જૂનાગઢમાં ભારે વરસાદ બાદ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, નગરજનો ભારે વરસાદ બાદ પરેશાન થઈ ગયા છે, સોસાયટીના રહીશો રસ્તા અને ગટરના કામો નહીં થવાથી પરેશાન છે અને વિકાસના કાર્યો લોકો માટે જાણે વિપદા લાવ્યા હોય તેવી સ્થિતિ છે, આ અંગે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી ન હોય અને માત્ર આશ્વાસન મળતું હોય ત્યારે લોકોમાં રોષની લાગણી વ્યાપી છે.
રહેણાકી વિસ્તારમાં ભારે હાલાકી
જૂનાગઢ શહેરમાં છેલ્લા બે વર્ષથી વિકાસના કાર્યો ચાલી રહ્યા છે, શહેરના તમામ વોર્ડમાં ભૂગર્ભ ગટરના કામો તથા ગેસ લાઈનના કામો ચાલી રહ્યા હતા જે ચોમાસું શરૂ થતાં બંધ કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર દિવસથી જે ભારે વરસાદ પડ્યો તેને લઈને ખાસ કરીને સોસાયટીઓમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પેચવર્કના કોઈ કામો થયા નથી
જૂનાગઢ મનપા તંત્ર દ્વારા ચોમાસાં શરૂ થતાં પહેલાં વિકાસના કાર્યો બંધ કરીને જ્યાં રસ્તા ખોદવામાં આવ્યા હોય ત્યાં પેચવર્કની કામગીરી વરસાદ શરૂ થાય તે પહેલા પૂર્ણ કરી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેના માટે શહેરના દરેક વોર્ડ દીઠ એક થી બે લાખ રૂપીયાની રકમ પણ ફાળવી દેવામાં આવી હતી તેમ છતાં શહેરમાં પેચવર્કના કોઈ કામો થયા નથી, આમ પણ ભૂગર્ભ ગટર અને ગેસલાઈનના કારણે રસ્તા ખોદી નાખવામાં આવ્યા હતા અને તેને ફરી રીપેર કરવામાં આવ્યા ન હતા, બીજી તરફ વરસાદ તુટી પડતાં શહેરની અનેક સોસાયટીઓમાં લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ સર્જાય છે.
તંત્ર દ્વારા માત્ર આશ્વાસન
વરસાદ બાદ સોસાયટીના રસ્તા બેહાલ છે, જ્યાં નજર પડે ત્યાં ભરાયેલા પાણી અને કાદવ કીચડ જોવા મળે છે, લોકો જ્યારે રસ્તા પરથી પસાર થાય તો રસ્તામાં વાહનો ખુંપી જાય છે, જ્યાં ભૂગર્ભ ગટરના કામો થઈ ગયા છે ત્યાં હજુ રસ્તાનું કામ થયું નથી, જ્યાં કામ થયું છે તે યોગ્ય રીતે કરવામાં નથી આવ્યું તેથી રસ્તા બેસી જાય છે, ભૂવા પડી જાય છે, રહેણાંક વિસ્તારોમાં લોકો પોતાની રોજીંદી અવરજવર માટે બહાર નીકળતાં પહેલા વિચાર કરે તેવી સ્થિતિ સર્જાય છે તેમ છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસન મળતું હોય તેમ કામગીરી થતી હોવાનું રટણ કરવામાં આવે છે. હજુ ચોમાસાની શરૂઆત છે અને ભારે વરસાદ પણ પડી રહ્યો છે, આખું ચોમાસું હજુ બાકી છે ત્યારે સોસાયટી વિસ્તારોમાં કેવી સ્થિતિ સર્જાશે અને લોકોને કેટલી હાલાકી વેઠવી પડશે તેનો તંત્રને અંદાજ નથી ત્યારે આવી સ્થિતિમાં લોકોમાં સ્વાભાવિક રીતે રોષની લાગણી જોવા મળી રહી છે.
અહેવાલ : સાગર ઠાકર, જુનાગઢ
આ પણ વાંચો : જૂનાગઢ ઘેડ પંથક જળબંબાકાર, સાંસદ JCB માં સવાર થઈ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા, VIDEO
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.