- પેરિસ ઓલિમ્પિકમાં લક્ષ્ય સેન પહોંચ્યા ક્વાર્ટર ફાઈનલમાં
- બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેન
- ભારતના જ એચ.એસ.પ્રણોયને લક્ષ્ય સેને આપી હાર
- લક્ષ્ય સેને પ્રણોયને 21-12, 21-6થી આપી હાર
- ઓલિમ્પિકમાં એચ.એસ.પ્રણોયના અભિયાનનો અંત
- ભારતીય ખેલાડી સામે જ હતો ભારતીય ખેલાડીનો મુકાબલો
Paris Olympic 2024 : ઓલિમ્પિકનો આજે છઠ્ઠો દિવસ છે જેમા ભારતીય ખેલાડીઓએ ઘણા નિરાશ કર્યા છે. તે પછી ગોલ્ફની વાત કરીએ કે પછી શૂટિંગની કે પછી તીરંદાજીની આજનો દિવસ ભારત માટે થોડો ખરાબ રહ્યો હતો. જોકે, શૂટિંગમાં સ્વપ્નિલ કુસાલેએ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને ભારતને ચાલુ ઓલિમ્પિકનો ત્રીજો મેડલ અપાવ્યો હતો. તે પછી તાજેતરમાં બેડમિન્ટનમાં ભારતીય શટલર લક્ષ્ય સેને ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. લક્ષ્ય સેને પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં દેશબંધુ એચ.એસ. પ્રણોયને 21-12, 21-6થી હરાવ્યો હતો.
બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં લક્ષ્ય સેન
ભારતનો લક્ષ્ય સેન પેરિસ ઓલિમ્પિક 2024માં બેડમિન્ટનમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યો છે. તે તેની પ્રથમ ઓલિમ્પિક રમી રહ્યો છે અને તેમાં જ તેણે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં લક્ષ્ય સેને ભારતના એચએસ પ્રણોયને શાનદાર શૈલીમાં હરાવ્યો હતો. તેણે પ્રણોય સામે 21-12 અને 21-6થી જીત મેળવી છે. ઓલિમ્પિકમાં બેડમિન્ટન મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર લક્ષ્ય માત્ર બીજો ભારતીય છે. તેના પહેલા પી કશ્યપ 2012માં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો હતો. હવે લક્ષ્યે 12 વર્ષ બાદ મોટી સિદ્ધિ મેળવી છે. ક્વાર્ટર ફાઇનલમાં તેનો મુકાબલો 12મો ક્રમાંકિત ચીની તાઇપેઇના ચેન ચાઉ ટિએન સામે થશે.
લક્ષ્ય સેનનું આક્રમક રમતનું પ્રદર્શન
લક્ષ્ય સેને પ્રથમ સેટમાં ખૂબ જ આક્રમક રમત રમી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાના જ દેશના ખેલાડી એચએસ પ્રણોયને કોઈ તક આપી ન હોતી અને શરૂઆતથી જ લીડ બનાવવાનું શરૂ કર્યું હતું. પ્રણોય તેના ફોર્મમાં દેખાયો ન હતો. લક્ષ્ય સેને તેને પોઈન્ટ લેવાની કોઈ તક આપી ન હોતી. પ્રણય તેની સામે ટકી શક્યો ન હતો. લક્ષ્ય સેને પ્રથમ સેટ એકતરફી રીતે 21-12થી જીતીને મેચમાં 1-0ની લીડ મેળવી હતી. પહેલા સેટની વાર્તા બીજા સેટમાં પણ રિપીટ કરવામાં આવી હતી. લક્ષ્ય સેને રમતનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. તેમની રમત જોઈને પ્રણય કંઈ સમજી શક્યો નહીં. તે બીજા સેટમાં 6 પોઈન્ટથી વધુ લઈ શક્યો નહોતો. બીજા સેટમાં સેને પ્રણોયને ભૂલો કરવા મજબૂર કરી હતી. લક્ષ્યે શાનદાર શૈલીમાં બીજો સેટ 21-6થી જીત્યો હતો.
જોનાથન ક્રિસ્ટી સામેની જીતથી લક્ષ્ય સેન ચર્ચામાં આવ્યો
લક્ષ્ય સેને પેરિસ ઓલિમ્પિકની પોતાની પ્રથમ મેચમાં કેવિન કોર્ડનને હરાવ્યો હતો. પરંતુ ગ્વાટેમાલાનો ખેલાડી કોણીની ઈજાને કારણે ઓલિમ્પિકમાંથી ખસી ગયો હતો. આ પછી તેના તમામ પરિણામો ‘ડીલીટ’ કરવામાં આવ્યા હતા. આ રીતે લક્ષ્ય સેનની પ્રથમ જીત પર પાણી ફરી વળ્યું હતું. આ પછી લક્ષ્ય સેને ધીમી શરૂઆત બાદ મેન્સ સિંગલ્સના ગ્રુપ L માં બેલ્જિયમના જુલિયન કેરેજને હરાવ્યો હતો. બાદમાં, તેણે ગ્રુપ મેચમાં જ જોનાથન ક્રિસ્ટીને હરાવ્યો. આ પછી દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી. તેણે ક્રિસ્ટીને 21-12 અને 21-18થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી.