+

ગુજરાત પોલીસમાં જુનિયરને ‘સાહેબ’ બનાવવાનો ટ્રેન્ડ ? કમિશનકાંડમાં બદનામ IPS મનોજ અગ્રવાલની ફરી થઈ બદલી

ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat Police) માં જુનિયર અધિકારીની નીચે સિનિયર અધિકારી ફરજ બજાવે તેવી અવળી ગંગા બે વર્ષ સુધી વહેતી રહી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) બે…

ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat Police) માં જુનિયર અધિકારીની નીચે સિનિયર અધિકારી ફરજ બજાવે તેવી અવળી ગંગા બે વર્ષ સુધી વહેતી રહી છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) બે વર્ષમાં કરેલાં IPS અધિકારીઓની બદલી-બઢતીના હુકમ ફરી ચર્ચામાં આવ્યા છે. બદલી-બઢતી અને ચાર્જ આપવાના કેટલાંક હુકમમાં સિનિયોરિટીને જાણી જોઈને કે અજાણતા ધ્યાને ના લેવાઈ તે તો ગૃહ વિભાગ જ જાણે. રાજકોટ શહેર (Rajkot City) માં કમિશનકાંડને લઈને બદનામ થયેલા સિનિયર આઈપીએસ મનોજ અગ્રવાલ (Manoj Agarwal IPS)ની ફરી એક વખત બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગે બે બેચ જુનિયર મહિલા આઈપીએસ નિરજા ગોટરૂ (Neeraja Gotru IPS) ને મનોજ અગ્રવાલના ‘સાહેબ’ તરીકે ગત જુલાઈ મહિનાના અંતમાં નિમણૂંક આપી હતી. જુનિયરના તાબામાં સિનિયર અધિકારી ફરજ બજાવતા હોય તેવો આ કોઈ પ્રથમ કિસ્સો નથી.

પ્રથમથી શરૂઆત થઈ

વર્ષ 1989ની બેચના આઈપીએસ અનિલ પ્રથમ (Anil Pratham IPS) લગભગ બે દાયકાથી પોલીસ ભવનમાં ફરજ બજાવે છે. CID Crime ના મહિલા સેલમાં ફરજ બજાવતા અનિલ પ્રથમને જૂન-2021માં DGP તરીકે યથાસ્થાને બઢતી આપવામાં આવી હતી. આ સમયે સીઆઈડી ક્રાઈમના વડા તરીકે વર્ષ 1995ની બેચના આઈપીએસ આર. બી. બ્રહ્મભટ્ટ (R B Brahmbhatt IPS) ફરજ બજાવતા હતા. જુનિયર અધિકારીની નીચે સિનિયર અધિકારી કામ કરતા હોય તેવો કદાચ રાજ્યમાં આ પ્રથમ કિસ્સો હશે. જો કે, થોડાક સપ્તાહ બાદ ગૃહ વિભાગે અનિલ પ્રથમની બદલી કરી DGP Police Reforms તરીકે નિમણૂંક આપી હતી.

શ્રીવાસ્તવ ગૃહ વિભાગને રિપોર્ટ કરતા

વર્ષ 1989ની બેચના આઈપીએસ વિકાસ સહાય (Vikas Sahay IPS) ને ગત જાન્યુઆરીના અંતમાં રાજ્ય પોલીસ વડા (DGP) નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો અને મહિના બાદ પૂર્ણકાલીન ડીજીપી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે તેમના કરતા સિનિયર વર્ષ 1987ના બેચના સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા હતા. સિનિયર અધિકારી જુનિયરને રિપોર્ટ કરે તેવી સ્થિતિ સર્જાતા ગૃહ વિભાગે વચ્ચેનો રસ્તો કાઢ્યો હતો. સંજય શ્રીવાસ્તવ સિનિયર IPS હોવાથી તેમને ગૃહ વિભાગના તાબા હેઠળ લઈ લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં જુનિયરના તાબામાં સિનિયર

ગત માર્ચ મહિનામાં સંજય શ્રીવાસ્તવ અમદાવાદ પોલીસ કમિશનર (Ahmedabad Police Commissioner) તરીકે નિવૃત્ત થયા હતા. આ સમયે ગૃહ વિભાગે અમદાવાદ શહેરના સિનિયર IPS ને સાઈડલાઈન કરી જુનિયર IPS ને પોલીસ કમિશનરનો ચાર્જ સોંપ્યો હતો. અમદાવાદ પોલીસની વિશેષ શાખામાં સંયુક્ત પોલીસ કમિશનર તરીકે વર્ષ 1999ની બેચના આઈપીએસ અજયકુમાર ચૌધરી (Ajaykumar Chaudhary IPS) ફરજ બજાવે છે. ગૃહ વિભાગે પોલીસ કમિશનરનો ચાર્જ વર્ષ 2005ની બેચના જુનિયર આઈપીએસ પ્રેમવીરસિંઘ (Prem Vir Singh IPS) ને સોંપ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીરસિંઘ ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકે ત્રણ મહિના સુધી ફરજ બજાવી હતી. જ્યારે અજ્યકુમાર ચૌધરી સિનિયર હોવા છતાં પ્રેમવીરસિંઘના તાબામાં ત્રણ મહિના નોકરી કરી.

અગ્રવાલને અમદાવાદ આવવા મળ્યું

રાજકોટના ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે (BJP MLA Govind Patel) ફેબ્રુઆરી-2022માં તત્કાલિન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (Rajkot CP Manoj Agarwal) સામે લાંચ-રૂશ્વત સ્વીકારી (Commission Agent) હોવાના ગંભીર આરોપ લગાવ્યા હતા. ગોવિંદ પટેલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) ને એક સ્ફોટક પત્ર લખીને જાણ કરી હતી. આ મામલે IPS વિકાસ સહાયને તપાસ સોંપવામાં આવી હતી. જેના આધારે PI PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા તેમજ કેટલાંકની બદલી કરવામાં આવી હતી. વિકાસ સહાયના રિપોર્ટ આધારે મનોજ અગ્રવાલને સજાના ભાગરૂપે એસઆરપી તાલીમ કેન્દ્ર જુનાગઢ – સોરઠ ચોકી (Principal SRP Training Centre Junagadh Sorath Chowki) ખાતે ખસેડી દેવાયા હતા. ગત જુલાઈ મહિનાના અંતમાં થયેલી IPS અધિકારીઓની બદલીમાં વર્ષ 1993ની બેચના નિરજા ગોટરૂને એડીશનલ ડીજીપી તાલીમ ગાંધીનગર (Addl DGP Training Gandhinagar) ખાતે નિમણૂંક આપવામાં આવી હતી. ગૃહ વિભાગના હુકમ બાદ વર્ષ 1991ની બેચના સિનિયર IPS મનોજ અગ્રવાલ જુનિયરના તાબામાં આવી ગયા હતા. છેલ્લાં લાંબા સમયથી અમદાવાદ આવવા માટે મથી રહેલા મનોજ અગ્રવાલને ગૃહ વિભાગના નિર્ણયના કારણે ફાયદો થયો. સિનિયર-જુનિયરની નિમણૂંકનું કારણ દર્શાવવામાં આવતા ગૃહ વિભાગે વિશેષ કિસ્સામાં મનોજ અગ્રવાલને Director Civil Defence & Commandant General, Home Guards તરીકે નિમણૂંક આપી છે.

આ પણ વાંચો : અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ તરીકે મહંત દિલીપ દાસજી મહારાજને જવાબદારી

Whatsapp share
facebook twitter