ગુજરાતમાં ડમીકાંડ ઉજાગર કરનારા યુવરાજસિંહ પર કથિત રીતે તોડકાંડના આક્ષેપો થઈ રહ્યાં છે. યુવરાજસિંહે પોતાના સાળા કાનભા અને શિવુભાને મધ્યસ્થી બનાવીને ડમીકાંડમાં નામ નહી જાહેર કરવા માટે 1 કરોડનો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ ડમી કાંડમાં ભાવનગર પોલીસ દરરોજ અટકાયતો કરી રહી છે તો બીજી તરફ તોડકાંડામાં અત્યાર સુધીમાં રૂ. 73.50 લાખની રિકવરી કરી છે.
યુવરાજસિંહના સાળા કાનભાની સુરતથી ધરપકડ કરી તેની પાસેથી રૂ. 38 લાખની રોકડ પોલીસે જપ્ત કરી હતી. હાલ કાનભા પોલીસ રિમાન્ડ પર છે તો બીજી બાજુ યુવરાજસિંહના સાળા શિવુભાએ આજે ભાવનગરના નિલમબાગ પોલીસ મથકમાં સરન્ડર કર્યું હતું.
આજે પોલીસ સામે હાજર થયેલા શિવભદ્રસિંહ ઉર્ફે શિવુભાએ રોકડ રકમ રૂ. 25.50 લાખની કબુલાત કરી જે રકમ તેણે ભાવનગરના ઘોઘારોડ ક્રિષ્ના રેસિડેન્સીમાં રહેતા તેમના મિત્ર સંજય જેઠવાને આપી હોવાની કબુલાત કરી હતી.
જે બાદ સ્પેશિયલ ઈન્વેસ્ટેગેશનની એક ટીમે સંજય જેઠવાના ઘરે સરકારી પંચોને સાથે રાખી તપાસ કરતા તેના ઘરેથી રૂ. 25,50,000 રોકડા કબ્જે લીધાં હતા સાથે જ એક હાર્ડડિસ્ક પણ મળી હતી. જે હાર્ડડિસ્ક વિક્ટોરીયા પ્રાઇમ કોમ્પલેક્ષની ઓફીસ નં. 305ની હોવાની સંજય જેઠવાએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી. પોલીસે આ હાર્ડડિસ્કને તપાસઅર્થે એફએસએલમાં મોકલી છે.
તોડકાંડમાં અત્યાર સુધી અત્યાર સુધીમાં 73.50 લાખની રિકવરી
ભાવનગર તોડકાંડમાં અત્યાર સુધીમાં રૂ. 1 કરોડમાંથી રૂ. 73.50ની રિકવરી થઈ છે. જેમાં 10 લાખ બિપિન ત્રિવેદી અને ઘનશ્યામ પાસેથી, રૂ. 38 લાખ યુવરાજસિંહના સાળા કાનભા પાસેથી અને રૂ. 25.50 લાખ યુવરાજસિંહના બીજા સાળા શિવુભા પાસેથી રિકવર થયાં છે.
ડમીકાંડમાં વધુ 4 ઝડપાયા, કુલ આંકડો 23 થયો
ભાવનગર ડમીકાંડમાં SIT દ્વારા આજે વધુ 4 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે જે નીચે મુજબ છે….
- ચંદ્રદિપભાઇ ભરતભાઇ ચૌહાણ
- મહાવીરસિંહ રઘુભા સરવૈયા
- ર્તીકુમાર મુકેશભાઇ
- સંજયભાઇ ગોવિંદભાઇ સોલંકી
તમામ ચારે આરોપીઓમાંથી બે MPHW અને ગ્રામ સેવક ની પરીક્ષામાં ગેરરીતિ આચરી હતી.
આ પણ વાંચો : ડમીકાંડ મામલો,SITએ કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યા