+

Kader Khan : કાબૂલથી કબ્રસ્તાન, કલમથી કોમેડી સુધીની સંઘર્ષમય સફર

Kader Khan : રાતનો સમય હતો. મુંબઇમાં આવેલા એક કબ્રસ્તાનમાં ચોતરફ ગાઢ અંધકાર વ્યાપેલો હતો. એ સૂનકાર સ્થળે એક બાળક દરરોજની જેમ સંવાદ બોલવાની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો… એ રાતે…

Kader Khan : રાતનો સમય હતો. મુંબઇમાં આવેલા એક કબ્રસ્તાનમાં ચોતરફ ગાઢ અંધકાર વ્યાપેલો હતો. એ સૂનકાર સ્થળે એક બાળક દરરોજની જેમ સંવાદ બોલવાની પ્રૅક્ટિસ કરી રહ્યો હતો… એ રાતે એનો આ રોજિંદો ક્રમ ચાલુ હતો કે તેના પર ટૉર્ચલાઇટનો પ્રકાશ પડ્યો. એને પૂછવામાં આવ્યું કે ‘કબ્રસ્તાનમાં શું કરી રહ્યો છે? બાળક બોલ્યો, “દિવસમાં જે પણ કંઈ સારું વાંચું એ રાતે અહીં આવીને બોલું છું. રિયાઝ કરું છું.”

બાળકને સવાલ પૂછનારી એ વ્યક્તિનું નામ અશરફ ખાન હતું.અશરફખાન-ગુજરાતી  રંગભૂમિનો બાદશાહ.અશરફ ખાન ફિલ્મોમાં પણ કામ કરતા હતા. એમણે બાળકને પૂછી લીધું, “નાટકમાં કામ કરીશ?”

બસ, અહીંથી જ શરૂ થયેલી બાળકની એ સફરે દાયકાઓ સુધી હિંદી ફિલ્મોને ‘કાદર ખાન’ (Kader Khan)ના નામે ગજવી. વર્ષો બાદ જ્યારે કાદર ખાને ૧૯૭૭માં ‘મુકદ્દર કા સિકંદર‘ ફિલ્મ લખી તો એમાં એક મહત્ત્વનો સીન લખ્યો, જ્યાં બાળપણમાં અમિતાભ બચ્ચન કબ્રસ્તાનમાં પોતાની માના મૃત્યુ પર રડે છે. એ વખતે ત્યાંથી પસાર થતો એક ફકીર(Kader Khan) એ બાળકને કહે છે,

“ઈસ ફકીર કી એક બાત યાદ રખના. જિંદગી કા સહી લુત્ફ ઉઠાના હૈ તો મૌત સે ખેલો, સુખ તો બેવફા હૈ ચંદ દિનો કે લિયે આતા હૈ ઔર ચલા જાતા હૈ, દુઃખ તો અપના સાથી હૈ, અપને સાથ રહતા હૈ, પોંછ દે આંસૂ. દુઃખ કો અપના લે. તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મકદ્દર કા બાદશાહ હોગા…”

…આ દ્રશ્યની પ્રેરણા કાદર ખાને પોતાના ઘર નજીક આવેલા એ કબ્રસ્તાનમાંથી લીધી હતો. કાદર ખાને ૭૦ના દાયકામાં સંવાદો લખવાથી લઈને ફિલ્મોમાં અભિનય કરવા સુધી ભારે નામ કમાયું. ખૂન પસીના,’ ‘લાવારીસ,’ ‘પરવરિશ,’ ‘અમર અકબર ઍન્થની,’ ‘નસીબ,’ ‘કુલી’ જેવી ફિલ્મોની પટકથા,સંવાદ લખનારા કાદર ખાને અમિતાભ બચ્ચનની કારકિર્દીને ઘડવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી. જોકે, આ જ કાદર ખાનનું પ્રારંભિક જીવન અત્યંત સંઘર્ષમય રહ્યું હતું…

…કાદર ખાન (Kader Khan)નો જન્મ અફઘાનિસ્તાનના કાબૂલ શહેરમાં થયો હતો. તેમના જન્મ પહેલા તેમના ત્રણ ભાઈઓના મૃત્યુ નાનપણમાં જ નીપજ્યા હતાં. તેથી જ કાદર ખાનના જન્મ બાદ તેમનાં માતાપિતાએ અફઘાનિસ્તાન છોડીને ભારત આવવાનો નિર્ણય લીધો હતો. પણ ભારત આવ્યા પછી કમનસીબે થોડા સમયમાં જ તેમના માતાપિતાએ તલાક લઈ લીધા અને સાવકા પિતા સાથે તેમનું બાળપણ દારુણ ગરીબીમાં વીત્યું. મુંબઈની અતિ બદનામ વિસ્તાર કમાઠીપુરામાં રહેવા છતાં સાબુ સીદીક પોલીટેકનીકમાં તેમણે સિવિલ એંજિનિયરિન્ગમાં ડિપ્લૉમા કર્યું અને એજ કોલેજમાં પ્રોફેસર બન્યા.

કૉલેજમાં એક વખત નાટ્યસ્પર્ધાનું આયોજન થયું, જેના નિર્ણાયકો નરેન્દ્ર બેદી અને કામિની કૌશલ હતા. એ નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ અભિનેતા-લેખકનું ઇનામ કાદર ખાનને મળ્યું અને એ સાથે જ એક ફિલ્મમાં સંવાદ લખવાની તક પણ સાંપડી. અને હા, ઇનામરૂપે રૂપિયા પણ મળ્યા, પંદર સો પૂરા. એ ફિલ્મ હતી ૧૯૭૨માં આવેલી જવાની દિવાની’, સફળ નીવડી અને એ બાદ તેમને રફૂ ચક્કર’ જેવી ફિલ્મો મળવા લાગી.

કાદર ખાન (Kader Khan)ના જીવનમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ૧૯૭૪માં મનમોહન દેસાઈ અને રાજેશ ખન્ના સાથે ફિલ્મ ‘રોટી’માં કામ કરવાની તક મળી. શરૂઆતમાં મનમોહન દેસાઈને કાદરખાન પર વિશ્વાસ નહોતો. તેઓ હંમેશાં કહેતા રહેતા કે “તમે લોકો શાયરી તો સારી કરી લો છો પણ મારે તો એવા સંવાદો જોઈએ કે જેના પર લોકોની તાળીઓ પડે.” પછી તો શું જોઈતું હતું? કાદર ખાન જે સંવાદો લખીને ગયા એ મનમોહન દેસાઈને એટલ પસંદ આવ્યા કે તેઓ તરત જ ઘરની અંદર ગયા, પોતાનું ટૉશિબા ટીવી, ૨૧ હજાર રૂપિયા અને બ્રૅસલૅટ કાદર ખાનને ઈનામ તરીકે આપી દીધાં. બસ, અહીંથી જ શરૂ થઈ મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા અને અમિતાભ બચ્ચન સાથેની તેમની ‘શાનદાર સફર’…

કાદર ખાને (Kader Khan) લખેલી ફિલ્મો અને સંવાદો એક બાદ એક હિટ થવા લાગ્યા. અગ્નિપથ,’ ‘શરાબી,’ ‘સત્તે પે સત્તા’…વગેરેમાં  અમિતાભ માટે એક કરતા એક ચઢિયાતા સંવાદો કાદર ખાને લખ્યા. ૧૯૭૩માં આવેલી ફિલ્મ ‘દાગ’માં એક મામૂલી ભૂમિકામાં કાદર ખાન જોવા મળ્યા. એ બાદ ૧૯૭૭માં અમિતાભ બચ્ચન સાથે પોલીસ ઇન્સ્પેક્ટરની એક નાનકડી ભૂમિકા ભજવવાની તેમને તક મળી અને એ સાથે જ, ‘ખૂન પસીના’, ‘શરાબી’, ‘નસીબ’, ‘કુરબાની’ જેવી ફિલ્મોની લાઈન લાગી ગઈ. લોકો ખલનાયકના રૂપે પણ તેમને ઓળખવા લાગ્યા.

એક મુલાકાતમાં તેઓ એક કિસ્સો સંભળાવે છે, “શરૂઆતના દિવસોમાં હું જ્યારે મનમોહન દેસાઈના ઘરે જતો તો દૂરથી જોઈને જ એ મને કહેતા કે ‘ઉલ્લુ કે પઠ્ઠે કો સમજ મેં નહી આયા, ફિર આ ગયા.’ મેં તેમની પાસે જઈને કહ્યું કે તમે આવા શબ્દો બોલ્યા. હું ‘લિપ-રીડિંગ’ કરી શકું છું.” બાદમાં આવેલી ફિલ્મ ‘નસીબ’માં તેમણે આ સીનનો ઉપયોગ કર્યો, જ્યાં ફિલ્મની અભિનેત્રી ખલનાયકની વાતો ‘લિપ-રીડિંગ’ થકી જાણી જાય છે. અમિતાભની કારકિર્દીમાં કાદર ખાને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

એક સમયે કાદર ખાન (Kader Khan) અને અમિતાભ બચ્ચન વચ્ચે ગાઠ મિત્રતા હતી. બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાને જણાવ્યું હતું, “હું અમિતાભને લઈને ફિલ્મ બનાવવા માગતો હતો. નામ હતું, ‘જાહિલ’ પણ એ પહેલાં જ અમિતાભ બચ્ચનને ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજા થઈ. એ બાદ તેઓ રાજકારણમાં જતાં રહ્યા અને એ ફિલ્મ ક્યારેય બની શકી નહીં. અમારી વચ્ચે ફાટ પણ પડી હતી.”

….આ ફાટ પડવાનું કારણ પણ જાણવા જેવું છે…. આશરે સાતેક વર્ષ પહેલાની વાત છે, કાદર ખાન પોતાના કેટલાક જૂના પત્રકાર મિત્રો સાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા અને ઉલ્લેખ થયો અમિતાભ બચ્ચનનો. પહેલાં તો થોડીવાર સુધી કાદર ખાન આ બાબતે કંઇ બોલ્યા નહી. હકીકતમાં તેઓ અમિતાભ બચ્ચનનું નામ સાંભળીને એકદમ શાંત થઇ ગયાં હતાં. તે પછી તેમણે જે કંઇ કહ્યું તે સાંભળીને સૌ કોઇ દંગ રહી ગયા હતા. કાદર ખાનના શબ્દો હતા, “જો હું અમિતને સરજી કહીને સંબોધવાનું શરૂ કરી દેત તો મારુ કેરિયર આવી રીતે અચાનક ખતમ ન થઇ જાત.” કાદર ખાને તે પછી સમગ્ર ઘટના પણ જણાવી. તેમણે જણાવ્યું કે કેવી રીતે દક્ષિણ ભારતના એક પ્રોડ્યુસરે ફરી એકવાર તેમને મળીને આ અંગે વાતચીત કરી હતી. એક ફિલ્મમાં તેમને સંવાદ લેખક તરીકે લેવાની વાત ચાલી રહી હતી અને તે નિર્માતાએ કાદર ખાનને કહ્યું કે, તમે ‘સરજી’ને મળી લો. તેના પર કાદર ખાને સવાલ કર્યો ‘કોણ સરજી?’ નિર્માતાએ કહ્યું કે, તમે સરજીને નથી ઓળખતા? અરે, અમિતાભ બચ્ચન. કાદર ખાને પૂછ્યું કે “તે સરજી ક્યારથી થઇ ગયાં?” ત્યાં સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ અમિતાભ બચ્ચનને સરજી કહેવાનું શરૂ કરી દીધું હતું. કાદર ખાને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે હું અમિતાભ બચ્ચનને અમિત કહીને જ સંબોધતો હતો અને મિત્રો કે સંબંધીઓને હું ક્યારેય ‘જી’ સંબોધન સાથે નથી બોલાવતો.

કાદર ખાને (Kader Khan) તે વાતચીત દરમિયાન સ્વીકાર્યુ કે, તેના જ કારણે તેમને ખુદા ગવાહ’ ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યા. મનમોહન દેસાઇની ફિલ્મ ‘ગંગા જમના સરસ્વતી’ અડધી લખ્યા બાદ તેમણે છોડવી પડી અને અમિતાભની અન્ય અંડર પ્રોડક્શન ફિલ્મોમાં તેઓ કલાકાર અથવા તો લેખક તરીકે સામેલ હતા, જેને તેમણે ફક્ત એટલા માટે છોડવી પડી કારણ કે તેમને અમિતાભને સરજી કહેવું મંજૂર ન હતું. …ઘણા ઓછા લોકો જાણે છે કે પોતાના સુપરસ્ટારડમના દૌરમાં જેમ રાજેશ ખન્નાએ સલીમ જાવેદને ફિલ્મ હાથી મેરે સાથી’માં બ્રેક આપ્યો હતો, તેવી જ રીતે રાજેશ ખન્નાએ જ કાદર ખાનને પોતાની ફિલ્મ ‘રોટી’માં સંવાદ-લેખક તરીકે બ્રેક આપ્યો હતો. ત્યાર બાદ કાદર ખાને રાજેશ ખન્નાની લગભગ તમામ ફિલ્મોના સંવાદો લખ્યા.

ઉલ્લેખનીય છે કે કાદર ખાને જીતેન્દ્રની બીજી ઇનિંગમાં શ્રીદેવી સાથે આવેલી ફિલ્મ ‘તોહફા’ બાદ તેની મોટાભાગની ફિલ્મોમાં સંવાદો લખ્યા. ૧૯૮૩માં કાદર ખાને ફિલ્મ ‘હિંમતવાલા’ લખી હતી અને પોતાના માટે કૉમેડીવાળો રોલ પણ. કારણ કે તેઓ વિલનવાળા મોડમાંથી બહાર આવવા માગતા હતા. અહીંથી તેમનાં લેખન અને ઍક્ટિંગમાં એક બદલાવનો તબક્કો શરૂ થયો હતો. એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાન ફિલ્મોની બગડતી ભાષાનો દોષ નિખાલસતાથી ખુદને પણ આપે છે.

૯૦ના દશકા સુધી આવતા-આવતા કાદર ખાને લખવાનું ઓછું કરી નાખ્યું હતું પરંતુ ડૅવિડ ધવન અને ગોવિંદા સાથે તેમની જોડી ખૂબ જામતી હતી. જોકે, ત્યારે પણ પોતાના સંવાદ તેઓ ખુદ જ લખતા હતા. પોતે હસવાનું નહીં અને મોઢું આડું-અવળું કર્યા વિના દર્શકોને કેવી રીતે હસાવી શકાય તે ગુરુમંત્ર કાદર ખાન પાસે હતો. કાદર ખાન હરફનમૌલા(દરેક બાબતમાં આવડતવાળી વ્યક્તિ) હતા. ઍક્ટિંગની સાથે-સાથે તેઓ ઉસમાનિયા યુનિવર્સિટીમાં અરબી ભાષા પણ શીખતા હતા. છેલ્લા એક દાયકાથી કાદર ખાનનો ફિલ્મી દુનિયા સાથેનો જાણે સંપર્ક કપાઈ ગયો હતો. અરબી શીખ્યા બાદ તેઓ ગરીબોના કલ્યાણના, સમાજસેવાના કામમાં વધારે વ્યસ્ત રહેવા લાગ્યા હતા. તબિયત ખરાબ થયા બાદ તેમનો વધારે સમય કૅનેડામાં બાળકો સાથે વિતતો હતો. કાદર ખાને ફિલ્મોમાં લેખન, સંવાદ અને ઍક્ટિંગને પોતાના ઢાળમાં ઢાળ્યાં હતાં. ઘણી વાર લાગે છે કે કાદર ખાનની આવડતનો પૂરો ફાયદો કદાચ આપણે (બોલિવૂડ) જોઈએ તેવો ઉઠાવી શક્યા નથી. નહીં તો આવા લેખક અને અદાકાર ખૂબ ઓછા જોવા મળે છે જેમના પાસે ભાષા પરની પકડ, સારું લેખન, અનોખો અંદાજ-બધું જ હોય…

અંતમાં યાદ કરીએ કાદર ખાનના ચુનંદા યાદગાર સંવાદો;

*ફિલ્મ ‘હમ’ : મોહબ્બત કો સમજના હૈ તો પ્યારે ખુદ મોહબ્બત કર, કિનારે સે કભી અંદાજે તૂફાન નહીં હોતા.”

*ફિલ્મ ‘અગ્નિપથ’ : “વિજય દીનાનાથ ચૌહાણ, પૂરા નામ, બાપ કા નામ દીનાનાથ ચૌહાણ, મા કા નામ સુહાસિની ચૌહાણ, ગાંવ માંડવા, ઉમ્ર છત્તીસ સાલ નવ મહીના આઠ દિન ઔર યે સોલહવા ઘંટા ચાલુ હૈ.”

*ફિલ્મ ‘કુલી’ : “હમારી તારીફ જરા લંબી હૈ. બચપન સે સર પર અલ્લાહ કા હાથ ઔર અલ્લાહરખ્ખા હૈ અપને સાથ. બાજુ પર ૭૮૬ કા હૈ બિલ્લા, ૨૦ નંબર કી બીડી પીતા હું,  કામ કરતા હું કુલી કા ઔર નામ હૈ ઇકબાલ.”

*ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’ : “જિંદગી કા સહી લુત્ફ ઉઠાના હૈ તો મૌત સે ખેલો.”

…વગેરે વગેરે……

…. છેલ્લે,

એક વાત ધણા ઓછા લોકો જાણતા હશે કે કાદર ખાન નાટકોમાં સક્રિય હતા ત્યારે રાજેશ ખન્ના એનો ચેલા જેવો હતો, નાટકમાં કાકા ભૂલ કરે કે સમયસર ન આવે તો કાદર ખાન તમાચો ય ચોડી દેતા એવો એમનો સંબંધ હતો…

આ પણ વાંચો: રફી બડા બલવાન -હું નવો રફી પેદા કરીશ 

Whatsapp share
facebook twitter