Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Paris Olympic 2024 : મનુ ભાકરે મેડલની સાથે એફિલ ટાવરમાં પણ પડાવ્યો થોડો ભાગ!

04:18 PM Jul 30, 2024 | Hardik Shah

Paris Olympic 2024 : મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ભારત તરફથી બ્રોન્ઝ મેડલ જીતીને સમર ઓલિમ્પિક 2024માં ભારત માટે શાનદાર શરૂઆત કરી છે. મનુ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. પરંતુ શું તમે જાણો છો કે મનુએ મેડલની સાથે સાથે એફિલ ટાવરના લોખંડનો એક હિસ્સો પણ પોતાના નામે કર્યો છે!

મનુ ભાકરના મેડલમાં એફિલ ટાવરનું રહસ્ય

આજે પેરિસ ઓલિમ્પિક 2024ના ચોથા દિવસે ભારતની સ્ટાર શૂટર મનુ ભાકરે મેડલ ટેલીની શરૂઆત કરી છે. રવિવાર, 28 જુલાઈ, 2024 ના રોજ, તેણે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. મનુ આ ઈવેન્ટમાં મેડલ જીતનારી ભારતની પ્રથમ એથલીટ બની ગઈ છે. જ્યારથી બ્રોન્ઝ મેડલ સાથે મનુ ભાકરની તસવીર સામે આવી છે, ત્યારથી લોકોના મનમાં એક સવાલ છે. શું ખરેખર, મનુ ભાકરને આપવામાં આવેલા મેડલની વચ્ચે લોખંડનો ટુકડો છે? લોકોનો સવાલ છે કે આ ઓલિમ્પિક મેડલમાં લોખંડનો ટુકડો શું કરી રહ્યો છે. ચાલો આપણે એવા પ્રશ્ન પર આવીએ જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. તો સવાલ એ છે કે પેરિસ ઓલિમ્પિકમાં મેડલની વચ્ચે લોખંડનો તે ટુકડો શું કરી રહ્યો છે અને તે લોખંડનો ટુકડો મૂકવા પાછળનું કારણ શું છે. વાસ્તવમાં, આ વખતે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે મેડલ વિજેતા એથ્લેટ્સ એફિલ ટાવરનું લોખંડ ઘરે લઇ જશે. આ વખતે દરેક મેડલ પર એફિલ ટાવરના લોખંડના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ છે કે મેડલ જીત્યા બાદ એથ્લેટ્સ પણ પોતાની સાથે પ્રખ્યાત એફિલ ટાવરમાંથી લોખંડ ઘરે લઈ જવાના છે.

ઓલિમ્પિક મેડલમાં એફિલ ટાવરનું પ્રતિક

હવે પ્રશ્ન એ થાય છે કે આવું શા માટે કરવામાં આવ્યું છે. એફિલ ટાવર છેલ્લા ઘણા દાયકાઓથી પેરિસનું ગૌરવ છે. મોટાભાગના લોકો પેરિસની મુલાકાત લેવા આવે છે કારણ કે તેઓ આ ઐતિહાસિક વારસાને પોતાની આંખોથી જોવા માંગતા હોય છે. એફિલ ટાવર ફ્રાન્સમાં 1887 અને 1889 ની વચ્ચે બનાવવામાં આવ્યું હતું. તાજેતરમાં, કેટલાક લોખંડને એફિલ ટાવરમાંથી બહાર કાઢવામાં આવ્યું છે અને ઓલિમ્પિક મેડલ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એફિલ ટાવરની જાળવણી કરતી કંપની દ્વારા આ પહેલ કરવામાં આવી છે, જેથી આ ઐતિહાસિક સ્મારકના વારસાને નવી ઓળખ આપી શકાય. જણાવી દઈએ કે મેડલની વચ્ચે એફિલ ટાવરના લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેને ષટ્કોણનો આકાર આપવામાં આવ્યો છે. ષટ્કોણને ઘેરો રાખોડી રંગ આપવામાં આવ્યો છે. મેડલ પર જ્યાં એફિલ ટાવર કોતરવામાં આવ્યું છે તેના પર ‘Paris 2024’ લખેલું છે. ષટ્કોણના છ ખૂણામાં સુવર્ણ રંગના રત્નો પણ મૂકવામાં આવ્યા છે, જે મેડલની સુંદરતાને એક નવો આયામ આપી રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે એફિલ ટાવરમાંથી કેટલું લોખંડ ભારતમાં આવે છે અને કેટલું વિશ્વના અન્ય દેશોમાં જાય છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : વાહ Manu Bhaker વાહ! આઝાદી બાદ એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પહેલી ભારતીય બની