Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમનું અત્યાર સુધી શાનદાર પ્રદર્શન રહ્યું છે. આજે પણ જર્મની સામે ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. શરૂઆતમાં ભારતીય ખેલાડીઓએ 1 ગોલ કર્યો પણ તે પછી થોડી જ મિનિટોમાં જર્મનીએ 1 ગોલ ભટકાર્યો હતો. તે પછી જર્મનીએ બીજો ગોલ ફટકાર્યો હતો પણ ભારતીય ટીમે તે પછી વાપસી કરી અને 2-2ની બરાબર કરી લીધી હતી. બંને ટીમ ખૂબ જ સારૂં રમી હતી પણ અંતિમ પરિણામ જર્મનીના જ નામે રહ્યું હતું.
અંતિમ ક્ષણે ભારતને મળી હાર
ભારતીય હોકી ટીમને પેરિસ ઓલિમ્પિક 2024ની સેમીફાઈનલમાં જર્મની સામે 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે. જર્મનીના માર્કો મિલ્ટકોએ છેલ્લી મિનિટોમાં ગોલ કરીને ટીમ ઈન્ડિયા પાસેથી જીત છીનવી લીધી હતી. એક સમયે સ્કોર 2-2ની બરાબરી પર હતો. પરંતુ તેના ગોલના કારણે ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે હોકી ટીમ બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનિશ ટીમ સામે ટકરાશે. મેચની શરૂઆતમાં ભારતને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા, પરંતુ ભારતીય ટીમ સફળતા મેળવી શકી ન હતી. આ પછી સાતમી મિનિટે ભારતીય કેપ્ટન હરમપ્રીત સિંહે કોઈ ભૂલ ન કરી અને પેનલ્ટી કોર્નરથી જોરદાર શૈલીમાં ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય હોકી ટીમે પ્રથમ ક્વાર્ટરમાં 1-0ની સરસાઈ જાળવી રાખી હતી.
જર્મનીએ બીજા ક્વાર્ટરમાં વાપસી કરી હતી
બીજા ક્વાર્ટરની શરૂઆતમાં જર્મની માટે ગોન્ઝાલો પેલેટે ગોલ કરીને મેચમાં સ્કોર 1-1 કરી દીધો હતો. ગોન્ઝાલોએ 18મી મિનિટે ગોલ કરીને ટીમને બરાબરી અપાવી હતી. તેના થોડા સમય બાદ ક્રિસ્ટોફર રૂડે 27મી મિનિટે જર્મની માટે ગોલ કર્યો હતો. આ સાથે જ જર્મનીએ મેચમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. બીજો ક્વાર્ટર સંપૂર્ણપણે જર્મનીના નામે રહ્યો. ભારતીય ખેલાડીઓએ ગોલ કરવાની ઘણી તકો સર્જી હતી. પરંતુ ગોલ થઈ શક્યો ન હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય હોકી ટીમે આક્રમક રમત રમી અને જર્મન ડિફેન્સને ભેદવાનો સતત પ્રયાસ કર્યો હતો. બધા ખેલાડીઓ એક થઈને રમ્યા હતા.
3-2 થી જર્મનીને મળી જીત
તમામ ભારતીય ખેલાડીઓ ઈચ્છતા હતા કે ટીમ કોઈક રીતે સ્કોર બરાબરી કરે. આ પછી 36મી મિનિટે સુખજિત સિંહે ગોલ કરીને સ્કોર 2-2થી બરાબર કરી લીધો હતો. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમે જર્મન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને વિરોધી ટીમને એક પણ તક આપી ન હતી. ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરના અંતની થોડી મિનિટો પહેલાં જ ગોલ સ્વીકારી લીધો હતો. જર્મની માટે માર્કો મિલ્ટકોએ 54મી મિનિટે ગોલ કર્યો હતો. આ સાથે ફરી એક વખત લીડ જર્મની પાસે ગઈ.
આ પણ વાંચો: Paris Olympic 2024 : પેરિસમાં ઇતિહાસ રચવાની તૈયારીમાં વિનેશ, ગોલ્ડ મેડલથી એક જીત દૂર