UPI Payment, Nepal: ભારત અત્યારે વિશ્વ કક્ષાએ સારી એવી ઓળખ ધરાવતું થઈ ગયું છે. વિશ્વના ઘણા દેશોમાં ભારતીય પ્રવાસીયો ફરવા માટે જતા હોય છે, જેથી તેમને ઘણી વાર મુશ્કેલીનો પણ સામનો કરવો પડતો હોય છે. જેને લઈને ભારત સરકાર દ્વારા અનેક પગલા લેવામાં આવ્યાં છે. હવે ઘણા એવા દેશમાં UPI પેમેન્ટ્સની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે નેપાળમાં પણ UPI પેમેન્ટ્સની સેવા શરૂ કરવામાં આવી છે. જેથી નેપાળ ફરવા માટે જતા ભારતીય પ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે. હવે નેપાળમાં નાણું બદલવાની જરૂર નહીં પડે. ત્યાં પણ હવે સરળતાથી ઓનલાઈન પેમેન્ટ્સ કરી શકાશે.
પ્રવાસીઓને હવે નહીં પડે કોઈ અગવડતા
ઉલ્લેખનીય છે કે, હકીકતમાં, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ તાજેતરમાં જણાવ્યું હતું કે, યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) હવે પડોશી દેશ નેપાળમાં પણ ઉપલબ્ધ છે. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે UPI વપરાશકર્તાઓ નેપાળી વેપારીઓને QR કોડ સ્કેન કરીને ચુકવણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ (NIPL) અને નેપાળના સૌથી મોટા પેમેન્ટ નેટવર્ક ફોનપે પેમેન્ટ સર્વિસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત પાડોશી દેશમાં UPI દ્વારા પેમેન્ટ શરૂ થઈ ગયું છે.
NPCI International Payments Ltd (NIPL) and @fonepay Payment Service Ltd, have announced that UPI is now live for cross-border transactions between India and Nepal. This partnership will enable Indian consumers to make instant, secure and convenient QR code based UPI payments at… pic.twitter.com/YWjHATzxkO
— NPCI (@NPCI_NPCI) March 8, 2024
UPI- enable એપના ઉપયોગથી થશે પેમેન્ટ્સ
નિવેદનની વાત કરવામાં આવે તો, પ્રથમ તબક્કામાં ભારતીય વપરાશકર્તાઓ UPI- enable એપનો ઉપયોગ કરીને નેપાળમાં વિવિધ વેપારી સ્ટોર્સ પર ઝડપી, સુરક્ષિત અને અનુકૂળ UPI ચૂકવણી કરી શકશે. Fonepay નેટવર્કમાં સમાવિષ્ટ વેપારીઓ ભારતીય ગ્રાહકો પાસેથી UPI પેમેન્ટ લઈ શકે છે. NIPLના ચીફ એક્ઝિક્યુટિવ રિતેશ શુક્લાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘આ પહેલ માત્ર ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં નવીનતા લાવવાની અમારી પ્રતિબદ્ધતાને જ પ્રતિબિંબિત કરતી નથી, પરંતુ વેપાર માટે નવા માર્ગો બનાવવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટેના અમારા સમર્પણને પણ દર્શાવે છે.’
નોંધનીય છે કે, આના કારણે બન્ને દેશના વેપાર ક્ષેત્રના સારો એવો ફાયદો થવાનો છે. એકબીજા દેશ સાથે હવે સરળતાથી વ્યપાર કરી શકાશે અને પ્રવાસીઓ માટે તો ખુબ જ સારી વાત છે કે, હવે પ્રવાસ દરમિયાન ઘણા દેશમાં ભારતીય રૂપિયાનો જ ઉપયોગ કરી શકાશે તેથી તેઓને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો નહીં કરવો પડે.