Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : વિનેશ ફોગાટને મળશે સિલ્વર મેડલ? દેશ જોઈ રહ્યો છે રાહ

11:02 PM Aug 10, 2024 |
  • વિનેશ ફોગાટ મુદ્દે આવતીકાલે આવશે ચુકાદો
  • CASએ આવતીકાલ સુધીની વધારી સમયસીમા
  • આવતીકાલે રાત્રે 9-30 સુધીમાં આવશે ચુકાદો
  • વિનેશને સિલ્વર મેડલ મળશે કે નહીં તેનો કાલે ચુકાદો

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ ગોલ્ડ મેડલ મેચ પહેલા નિર્ધારિત વજન મર્યાદા કરતાં 100 ગ્રામ વધુ હોવા બદલ ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ નિર્ણયે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને આ નિર્ણય સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. વિનેશ પણ આ નિર્ણયથી ખૂબ નિરાશ થઈ હતી. આ નિર્ણય સામે વિનેશ ફોગાટે કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં અપીલ કરી હતી અને તેમણે ઓછામાં ઓછો સિલ્વર મેડલ આપવાની માંગ કરી હતી. આ કેસમાં નિર્ણયની તારીખને લઈને દેશભરમાં ભારે ઉત્સુકતા હતી.

ક્યારે આવશે ચુકાદો?

હવે આ મામલે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. વિનેશ ફોગાટના કેસમાં નિર્ણયની તારીખ લંબાવવામાં આવી છે. હવે આ કેસમાં નિર્ણય ભારતીય સમય અનુસાર 11 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે આવશે. આ નિર્ણયની રાહ દેશભરના કરોડો લોકો લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિનેશનું વજન નિર્ધારિત મર્યાદા કરતાં માત્ર 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને સ્પર્ધા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણયે વિનેશ અને સમગ્ર દેશને આઘાતમાં મૂકી દીધો હતો. વજન ઘટાડવા માટે વિનેશે જોગિંગ, સાયકલિંગ અને અન્ય કસરતો કરી હતી, પરંતુ તે સફળ થઈ શકી નહીં. આ ઘટનાથી ભારે મનોવૈજ્ઞાનિક આઘાત અનુભવ્યા બાદ, વિનેશ ફોગાટે 8મી ઓગસ્ટે કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો:  Vinesh Phogat ના સપોર્ટમાં ઉતર્યા સચિન તેંડુલકર, નિયમોને ટાંકીને કહ્યું આ શું બકવાસ છે…

આ નિર્ણયે દેશભરમાં ખળભળાટ મચાવી દીધો હતો. વિનેશે તેના કરિયરમાં કોમનવેલ્થ ગેમ્સથી લઈને એશિયન ગેમ્સ સુધી અનેક મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વર્ષ 2016માં તેને અર્જુન એવોર્ડ અને વર્ષ 2020માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી હતી. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશે પ્રી-ક્વાર્ટર ફાઈનલથી સેમિફાઈનલ સુધી અદભૂત પ્રદર્શન કર્યું હતું. તેણે ત્રણેય મેચ જીતીને ગોલ્ડ મેડલ મેચ માટે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ માત્ર 100 ગ્રામ વજન વધ હોવાના કારણે તેને આ તક ગુમાવવી પડી.

પેરિસ ઓલિમ્પિકમાં કેવું રહ્યું પ્રદર્શન?

ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટે 6 ઓગસ્ટના રોજ મહિલા કુસ્તીની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં 3 મેચ રમી હતી. તેણે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી, વિનેશે ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનિયન મહિલા કુસ્તીબાજ ઓક્સાના લિવાચનો સામનો કર્યો હતો, જેને તેણે 7-5થી જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું જ્યાં તેનો સામનો ક્યુબાની રેસલર સાથે થયો અને આમાં તેણે 5-0થી એકતરફી જીત મેળવી ગોલ્ડ મેડલ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : નીરજ ચોપરાએ વિનેશને લઇને દેશવાસીઓને શું કરી વિનંતી?