Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MLA ગોવિંદ પટેલને હવે બાર એસોસિયેશનનું સમર્થન, ન્યાયિક તપાસની કરી માગ

06:12 PM Apr 22, 2023 | Vipul Pandya

રાજકોટમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર કથિત રીતે રૂપિયા ઉઘરાવવાના ગંભીર આક્ષેપ ધારાસભ્ય ગોવિંદ પટેલે લગાવ્યા હતા. આ આક્ષેપોના કારણે ગુજરાતભરમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર વિવાદમાં હવે રાજકારણમાં દિન પ્રતિદિન ગરમાવો આવી રહ્યો છે. સાંસદ રામ મોકરિયાએ પણ ધારાસભ્ય ગોવિંદ પટેલના નિવેદનને સમર્થન આપ્યુ હતું. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા જગદીશ ઠાકોરે પણ ભાજપ પર પ્રહાર કરવાની તક છોડી નહોંતી. જગદીશ ઠાકોરે પ્રહાર કર્યા હતાં કે- ‘પાર્ટીના જ વ્યક્તિએ પોલ ખોલી છે’. ત્યારે હવે બાર એસોસિયેશન પણ મેદાનમાં આવ્યું છે.
બાર એસોસિયેશને તટસ્થ તપાસની કરી માગ
રાજકોટમાં પોલીસ કમિશનર પર થયેલા આક્ષેપ મામલે હવે બાર એસોસિયેશને ન્યાયિક તપાસની માગ કરી છે. બાર એસોસિયેશનના પ્રમુખ અર્જુન પટેલે સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો. અર્જુન પટેલે પોલીસ કમિશનર
મનોજ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓ સામે યોગ્ય તપાસ થાય તેવી માગ કરી છે. અર્જુન પટેલે પોતાના વીડિયોમાં કહ્યું કે ‘જ્યારે ધારાસભ્ય અને સાંસદ આક્ષેપ કરે ત્યારે તેને ગંભીરતાથી લેવું જોઈએ’. બાર એસોસિયેશન
પ્રમુખના મતે પદાધિકારીઓ પર થનારા આક્ષેપમાં તથ્ય હોય છે. સમગ્ર કેસમાં આક્ષેપો સાચા પુરવાર થાય તો અધિકારીને પદ પરથી દૂર કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ પણ અર્જુન પટેલે કરી છે.
ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડ્યો હતો લેટર બોમ્બ
રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલે રૂપિયા વસૂલવાના આરોપ કર્યા હતા. ધારાસભ્યએ પોલીસ કમિશનર પરના આક્ષેપ સાથેનો પત્ર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લખ્યો હતો.  ધારાસભ્યએ 
આક્ષેપ કર્યા હતાં કે પોલીસ કમિશનર ડૂબેલા નાણા વસૂલવા માટે ટકાવારી લે છે. પોલીસ કમિશનર પર ગંભીર આરોપ બાદ સમગ્ર કેસમાં હવે રાજકારણ તેજ બની ગયું છે.