Gujarat First : ગુજરાતી મીડિયામાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) હંમેશા પાથબ્રેકિંગ નિર્ણયો લેવા માટે જાણીતું છે. ગુજરાત ફર્સ્ટે (Gujarat First) હવે મીડિયા ઈન્ડસ્ટ્રીમાં ક્યારેય ન બન્યું હોય તેવું અભૂતપૂર્વ કદમ ઉઠાવ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારીઓને પરિવારનું બિરૂદ આપ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઇ પટેલ અને એમ.ડી જસ્મીનભાઇ પટેલે કર્મચારીઓના હિતમાં આ અભૂતપૂર્વ કહી શકાય તેવી યોજના જાહેર કરી છે. તેઓ સતત કર્મચારીઓના હિત માટે અનેક પગલાં લેતાં રહે છે અને તેમના માર્ગદર્શનમાં કરાયેલો આ નિર્ણય મીડિયાના ઇતિહાસમાં ઐતિહાસિક ગણાવી શકાશે.
50 હજારની ઈન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે
આ યોજના અંતર્ગત કર્મચારીઓને દર વર્ષે નિશ્ચિત ઈન્ક્રીમેન્ટ તો અપાશે જ તે ઉપરાંત કાર્ડધારક કર્મચારીને વર્ષે સેલરીના 100 ટકા સુધીનું બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત ઈમરજન્સી સંજોગોમાં કર્મચારીઓને વ્યાજે નાણાં ન લેવા પડે તે માટે 50 હજારની ઈન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે. ઇમરજન્સીમાં કર્મચારીઓને જો નાણાંની જરુર પડે તો બેંક કે ફાઇનાન્સીઅલ કંપનીઓમાંથી વધુ વ્યાજે લોન લેવી પડતી હતી અને તેને આર્થિક બોજો પડતો હતો પણ કંપનીના આ નિર્ણયથી કર્મચારીને વગર વ્યાજે 50 હજારની લોન મળશે.
દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના
સામાન્યતઃ કર્મચારીઓને અપાતા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ તેમની સેલેરીમાંથી કપાતું હોય છે પરંતુ ગુજરાત ફર્સ્ટના દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના આપવામાં આવશે. ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં કાર્ડધારક કર્મચારીને 15 દિવસની વધારાની એડવાન્સ લીવનો લાભ પણ આપવામાં આવશે. ઉપરાંત ઓફિસમાં દર 6 મહિને દરેક કર્મચારીના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પ પણ યોજાશે.
કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર
કોઈપણ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જોગવાઇ પણ આ યોજના અંતર્ગત કરાઇ છે. આ યોજનાના આકર્ષણનું વધુ એક પાસું એ છે કે વિશેષ કાર્ય કરનારા કર્મચારીઓને ક્રેડિટ પોઈન્ટ્સના આધારે 1 લાખ રૂપિયાના કેશ રિવૉર્ડ્ઝ પણ આપવામાં આવશે.
કર્મચારીઓમાં ખુશીની લાગણી
શ્રી સિદ્ધી મીડિયા પ્રાઇવેટ લિમીટેડ કંપનીના મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા આ માનવીય અને કર્મચારી હિતના નિર્ણયથી કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ છે. કંપની સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ મેનેજમેન્ટના હકારાત્મક અને માનવીય વલણથી ખુશ છે અને તમામે કંપનીનો આભાર માન્યો હતો. આ પ્રકારનો નિર્ણય ગુજરાતી જ નહી પણ રાષ્ટ્રીય મીડિયામાં પણ કોઇ કંપની દ્વારા ના કરાયો હોવાનો મત ગુજરાત ફર્સ્ટના કર્મચારીઓએ રજૂ કર્યો હતો.
મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર તેના કર્મચારીને પરિવાર ગણાયો છે.
આ અંગે પ્રતિભાવ આપતાં એસોસિએટ એડિટર ધર્મેશભાઇ વૈદ્યે કહ્યું કે કંપની દ્વારા કરાયેલી આ જાહેરાત કર્મચારીઓ માટે ખુબ જ ઉપયોગી અને આનંદદાયક છે કારણ કે મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર તેના કર્મચારીને પરિવાર ગણાયો છે. કર્મચારીના આખા પરિવારને વીમાનો લાભ મળશે અને 50 હજાર સુધીની વગર વ્યાજે લોન મળશે. કોઇ કર્મચારીનું દુ:ખદ અવસાન થાય તો 5 લાખ મળશે. કંપનીનો આ સારો નિર્ણય છે. જ્યારે ગુજરાત ફર્સ્ટના એન્કર જાગૃતિએ કહ્યું કે ગુજરાત ફર્સ્ટે સાચા અર્થમાં કર્મચારીઓને પરિવારનું બિરુદ આપ્યું છે. લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનામાં અકસ્માતે જો કર્મચારીનું મૃત્યું થશે તો 5 લાખ મળશે અને વર્ષે 100 ટકા બોનસથી પણ લાભ મળશે. એન્કર પ્રતિપાલસિંહે કહ્યું કે ઘણી વાર મીડિયાના કર્મચારીઓને સુવિધા મળતી નથી. ગુજરાત ફર્સ્ટે મેડીક્લેઇમ 2 લાખ રુપિયાનો આપ્યો છે અને તે પણ નિ:શુલ્ક તે ફાયદાકારક છે. તેના પરિવારને પણ તેનો લાભ થશે. આઉટપુટ વિભાગના જતીન મકવાણાએ કહ્યું કે આ સમાચાર સાંભળીને અમારો પરિવાર પણ ખુશ થઇ જશે કારણ કે કંપની દ્વારા પરિવારની ચિંતા કરાઇ છે. હવે કંપનીના આ કાર્ડ દ્વારા કર્મચારી અને તેના પરિવારને વીમાનો લાભ મળશે. વગર વ્યાજે અમને 50 હજાર રુપિયાની લોન પણ મળશે. પીસીઆરના કર્મચારી મંથન ચાવડાએ કહ્યું કે મેનેજમેન્ટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે તેનાથી તમામના કર્મચારીઓમાં ખુશીની લાગણી હશે. ગુજરાત ફર્સ્ટ વેબસાઇટના વિપુલ પંડ્યાએ કહ્યું કે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજના કંપનીના કર્મચારીઓ માટે લાભદાયક છે. ઇમરજન્સીમાં કર્મચારીને વ્યાજે પૈસા લેવા પડતા હતા પણ આ કાર્ડ ધારકને વગર વ્યાજે તુરંત જ 50 હજાર રુપિયા મળશે જેથી કર્મચારીને ફાયદો થશે.