+

Uttarayana : 2024માં કોનો પતંગ કપાશે…! વાંચો નેતાઓએ શું કહ્યું

Uttarayana : આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ (Uttarayana, )ની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. લોકો સવારથી જ અગાસી પર પહોંચીને રંગબેરંગી પતંગો ચગાવી આનંદ માણી રહ્યા છે. પતંગ ચગાવાની સાથે પેચ…

Uttarayana : આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ (Uttarayana, )ની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. લોકો સવારથી જ અગાસી પર પહોંચીને રંગબેરંગી પતંગો ચગાવી આનંદ માણી રહ્યા છે. પતંગ ચગાવાની સાથે પેચ લગાવી અન્યોના પેચ કાપવાની મજા પણ અનોખી છે. આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પતંગ ઉડાવા પહોંચ્યા હતા. તેમણે પતંગ ઉડાવાનો આનંદ માણ્યો હતો. જો કે તેમની પાસેની અગાસીમાં પતંગ ચઢાવી રહેલા યુવકે અમિત શાહનો પતંગ કાપી નાખ્યો હતો.

અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવ્યો

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ઉત્તરાયણના દિવસે અમદાવાદ આવ્યા હતા. તેમણે જગન્નાથ મંદિરમાં જઇને દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેઓ વેજલપુર વિસ્તારમાં પહોંચ્યા હતા. ધારાસભ્ય અમિત ઠાકરના આમંત્રણથી તેઓ વેજલપુર પહોંચ્યા હતા જ્યાં શહેર ભાજપના પદાધીકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. અમિત શાહે કાર્યકરો સાથે બેસીને ચા પીધી હતી અને ચીકી પણ ખાધી હતી. ત્યાર બાદ તેમણે પતંગ ચગાવાનો આનંદ માણ્યો હતો. જો કે તેમની જ પતંગ પાસેની અગાસીમાં પતંગ ચઢાવી રહેલા યુવકે કાપી નાખ્યો હતો.

રાજકારણમાં ભલભલાના પતંગ કાપતા અમિત શાહનો એક યુવકે પતંગ કાપી નાખ્યો

પોતાનો પતંગ કપાઇ જતાં અમિત શાહ હસી પડ્યા હતા. તેમણે પતંગ કાપનારા યુવકની સામે જોઇને હાથ હલાવ્યો હતો અને યુવકનું અભિવાદન કર્યું હતું. રાજકારણમાં ભલભલાના પતંગ કાપતા અમિત શાહનો એક યુવકે પતંગ કાપી નાખ્યો હતો.

 

મે તેમના 2 પેચ કાપ્યા

પતંગ કાપનારા યુવકે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે ગુજરાતમાં હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાત ઉજવાયો હતો. રામ મંદિર બની રહ્યું છે તેનો આનંદ છે અને આજે અમિતભાઇ અમારી સોસાયટીમાં આવ્યા હતા જેથી અમને બધાને ખુબ સારુ લાગ્યું હતું. દેશના આવા મોટા નેતાઓ લોકો વચ્ચે જઇને તહેવાર ઉજવે છે તે જોઇને સારુ લાગે છે. મે તેમના 2 પેચ કાપ્યા હતા. તે વખતે તેમણે મારી સામે જોયું અને મારી સામે હાથ ફેલાવ્યો હતો તે જોઇને મને સારુ લાગ્યું હતું.

અત્યારે કોંગ્રેસ ગોથા ખાય છે

બીજી તરફ રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પરિવાર સાથે પતંગ ચગાવી હતી. ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતાં વિજય રુપાણીએ કહ્યું કે દેશ અને ગુજરાતમાં મોદીજીનો પવન છે. અત્યારે કોંગ્રેસ ગોથા ખાય છે, કોંગ્રેસની હાલત ખરાબ છે અને 2024માં મોદી સરકાર હેટ્રિક લગાવશે

ભાજપનો પતંગ સ્થિર લહેરાશે

વડોદરાના મેયર પિંકી સોનીએ પણ પરિવાર સાથે ઉતરાયણનો તહેવાર ઉજવ્યો હતો. તેમણે કહ્યું કે મેયરે પોતાના પરિવાર સાથે કરી પતંગ ચગાવી આ વખતે રાજકીય પવન સારો છે અને ભાજપનો પતંગ સ્થિર લહેરાશે.

2024માં મોદી ગેરંટી વાળો પતંગ જ દેખાશે

બીજી તરફ કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે પણ ઉતરાયણનો તહેવાર ઉજવ્યો હતો. તેમણે કહ્યું કે 2024માં મોદી ગેરંટી વાળો પતંગ જ દેખાશે અને મોદીની વિકાસની ગેરંટીનો માંજો છે અને અમે ખેંચીને કાપીશું. વિકાસના મુદ્દે જ મોદીની ગેરંટી વિપક્ષને ભારે પડશે.

જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર

ઉપરાંત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ ભાભર લોકનિકેતન સંસ્થામાં વિદ્યાર્થીઓ સાથે ઉતરાયણની ઉજવણી કરી હતી.
તેમણે કહ્યું કે જે માહિર હોય તે લોકોની પતંગ ના કપાય અને પતંગ કાપવો અને કપાવો તેની પાછળ ઘણા બધા મર્મ છે. તેમણે કહ્યું કે જેની વારંવાર પતંગ કપાય તેને પણ શીખવાની જરૂર છે.

આ પણ વાંચો—UTTARAYAN-2024 : વિવિધ મંદિરોમાં વિશેષ શણગાર, દર્શન માટે ભક્તોનું ઘોડાપુર, PM મોદીએ આ રીતે પાઠવી શુભેચ્છા

Whatsapp share
facebook twitter