રોવર્સીયલ મોમેન્ટસ

Whatsapp share
facebook twitter