- ઓલિમ્પિકમાં ભારત માટે આજનો દિવસ મહત્વનો
- હોકીની સેમિફાઈનલમાં ભારત ટકરાશે જર્મની સામે
- ભારતીય હોકી ટીમ જીતે તો મેડલ નિશ્ચિત
Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમ મેડલ જીતવાથી એક જીત દૂર છે. આજે ભારતીય હોકી ટીમ જર્મની સામે હશે. જર્મની ક્વાર્ટર ફાઈનલમાં આર્જેન્ટીનાને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું છે. જો ભારત જર્મનીને હરાવે તો તે ફાઈનલમાં પ્રવેશશે. અને આ સાથે જ ભારતનો ગોલ્ડ અને સિલ્વર મેડલ નિશ્ચિત થઈ જશે.
44 વર્ષે રચાયો છે ગજબ સંયોગ…
હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ભારતીય હોકી ટીમ ફરી એકવાર ઈતિહાસના પુનરાવર્તનની આરે ઉભી છે. માત્ર 10 ખેલાડીઓ ધરાવતી હોકી ટીમે ગ્રેટ બ્રિટન જેવી મજબૂત ટીમને હરાવીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે ટીમ ઈન્ડિયાનો સામનો જર્મની સાથે થશે. જો ભારત જર્મની સામે જીતશે તો તેની પાસે માત્ર ગોલ્ડ જીતવાની તક નથી, પરંતુ જો તે હારશે તો પણ તે ચોક્કસપણે સિલ્વર જીતશે. એક સમયે ભારતીય હોકીનો ઈજારો હતો. ઓલિમ્પિકના ઈતિહાસમાં ભારતે હોકીમાં સૌથી વધુ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. જો કે, 1980 પછી, સ્તર સતત ઘટતું રહ્યું અને કેટલાક વર્ષો એવા હતા જ્યારે ભારત ઓલિમ્પિક માટે ક્વોલિફાય પણ નહોતું થયું. હવે નજીક આવતા જૂના દિવસોનો અવાજ સંભળાવા લાગ્યો છે. શક્ય છે કે ભારત ફરીથી ગોલ્ડ જીતીને તેના 44 વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કરે.
પેરિસમાં ભારતીય હોકી ટીમનું પ્રદર્શન
ભારતીય હોકી ટીમની પેરિસ ઓલિમ્પિકમાં સેમિફાઈનલ સુધીની સફરની વાત કરીએ તો પોતાની પ્રારંભિક મેચમાં જ ભારતે ન્યૂઝીલેન્ડને 3-2થી હરાવ્યું હતુ. જે બાદ આર્જેન્ટિના સામેની મેચ 1-1થી ડ્રો રહી હતી. ભારતે ત્યારબાદ આયર્લેન્ડને 2-0થી રગદોળ્યું હતુ. જો કે તે બાદ ભારતને પ્રથમ હાર મળી હતી. ભારતનો બેલ્જિયમ સામે 1-2થી પરાજ્ય થયો હતો. તો ઓસ્ટ્રેલિયા સામેની મેચ ભારતે રોમાંચક રીતે 3-2થી જીતી લીધી હતી. જ્યારે અતિ રોમાંચક રહેલી બ્રિટન સામેની મેચ 1-1થી બરાબરી પર રહ્યા બાદ શૂટઆઉટમાં ભારતે 4-2થી જીત મેળવી હતી. અને હવે ભારત સેમિફાઈનલમાં જર્મની સામે ટકરાઈ રહી છે. બસ આ એક મેચમાં જીત અને ભારતનો મેડલ થઈ જશે નિશ્ચિત.
ભારતીય હોકી ટીમ એક મેચ હારી
- ન્યૂઝીલેન્ડ સામે 3-2થી વિજય
- આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો
- આયર્લેન્ડ સામે 2-0થી જીત
- બેલ્જિયમ સામે 1-2થી હાર
- ઓસ્ટ્રેલિયા સામે 3-2થી જીત
- બ્રિટન સામે શૂટઆઉટમાં 4-2થી જીત
ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં અત્યારે સુધી ભારતને ત્રણ મેડલ મળી ચુક્યા છે, આ ત્રણેય મેડલ શૂટિંગમાં આવ્યા છે. જો કે, આ સંખ્યા વધુ હોઈ શકે છે. ભારતીય ખેલાડીઓ તેની નજીક આવીને ઘણી વખત મેડલ ચૂકી ગયા છે. આવું જ કઇંક આજે બેડમિન્ટનમાં પણ જોવા મળ્યું છે. જોકે, ભારતીય હોકી ટીમ પર સારું પ્રદર્શન કરવાની આશા છે. માત્ર એક જીત અને ભારતીય હોકી ટીમ એક મેડલ પોતાના નામે કરશે તે પાક્કું થઇ જશે.
આ પણ વાંચો: Paris Olympic 2024 : ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ