+

પલભરમાં નાચતો ગાતો જણ મરી જાય-કેમ થતું હશે આવું?

છેલ્લા થોડા સમયમાં હાર્ટ-અટૅકના અઢળક કિસ્સા સામે આવ્યા છે. આવી રહેલા આ કિસ્સાની પાછળ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ વૅક્સિનને જવાબદાર માને છે, પણ શું એ વાતમાં તથ્ય હોઈ શકે…

છેલ્લા થોડા સમયમાં હાર્ટ-અટૅકના અઢળક કિસ્સા સામે આવ્યા છે. આવી રહેલા આ કિસ્સાની પાછળ ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ વૅક્સિનને જવાબદાર માને છે, પણ શું એ વાતમાં તથ્ય હોઈ શકે ખરું?

બચાવનો કોઈ હેતુ નથી, પણ વધી રહેલા હાર્ટ-અટૅકના કેસ માટે માત્ર વૅક્સિનને જવાબદાર માનવાને બદલે લોકોએ જરા આજુબાજુ પણ નજર કરવી જોઈએ.

તાજેતરમાં દશેરા ગયા.લાખો કિલો ફાફડા જલેબી લોકોએ ખાધા. દશેરાના દિવસે જ તંત્ર ભેળસેળ છે કે નહિ એનાં સેમ્પલ લે અને એનો રીપોર્ટ મહિનાઓ અપ્છી આવે એનો કોઈ અર્થ? ભેળસેળ તો એનું કામ કરી ગઈ હોય.લોકો ભલે માંદા પડે કે મરે એની કોઈ પરવા નહિ.બસ,  વેપારીઓની તિજોરી પણ છલકાઈ ગઈ હોય એટલે પત્યું.

થોડા સમય પહેલાં અમદાવાદમાંથી ૬ ટનથી પણ વધારે ખરાબ થઈ ગયેલો માવો પકડાયો હતો, તો એ પહેલાં સુરેન્દ્રનગર પાસે નકલી દેશી ઘી બનાવતી એક આખી ફૅક્ટરી પકડાઈ હતી, જેને ત્યાં મળેલા રૉ-મટીરિયલ પરથી એવું પુરવાર થતું હતું કે દસ હજાર કિલોથી પણ વધારે નકલી દેશી ઘીનું ઉત્પાદન થઈ શકતું હતું.આ તો પકડાયા એ કેસીસ છે. કેટલું ધુપ્પલ ચાલતું હશે?
પકડાયેલા પેલા માવાની પહેલાંનું પિક્ચર કોઈએ વિચાર્યું ખરું કે પછી પકડાયેલી પેલી નકલી દેશી ઘી બનાવતી ફૅક્ટરી સુધી ખાદ્ય વિભાગના અધિકારીઓ પહોંચ્યા એ પહેલાં ત્યાં કેટલું પ્રોડક્શન થઈ ગયું અને એમાંથી કેટલો માલ લોકોના પેટમાં પહોંચી ગયો એના વિશે કોઈએ વિચાર્યું ખરું? તમારા દેશમાં ભેળસેળ એટલે જન્મસિદ્ધ હક હોય, અધિકાર હોય એવો માહોલ છે એવા સમયે કોઈએ એક વખત પણ વિચાર્યું છે ખરું કે એ ભેળસેળની અસર શરીર પર કેવી થતી હશે અને એ ભેળસેળને લીધે શરીરના અવયવોમાં શું ખોટકો ઊભો થતો હશે?
વિચારો જરા શાંતિથી અને માગ કરો તમારા વિસ્તાર કે શહેરના એ અધિકારીઓ પાસે કે તમને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે. અગાઉ કહ્યું હતું  જગતમાં માત્ર આપણે એવા છીએ જ્યાં ભેળસેળને જામીનપાત્ર ગુનો માનવામાં આવે છે અને ભેળસેળને, આગળ કહ્યું એમ, જન્મસિદ્ધ અધિકાર માનવામાં આવે છે. દેશમાં આજે અમુક માઇક્રોનથી નબળું પ્લાસ્ટિક વાપરવાની મનાઈ છે, પણ ખરેખર જુઓ તમે એ નિયમનું પાલન આ દેશમાં થાય છે કે ખરું? અરે, સામાન્ય કહેવાય એવો શાકવાળો પણ ફરીથી પ્લાસ્ટિકની બૅગ વાપરતો થઈ ગયો છે અને ફરસાણવાળાને ત્યાં પણ એવી બૅગ જોવા મળે છે. ઍનીવે, આપણે ઑફ-ટ્રૅક થવું નથી એટલે મૂળ વિષય પર આવીએ. આ ભેળસેળ કારણભૂત હોઈ શકે છે નાની વયે હાર્ટ-અટૅક માટે અને આ ભેળસેળ કારણભૂત હોઈ શકે છે બીમારી માટે. જો સમજવામાં નહીં આવે તો એનો વ્યાપ વધવાનો છે. ફ્રૉઝન ડિઝર્ટના નામે સસ્તી ક્વૉલિટીનો આઇસક્રીમ ખાનારા અને ખવડાવનારાઓ ભૂલી જાય છે કે તેઓ એવી હાનિકારક ચીજવસ્તુ ખવડાવી રહ્યા છે જે શરીર માટે ભારોભાર નુકસાનકર્તા છે. બાળકોને હાથમાં પાંચ અને દસ રૂપિયાનું પૅકેટ પકડાવીને ખુશ થનારી મમ્મી પણ ભૂલી જાય છે કે તે બાળકના હાથમાં પ્રિઝર્વેટિવ નામનું ઝેર પકડાવી રહી છે. નાની ઉંમરે થઈ રહેલાં મૃત્યુ પાછળ આ અને આવાં તો અનેક કારણો છે જેની પાછળ ક્યાંક તો સરકારી અધિકારીઓ અને ક્યાંક આપણું અણઘડપણું જવાબદાર છે. વૅક્સિન પર દોષનો ટોપલો ખેંચી જતાં પહેલાં એક વખત આપણે આપણા ખાનપાન પર પણ નજર કરી લેવી હિતાવહ છે
Whatsapp share
facebook twitter