+

કેસમાં નામ નાંખો અને પૈસા માગો, કેમ કહ્યું સટ્ટા કિંગ અમિત મજેઠીયાએ Police માટે…

અમારો ધંધો લગ્નમાં જઈ તાળી વગાડે તેવો છે, આ શબ્દો છે સટ્ટા કિંગ અમિત મજેઠીયા (Amit Majithia) ના ઓનલાઈન સટ્ટા બેટીંગ ભારતના કાયદામાં કાયદેસર પણ નથી અને ગેરકાયદેસર પણ નથી.…

અમારો ધંધો લગ્નમાં જઈ તાળી વગાડે તેવો છે, આ શબ્દો છે સટ્ટા કિંગ અમિત મજેઠીયા (Amit Majithia) ના ઓનલાઈન સટ્ટા બેટીંગ ભારતના કાયદામાં કાયદેસર પણ નથી અને ગેરકાયદેસર પણ નથી. જેનો ભરપૂર ફાયદો પોલીસ ઉઠાવી રહી છે. ભારત છોડીને દુબઈથી ગેમ્બલીંગનો કારોબાર ચલાવતા અમિત મજેઠીયાને પોલીસનો જરા સરખો પણ ડર નથી. કેસમાં નામ નાંખીને મનફાવે તેવી રકમ માગતી પોલીસને અમિત સીબીટીએફ (Amit CBTF) એ ખુલ્લી ચેલેન્જ ફેંકી છે અને કહ્યું છે કે, 100-200 કેસમાં નામ નાંખી દો. જો અમે કોર્ટમાં આવ્યા તો એક પણ કેસ 1 મિનિટ માટે પણ નહીં ટકે. Gujarat First સાથે થયેલી વાતચીતમાં Dubai થી અમિત મજેઠીયાએ પોલીસ અને તેના દલાલોની પોલ ખોલી નાંખી સરકારને આડકતરી રીતે આગાહ પણ કરી છે.

કોણ છે અમિત મજેઠીયા ?

અમિત મજેઠીયા મૂળ કચ્છ ગાંધીધામના આદીપુરનો વતની છે. જો કે, હાલમાં અમિત મજેઠીયાનું સરનામું દુબઈ (Dubai) છે. પન્ટરથી ટિપર અને બાદમાં બુકી બનનારા અમિત મજેઠીયા સામે કચ્છ સહિત રાજ્યભરમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. અમિત મજેઠીયા પોતે ક્રિકેટ સટ્ટા બેટિંગ (Cricket Betting) માં વર્લ્ડનો પ્રથમ ટિપર (Tipper) હોવાનો દાવો કરે છે. ગત ઑક્ટોબર-2022થી એપ્રિલ-2023 દરમિયાન સુરત (Surat) અને અમદાવાદ શહેર (Ahmedabad City) માં નોંધાયેલા હજારો કરોડના ક્રિકેટ સટ્ટા બેટિંગના કેસમાં પોલીસે અમિત મજેઠીયા સહિતના બુકી (Bookie) ઓના નામ ખોલ્યા છે. પાંચેક વર્ષથી દુબઈ સ્થાયી થયેલા અમિત મજેઠીયાએ કલબ બિઝનેસ, સીબીટીએફ ટુરિઝમ અને બીસીસી મ્યુઝીક ફેક્ટરી (BCC Music Factory) જેવા અનેક ધંધામાં ઝંપલાવી દીધું છે.

જુઓ, સટ્ટા કિંગ અમિત મજેઠીયાનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ…

ફોન ચેક કરી Police કરે છે ક્રાઈમ ?

ક્રિકેટ ટુર્નામેન્ટ (Cricket Tournament) ની સિઝનમાં અમદાવાદ સહિત રાજ્યભરની પોલીસ પાનના ગલ્લે કે ચાની કીટલી પર બેસેલા લોકોના મોબાઈલ ફોન (Mobile Phone) તપાસતા દ્રશ્યો અવાર નવાર સૌ કોઈ જોયા હશે અથવા તો અનુભવ્યા હશે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની એપ્લિકેશન ફોનમાંથી શોધવા પોલીસ સતત પ્રયત્નશીલ રહે છે. આ મામલે અમિત મજેઠીયાએ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મજેઠીયાએ કહ્યું છે કે, કોઈનો પણ શંકાના આધારે મોબાઈલ ફોન લઈને તપાસવો એ પ્રાઈવસીનો ભંગ છે. ફોનની અંદર અંગત પળોના વિડીયો-ફોટો સ્ટોર હોય તો તે જોવાનો પોલીસને કેવી રીતે અધિકાર છે ? પોલીસ મોટાભાગે વગર વૉરંટે આ પ્રકારના ખેલ શા માટે કરે છે તે જગ જાહેર છે.

ફિક્સિંગને લઈને ઘટસ્ફોટ

IPL જ નહીં પરંતુ દુનિયાની 90 ટકા મેચ-ઓવરો ફિક્સ હોવાના તર્ક સાથેનો દાવો સટ્ટા કિંગ અમિત મજેઠીયાએ કર્યો છે. IPL સહિતની ક્રિકેટ મેચમાં નોંધાયેલી ઘટનાઓ તેના પૂરાવાઓ છે. 30 બોલમાં 25 રન ના થાય, એક ઓવરમાં 32 રન જોઈએ અને 32 રન થઈ જાય. પ્રતિભાવાન બોલરો 1 ઓવરમાં 5 નો બોલ અને 5 વાઈડ બોલ નાંખે. આ રૂપિયા વિના શક્ય જ નથી. ભૂતકાળની ઘટનાઓ જોઈએ તો ફિક્સિંગ (Fixing) ના કૌભાંડમાં દેશ-વિદેશના અનેક ક્રિકેટરો સંન્યાસ લઈ ચૂક્યા છે.

રૂપિયા પાકિસ્તાન જાય છે

અમિત મજેઠીયાના ધંધામાં કરોડોના વ્યવહાર થાય છે. ગેમ્બલીંગ બિઝનેસમાંથી થતી આવકના રૂપિયામાંથી કેટલીક રકમ પાકિસ્તાન (Pakistan) જાય છે અને આ વાત મજેઠીયાએ સ્વીકારી છે. તેણે કહ્યું કે, મારા સ્ટાફમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી, નાઈજીરીયન, નેપાળી સહિત 7 દેશના લોકો છે. તેમના પગાર થકી રૂપિયા પાકિસ્તાન સહિત 7 દેશોમાં જાય છે. ગત રમઝાન મહિનામાં પાકિસ્તાન, દુબઈ, ભારતમાં અમદાવાદ અને મુરાદાબાદમાં રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. મજેઠીયા અને તેના મિત્રો ગેમ્બલીંગ બિઝનેસમાં થતી આવકથી સીબીટીએફ ફાઉન્ડેશન (CBTF Foundation) ના નામે ભારત, પાકિસ્તાન અને દુબઈમાં સખાવતો ચલાવી રહ્યાં છે. અમિત મજેઠીયાએ જણાવ્યું હતું કે, કોઈને એમ લાગતું હોય કે, અમે ગદ્દાર છીએ તો માની લો અમે માનવતામાં માનીશું.

છાપાવાળા “ડબલ ઢોલકી” : મજેઠીયા

પોલીસ અને તંત્રને લઈને સવાલ ઉઠાવનારા અમિત મજેઠીયાએ છાપાવાળા (News Paper) ઓને લઈને પણ કોમેન્ટ કરી છે. ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની પાના ભરી ભરીને જાહેરાત છાપતા અખબારવાળાને મજેઠીયાએ “ડબલ ઢોલકી” કહ્યાં. અમિત મજેઠિયા કહે છે કે, પ્રથમ પાને જાહેરાત છાપતા છાપાવાળા અંદરના પાને સમાચાર લખી બુકીની બુરાઈ કરે છે. જે બુકીના સમાચાર છાપે છે તેની જ જાહેરાત પણ છાપે છે. છાપાવાળાની આ કઈ પોલીસી છે તે ખબર નથી પડતી.

આંગડીયામાં ફરે છે નેતા-પોલીસના રૂપિયા

ગેમ્બલીંગના બિઝનેસ (Gambling Bussiness) ના રૂપિયાની હેરફેર માટે આંગડીયાવાળા (Angadia Services) આર્શીવાદરૂપ છે તેવા સવાલના જવાબમાં અમિત મજેઠીયાએ જણાવ્યું કે, 5 હજાર હોય કે 5 કરોડ આંગડીયાવાળા કોઈ પ્રુફ નથી માંગતા આ સર્વિસ દેશમાં કાયદેસર છે અને બધા માટે ફાયદાકારક છે. રૂપિયા સટ્ટાના છે કે દવાના છે કે નેતા કે પોલીસના બધાના ફરે છે. મની બ્લેક (Black Money) હોય કે વ્હાઈટ આંગડીયાથી ફરે જ છે.

આ પણ વાંચો : વાયરલ વિડીયોમાં સરખેજ પોલીસને 4 મહિના બાદ મર્સિડીઝ કાર દેખાઈ, વધુ તપાસ પાછળ પોલીસનો શું ઈરાદો ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter