+

108 ની સરાહનીય કામગીરી, 8માં મહિને જન્મેલા બાળકનો જીવ બચાવ્યો

અહેવાલ–ઉદય જાદવ, સુરત બારડોલી 108 ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. 108 ના અધિકારીઓની સુઝબુઝના કારણે એક નવજાત બાળકનો જીવ બચ્યો છે. બન્યું એવું હતું કે એક સગર્ભા મહિલાએ…
અહેવાલ–ઉદય જાદવ, સુરત
બારડોલી 108 ની ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે. 108 ના અધિકારીઓની સુઝબુઝના કારણે એક નવજાત બાળકનો જીવ બચ્યો છે. બન્યું એવું હતું કે એક સગર્ભા મહિલાએ 8માં મહિને એક બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક શ્વાસ લેતું ન હતું. બીજી તરફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી 108ની ટીમે બાળકને સીપીઆર અને જરૂરી સારવાર આપીને તાત્કાલિક નવસારી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડયું હતું જ્યાં બાળક ની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
બાળકને સીપીઆર આપી 108 ની એમ્બ્યુલન્સમાં લઈને જરૂરી સારવાર આપી
બનાવ અંગે મળતી માહિતી મુજબ બારડોલી 108 ની ટીમને બારડોલીથી આશરે 15 કિલોમીટર દૂર વઢોલી ગામ ખાતે એક મહિલાના પ્રસુતિની પીડા ઉપાડતા હોસ્પિટલ લઈ જવા અંગેનો કોલ મળ્યો હતો. કોલ મળતા જ તાત્કાલિક બારડોલી 108 ની ટીમના ઇએમટી અખિલેશ ભાઈ અને પાયલોટ ભાવેશ પટેલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 108 ની ટીમે ઘટના સ્થળે જઈને તપાસ કરતા એક 23 વર્ષીય મહિલાએ આઠમાં મહિને જ એક બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક શ્વાસ લેતું ન હતું અને બાળકની તબિયત અત્યંત ગંભીર બની ગઈ હતી. બીજી તરફ ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે તાત્કાલિક બાળકની તપાસ હાથ ધરતા બાળકના ધબકારા શરૂ હતા જેથી 108 ના ઇએમટી અખિલેશભાઈએ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક બાળકને સીપીઆર આપી 108 ની એમ્બ્યુલન્સમાં લઈને જરૂરી સારવાર આપી હતી અને બાળકનો જીવ બચાવ્યો હતો અને બાદમાં ત્યાંથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બાળકનો જીવ બચી જતા પરિવારજનોએ 108ના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓની કામગીરીને બિરદાવી હતી.
હાલ બાળકની તબિયત સુધારા પર
બારડોલી 108ના ઇએમટી અખિલેશ ભાઈએ જણાવ્યું હતું કે કોલ મળતા જ અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અહીં 8માં મહિને એક સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ બાળક રડયું ન હતું અને અમે પહોંચ્યા ત્યારે બાળક શ્વાસ પણ લેતું ન હતું પણ અમે તપાસ કરતા બાળકના ધબકારા શરૂ હતા જેથી બાળકને તાત્કાલિક સીપીઆર આપ્યું હતું અને બાદમાં 108 એમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આપી હતી. બાળકને વધુ સારવારની જરૂર હોય તેને 108 એમ્બ્યુલન્સમાં જ નવસારી સિવિલ.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે. જ્યાં હાલ બાળકની તબિયત સુધારા પર છે.
108 ની સેવા લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત
મહત્વનું છે કે 108 ની સેવા લોકો માટે ખરા અર્થમાં મદદરૂપ સાબિત થઈ રહી છે.ભૂતકાળમાં 108 ની ટીમે શૌચાલય, રીક્ષા, ખેતર, એમ્બ્યુલન્સ વગેરે જેવી જગ્યાએ પણ સફળ ડિલિવરી કરાવીને લોકોના પરિવારમાં ખુશીઓની કિલકારી ગુંજાવી છે ત્યારે બારડોલી 108 ની ટીમની સૂઝબૂઝના  કારણે વધુ એક બાળકનો જીવ બચ્યો છે અને પરિવારમાં ખુશીની લહેર જોવા મળી છે.
Whatsapp share
facebook twitter