+

આણંદના ઐયાશ કલેકટરને બ્લેકમેલ કરવા 3 વખત યુવતીઓ મોકલાઈ, મહિલા અધિકારી સહિત કાવતરું રચનારી ટોળકીનો પર્દાફાશ

કલેકટર કચેરીમાં રંગરેલિયા મનાવતા ગઢવી કેમેરામાં ઝડપાયા બાદ શરૂ થયેલી તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. સસ્પેન્ડેડ ડી એસ ગઢવી (D S Gadhvi IAS) એ તપાસ કમિટીને આપેલી નિવેદનમાં…
કલેકટર કચેરીમાં રંગરેલિયા મનાવતા ગઢવી કેમેરામાં ઝડપાયા બાદ શરૂ થયેલી તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી. સસ્પેન્ડેડ ડી એસ ગઢવી (D S Gadhvi IAS) એ તપાસ કમિટીને આપેલી નિવેદનમાં તેમને ફસાવનારી ટોળકી સામે વ્યક્ત કરેલી શંકા ગુજરાત એટીએસ (Gujarat ATS) ની તપાસમાં સાચી ઠરી છે. ગુજરાતની લગભગ તમામ કલેકટર કચેરીમાં પ્રતિદિન કરોડો રૂપિયાનો વહીવટ થાય છે. બેનંબરી આવકના ભાગને લઈને અધિકારીઓ વચ્ચે લડાઈ અને ખેંચતાણ પણ ચાલતી રહે છે. જો કે, આણંદ કલેકટર કચેરીમાં કરોડો રૂપિયાના વહીવટને લઈને ચાલતી લડાઈ નિમ્ન કક્ષાએ પહોંચી ગઈ. એક મહિલા અધિકારીએ અન્ય કર્મચારી અને ખાનગી માણસનો સાથ લઈને તત્કાલિન કલેકટર ડી એસ ગઢવીને બ્લેકમેલ કરવા હની ટ્રેપ (Honey Trap) માં ફસાવ્યા. વાત આટલેથી નથી અટકતી હની ટ્રેપની જાણ થયા બાદ મહિલા અધિકારીને તાબે નહીં થયેલા ગઢવીના અંગત પળોનો વીડિયો બજારમાં ફરતો કરી દેવાયો. છેલ્લાં કેટલાંક દિવસોથી ATS ની ચાલી રહેલી તપાસમાં તમામ બાબતોનો ભાંડો ફૂટી જતાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાંડમાં કરોડો રૂપિયાની ફાઈલોનો વહીવટ કારણભૂત હોવાનું સામે આવ્યું છે.
શું છે સમગ્ર મામલો ?
આણંદના તત્કાલિન કલેકટર ડી એસ ગઢવીને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યા હોવાનો ATS ની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ડી એસ ગઢવી કલેકટર તરીકે આણંદમાં મુકાયા બાદ સુરતની એક લોબી થકી જ ફાઈલો કલીયર કરતા હતા. સાથી કર્મચારીઓની વહીવટવાળી ફાઈલો ગઢવીની કાર્ય પદ્ધતિના કારણે અટવાઈ જતા ખૂબ મોટું નુકસાન સહન કરવું પડતું હતું. આણંદના ADM કેતકી વ્યાસે કલેકટરના ચીટનીસ અધિકારી જે ડી પટેલ સાથે હાથ મીલાવી ઐયાશ ડી એસ ગઢવીને બ્લેકમેલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. હરેશ ચાવડા નામના એક ખાનગી વ્યક્તિ થકી 5-5 હજારમાં બે વખત યુવતીઓ કલેકટર કચેરીમાં બોલાવામાં આવી હતી. ત્યારબાદ પણ એક અન્ય યુવતીને તત્કાલિન કલેકટર ગઢવી પાસે મોકલવામાં આવી હતી. કલેકટર કચેરીમાં છુપાવાયેલા સ્પાય કેમેરા થકી ગઢવીની અંગતપળોને કેદ કરી લેવામાં આવી હતી. કેતકી અને જે ડી પટેલ પાસે ગઢવીની અંગતપળોનો વીડિયો આવી જતાં તેમણે બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ડી એસ ગઢવી તાબે થયા ન હતા. કરોડો રૂપિયાના વહીવટની લાલચે કરાયેલું સ્ટીંગ ઓપરેશન () કેતકી અને પટેલે તેમના સાગરીતો થકી વાયરલ કરી દીધું. ડી એસ ગઢવીના અભદ્ર વીડિયો સામે આવતાની સાથે તેમને તુરંત સસ્પેન્ડ કરી દેવાયા અને આ મામલે તપાસ શરૂ કરી દેવાઈ હતી.
કઈ કઈ કલમો લાગી ?
ATS ની પ્રાથમિક તપાસમાં આણંદ ADM કેતકી વ્યાસ, ચીટનીસ જે ડી પટેલ અને હરેશ ચાવડાની સંડોવણી સામે આવી છે. આ ત્રણેય લોકો સામે ATS એ IPC 354c (કોઈપણ સ્ત્રીની જાણકારી વિના લેવાયેલા ફોટો), 389(કોઈ વ્યક્તિને ભયમાં મુકી ખંડણી માંગવી), 120b (કોઈ ગુનાને અંજામ આપવા કાવતરૂં રચવું) અને IT Act હેઠળ ફરિયાદ નોંધી છે. તપાસમાં કુલ ત્રણ યુવતીઓને મોકલવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્રણ પૈકી બે યુવતીઓની પોલીસે ઓળખ કરી લીધી છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાતી યુવતીની હજુ સુધી કોઈ ભાળ મળી નથી તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યાં છે.
હવે શું થશે ?
સમગ્ર મામલો ક્યાં અને કોની સાથે જોડાયેલો છે અને શા કારણથી સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું તેની તમામ માહિતી મેળવી લીધી છે. ફરિયાદ નોંધાયા બાદ આ કેસ આણંદ જિલ્લા LCB ને સોંપવામાં આવશે. ત્રણેય આરોપી કેતકી વ્યાસ, જે ડી પટેલ અને હરેશ ચાવડાની વિધિવત ધરપકડ પણ LCB કરશે. આરોપીઓની ધરપકડ બાદ પૂરાવાઓ કબજે લેવા માટે પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરશે.
Whatsapp share
facebook twitter