Gujarat First Conclave 2024: ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં રાજકોટ ભાજપના 2 વાર પ્રમુખ, વિદ્યાર્થી કાળથી ભાજપ સાથે જોડાયેલા તથા કોર્પોરેટર અને સ્ટેન્ડીગ ચેરમેન રહી ચૂકેલા અને ગુજરાત મ્યુનિ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન સ્પષ્ટ વક્તા ગણાતા ધનસુખ ભંડેરી સાથે પણ કોન્કલેવમાં રસપ્રદ વાતચીત કરાઇ હતી.
અમારા તમામ સ્તરે જીતવાના પ્રયાસ
આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ કેવી છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપમાં બુથ થી લઇ નેશનલ લેવલ સુધીનું ખાસ આયોજન કરાયેલું હોય છે અને રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી બુથ પ્રમુખ સુધીનું માળખું ગોઠવાયેલું છે. અમે પેજ સમિતીના માધ્યમથી ભાજપનો મેસેજ લોકો સુધી પહોંચાડીએ છીએ. સરકારના કામો પહોંચાડીએ છીએ. તેમણે કહ્યું કે પીએમ વિકાસની રાજનીતી લોકો સમક્ષ લઇ ગયા છે. વિકાસના નામે ચૂંટણી જીતી શકાય છે તે સાર્થક અમે બધી ચૂંટણીમાં કર્યું છે. 10 વર્ષમાં ઉત્તરોત્તર અમારી સીટો વધી છે. તેમણે કહ્યું કે વિધાનસભામાં 156 બેઠક જીતી અને ખાલી જીતીને નહી પણ લોકોનું મન જીતીને જીતી છે. અમારા તમામ સ્તરે જીતવાના પ્રયાસ છે. પ્રજા એટલે જ ભાજપ અને મોદી સાહેબ સાથે છે.
સૌની યોજનામાં અમને પાણી પહોંચી જાય છે
રાજકોટમાં પાણીની સમસ્યા છે. આજે પણ સ્થિતી વરવી છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે રાજકોટ કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તાર અને એનઆરઆઇ પણ રાજકોટમાં આવી રહ્યા છે. રાજકોટની આજે 18 લાખની વસ્તી છે. ડેમ સહિતના સ્ત્રોતો છે. પાણી માટે સૌની યોજના સીએમ મોદીએ શરુ કરી હતી. તેમણે રાજકોટથી આ યોજના શરુ કરી હતી. સૌની યોજનામાં અમને પાણી પહોંચી જાય છે. તમામ ડેમોમાં પાણી આવી જાય છે. ભાજપના તમામ મુખ્યમંત્રીઓએ તમામ મહાનગર અને ગામડા સુધી પાણી પહોંચાડેલું છે. આજે છેવાડાના ગામો સુધી પાણી પહોંચ્યું છે. હું મેયર હતો ત્યારે 32 કરોડની યોજના શરુ કરી હતી. આજે 18 ઝોનમાં પાણી આપવામાં આવે છે. આજી ડેમ, ન્યારી ડેમ, ભાદર ડેમમાં પાણી મળી જાય છે.
નર્મદાનું પાણી રાજકોટના ઘેર ઘેર સુધી જાય છે
તો દરેક ઉનાળામાં કેમ સમસ્યા છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે રાજકોટમાં હાલ પાણીનો આધાર નર્મદાના પાણી પર છે પણ અત્યારે હવે માટલા ફોડાતા નથી. હું માનુ છું કે રાજ્ય સરકાર અને કોર્પોરેશને જવાબદારી સમજી પીવાનું પાણી અને સિંચાઇનું પાણી આપે છે. દર વર્ષે સારુ ચોમાસું હોતું નથી છતાં મુશ્કેલીમાં પણ પાણી આપીએ છીએ. રિઝર્વ ફોયર બનાવાની પણ અમારી યોજના છે. નર્મદાનું પાણી રાજકોટના ઘેર ઘેર સુધી જાય છે.
પહેલા કમળ અને પછી હું છું
ભાજપના કાર્યકરોનો સવાલ કે રાજકોટમાં જૂથવાદ છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપ મોદી પરિવાર છે અને એટલો મોટો પરિવાર છે કે સામે બધુ બ્લેન્ક છે. કમળ એ મારી ઓળખ છે. સંગઠનના કાર્યકરો અને મંત્રીઓ પણ માને છે કે પહેલા કમળ અને પછી હું છું. હું મોદી પરિવારનો સભ્ય છું.
રાજકોટની બેઠક 5 લાખની લીડથી જીતીશું
રાજકોટમાં તમારા સહિત આટલા દિગ્ગજ હતા તો અમરેલીથી કેમ ઉમેદવાર આયાત કરવો પડ્યો તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપ નાનામાં નાના કાર્યકરોને પણ જીતાડે છે. અમે રાજ્યની તમામ 26 સીટો જીતવાના છે. અમારા પૂર્વ અધ્યક્ષ અને મંત્રી રહી ચુકેલા રુપાલા સાહેબ સક્ષમ છે અને પોતે પણ સંઘર્ષ કરીને નેતા બનેલા છે. તેમને સ્વીકારવા માટે અમે બધા એક બન્યા છીએ અને રાજકોટની બેઠક અને 5 લાખની લીડથી જીતીશું અને તે દિવસે હેડલાઇન બનશે.
સરકારના વિકાસના કામોનું ભાથું છે
ભાજપમાં ઉકળતો ચરું છે અને ડેમેજ કન્ટ્રોલ માટે તમારી શું કામગિરી છે તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે ભાજપનો દરેક કાર્યકર પાર્ટી માટે કામ કરે છે. ઉમેદવારો અમારા માટે ગૌણ છે. હા સાથે કામ કરતા હોઇએ તો લગાવ હોઇ શકે પણ પાર્ટીની વ્યવસ્થા મુજબ સૌ કાર્ય કરી રહ્યા છે. ગુજરાતમાં બંપર જીતથી 26 સીટ આવવાની છે. લોકોનુ મન મોદી , ભાજપ અને વિકાસ સાથે છે. સરકારના વિકાસના કામોનું ભાથું છે. ભાજપ પંચનિષ્ઠાથી કામ કરે છે.
મહિલા માટે કામ કરવાની સોચ મોદી સાહેબે આપી
નારી સશક્તિકરણ માટે કઇ રીતે કાર્ય થઇ રહયું છે તેના જવાબમાં તેમણે કહ્યું કે હું માનું છું કે પહેલીવાર મહિલા માટે કામ કરવાની સોચ મોદી સાહેબે આપી છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકે તેમણે આ દિશામાં કાર્ય કર્યું છે. ઉજ્જવલા યોજના હેઠળ બહેનોને ઘેર ઘેર ગેસ કનેક્શન આપ્યું છે. આઝાદી પછી વર્ષોથી શૌચ માટે મહિલાઓને રાત પડે તેની રાહ જોવી પડતી હતી જેથી મોદી સાહેબે 14 કરોડથી વધુ શૌચાલય બનાવ્યા છે અને બહેનોના પ્રશ્નો હલ કર્યો છે. મિલકતમાં બહેનોના નામે સ્ટેમ્પ ડ્યુટી માફ છે જેથી બહેનોની હવે ગણના થઇ રહી છે. એ સિવાય 6 કરોડની રસીનું કાર્ય થઇ રહ્યું છે. આયુષ્યમાન કાર્ડનો વીમો અપાઇ રહ્યો છે. 14 કરોડ લોકોને સીધો લાભ મળ્યો છે. ઘરનું ઘર મળ્યું છે.
ભાજપે મને ઘણું આપ્યું છે
લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય તમે વરરાજામાંથી અણવર બની જાવ છો તેવા સવાલના જવાબમાં ધનસુખ ભંડેરીએ કહ્યું કે જેટલો આનંદ વરરાજામાં હોય એટલો જ અણવરમાં પણ એટલો જ આનંદ છે. ભાજપે મને ઘણું આપ્યું છે. કમળ અને ઉમેદવારો માટે જીતાડવાનું કામ મારું છે. આ અમારી જવાબદારી છે.
અનેક ચૂંટણીમાં ઇન્ચાર્જ રહ્યો છું
આપ શિક્ષક છો, બૂથ લેવલ સુધી મતદાન સુધી…તમામ આંકડાકીય માહિતી તમારી પાસે હોય છે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે હું અનેક ચૂંટણીમાં ઇન્ચાર્જ રહ્યો છું, કાર્યકરો મને આંકડા આપે છે. આંકડાઓનો અભ્યાસ કરીને કાર્યકરો સાથે અમે પ્લાનીંગ કરતા હોય છે. આ વખતે 1037 બૂથ રાજકોટમાં અને 2299 બૂથ રાજકોટ લોકસભામાં છે.
આ પણ વાંચો—- GUJARAT FIRST CONCLAVE 2024 : પરશોત્તમ રૂપાલા બાબતે મોહન કુંડારિયાએ કરી આ વાત..