+

માતા પિતાની છત્રછાયા ગુમાવનાર નિરાધાર સંતાનોને 11 વર્ષ બાદ માતાની મમતા મળશે

૧૧ વર્ષ થી માતા વિના સુના પડેલા ત્રણ સંતાનોના સંસારમાં માતાની મમતાની મહેંક ફરી એકવાર ફેલાવા જઈ રહી છે. જે સ્વજનો અને સંતાનોએ આ દુનિયામાં ગીતાબેનનું અસ્તિત્વ જ નહીં હોવાનું…

૧૧ વર્ષ થી માતા વિના સુના પડેલા ત્રણ સંતાનોના સંસારમાં માતાની મમતાની મહેંક ફરી એકવાર ફેલાવા જઈ રહી છે. જે સ્વજનો અને સંતાનોએ આ દુનિયામાં ગીતાબેનનું અસ્તિત્વ જ નહીં હોવાનું માની લીધું હતું એજ ગીતાબેનનું તેના પરિવાર સાથે 11 વર્ષ બાદ મિલન થઇ રહ્યું છે. ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની વર્ષ 20213 માં એટલે કે અગિયાર વર્ષ અગાઉ ગુમ થયેલી મહિલાની ભાળ મળતા ત્રણ નિરાધાર બનેલા સંતાનોમાં ખુશી અને સ્વજનોમાં ખુશી વ્યાપી ગયો છે. માનસિક અસ્થિરતા ધરાવતી મહિલા વર્ષ ૨૦૧૩ માં પોતાના ઘરેથી એક સગા સબધીનાં લગ્ન પ્રસંગમાં માટે કનજીયા ગામમાં ગઈ હતી ત્યાંથી ગુમ થયા બાદ તેના પરિવારજનોએ વર્ષો સુધી શોધખોળ ના પ્રયત્નો કર્યા હતા તેમ છતાં મહિલાનો કોઈ જ સંપર્ક થઈ શક્યો નહોતો કે કોઈપણ સ્થળેથી મળી આવી નથી.

11 વર્ષ અગાઉ ગુમ થયેલી મહિલાની ભાળ મળી 

જેથી તેના પરિવારજનો એ આખરે કંટાળીને શોધખોળ છોડી દીધી હતી પરંતુ માની મમતા સંતાનો માટે એક ભગવાન સ્વરૂપ સાબિત થઈ હોય એમ જીવિત અવસ્થામાં માતા કલકત્તા ના એક મેન્ટલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હોવાની જાણકારી મળી આવી છે. કલકત્તા ખાતેની મેન્ટલ હોસ્પિટલ માં સતત આઠ વર્ષ સુધી કોમા હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી મહિલા સભાન અવસ્થામાં આવતા હોસ્પિટલના તબીબની પૂછપરછમાં મહિલાએ પોતે ગુજરાત રાજ્યના ગોધરાની હોવાનું જણાવતાં હોસ્પિટલના તબીબે અહીંના પોલીસનો સંપર્ક કરી આખરે પોલીસના માધ્યમથી તેણીના સ્વજનોનો સંપર્ક થયો છે. જોકે દયનિય હાલતમાં જીવન વ્યતિત કરી રહેલા નિરાધાર સંતાનો હાલ કલકત્તા થી પોતાની માતાને ઘરે લાવવા સરકારની મદદ માંગી રહ્યા છે.

માનસિક અસ્થિરતાને લઈ લગ્ન માંથી ઘરે પરત ફરી નહોતી 

ગોધરા તાલુકાના કણજિયા ગામના ગીતાબેનના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ ભામૈયા પૂર્વ ગામના ભીમસિંહ પટેલ સાથે વર્ષો અગાઉ થયા હતા. તેઓના સુખી દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલી આ પરિવારને કુદરતે બે પુત્રો અનેક પુત્રીની સંતાનો સ્વરૂપે ભેટ આપી હતી. દરમિયાન મહિલા અચાનક માનસિક અસ્થિર થઈ જતાં તેણીની તેના પતિ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. પરંતુ સારવાર દરમ્યાન ગીતાબેનની બીમારી વધી રહી હતી. બીજી તરફ વર્ષ ૨૦૧૩ માં ગીતાબેન પોતાના પિયર કણજિયા ગામમાં તેના સગા સબધીનાં એક લગ્ન પ્રસંગમાં ગઇ હતી.  ત્યાંથી માનસિક અસ્થિરતાને લઈ લગ્ન માંથી ઘરે પરત ફરી નહોતા અને ત્યાંતી ક્યાંક ચાલ્યા ગયા હતા. જેથી ચિંતિત બનેલા પરિવારે સતત બે વર્ષ સુધી મહિલાની શોધખોળ આદરી હતી પરંતુ કોઈ જ પત્તો મળી આવ્યો નહોતો જેથી હારી થાકી શોધખોળ છોડી દીધી હતી .

બીજી તરફ સંતાનોના પિતા પણ થોડા વર્ષોમાં મૃત્યુ પામ્યા હતા આમ ત્રણેય સંતાનો માતા પિતા વિના નિરાધાર બન્યા હતા. આ ત્રણેય સંતાનોને દાદા દાદી કે મામા મામી પણ નહીં હોવાથી તેઓના અન્ય સ્નેહીજનો દ્વારા ભરણપોષણ માટે મદદ કરવામાં આવતી હતી. એવી જ રીતે સંતાનો હાલ ઉછરીને મોટા થઈ રહ્યા છે પરંતુ ઘરની પરિસ્થિતિ ખરાબ અને ગરીબ હોવાના કારણે અભ્યાસ છોડી દીધો છે. અને ક્યાંક રોજગાર મળે ત્યારે રોજગાર કરી પોતાનો નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે હાલ 11 વર્ષ આગાઉ ગુમ થયેલ ગીતાબેનની ભાળ મળતા સ્વજનો અને બાળકોમાં ખુશી અને આનંદસભર લાગણી વ્યાપી છે તો બીજી તરફ પોતાની માતાને કલકતા થી કેવી રિતે પાછી લાવીએ તેના માટે ચિંતામાં મુકાયા છે.

11 વર્ષ બાદ કલકત્તાના મેન્ટલ હોસ્પિટલમાંથી મળી મહિલા 

બીજી તરફ અગિયાર વર્ષ અગાઉ ગુમ થયેલી આ મહિલા છેક કલકત્તા સુધી પહોંચી ગઈ હતી અને દરમિયાન તેણીને એક મેન્ટલ હોસ્પિટલમાં કોઈએ સારવાર માટે ખસેડી હતી જ્યાં તે અંદાજિત આઠ વર્ષ જેટલા લાંબા સમય સુધી કોમા હાલતમાં હોવાથી પોતાની કોઈપણ વિગત તબીબો સમક્ષ જણાવી શકી નહોતી. ત્યારે અચાનક જ થોડા દિવસ અગાઉ આ મહિલા સભાન અવસ્થામાં આવી હતી જેથી હોસ્પિટલના તબીબોએ તેની જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા તેણે ગુજરાતની હોવાનું જણાવ્યું હતું .વળી આ મહિલા હિન્દી બોલી નહી શકતી હોવાથી હોસ્પિટલના તબીબ દ્વારા પંચમહાલ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જે આધારે મહિલા ગોધરા તાલુકાના ભામૈયા પૂર્વ ગામની હોવાનું સામે આવ્યું હતું .ગોધરા પોલીસે ગામના સરપંચ સહિતનો સંપર્ક કરી આ સમગ્ર જાણકારી આપી મહિલાનો સંપર્ક કરી તેના ઘરે લાવવા માટે જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

તેના ત્રણ સંતાનો સરકાર પાસે મદદની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા

ભામૈયા પૂર્વ ગામની મહિલાને કલકત્તા થી પરત ઘરે લાવવા માટે તેના ત્રણ સંતાનો સરકાર પાસે મદદની અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. હાલ ત્રણેય સંતાનો સગીર વય ધરાવતા હોવા ઉપરાંત તેઓ પાસે કોઈ પણ પ્રકારની આર્થિક સ્થિતિ નથી કે તેઓ કલકત્તા એ પોતાની માતાને પરત ઘરે લાવી શકે ત્યારે સરકાર અને સ્થાનિક આગેવાનો પદાધિકારીઓ પણ આ નિરાધાર બનેલા પરિવારના વહારે આવી ત્રણેય સંતાનોનું માતા સાથે મિલન કરાવવા સહભાગી બને એવી હાલ સંતાનો માંગણી કરી રહ્યા છે.

11 વર્ષ અગાઉ ગુમ થયેલી મહિલા સતત બે વર્ષની શોધખોળ બાદ નહીં મળી આવતા તેના સ્વજનો એ કદાચ આ મહિલા મૃત્યુ પામી હશે એવું પણ માની લીધું હતું બીજી તરફ આ મહિલાના પતિ પણ થોડા વર્ષો બાદ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મૃત્યુ પામ્યા હતા જેથી ત્રણ સંતાનો નિરાધાર બન્યા હતા અને હાલ ત્રણેય સંતાનો એક ઝુંપડા જેવા મકાનમાં જીવન વ્યતિત કરી રહ્યા છે. તેઓ ના અભ્યાસ અને જીવન નિર્વાહ માટે સ્વજનો બનતી મદદ કરી રહ્યા છે સાથે જ મોટો પુત્ર પણ પોતાના ભાઈ બહેનના ભરણપોષણ માટે મહેનત કરી રહ્યો છે. કલકત્તા ની હોસ્પિટલ ના તબીબે ગુમ થયેલ મહિલા સાથે વિડિઓ કોલ દ્વારા પરિવાર સાથે વાત કરાવતા મહિલાના ત્રણ સંતાનો અને મહિલાના સગાઓમાં ખુશી નો માહોલ જોવા મળ્યો છે. તો બીજી તરફ મહિલાને વહેલી તકે ઘરે લાવવા માટે સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 

આ પણ વાંચો — એસ કે. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે SIRAAJ કાર્યક્રમ યોજાયો

Whatsapp share
facebook twitter