- T20 વિશ્વકપ: ન્યૂઝીલેન્ડે ભારતનું સપનું ચકનાચુર કર્યું
- મહિલા T20 વિશ્વકપમાંથી ભારતીય ટીમ બહાર
- નબળી ફિલ્ડિંગનો ભોગ બન્યું ભારત, સેમીફાઈનલમાં પ્રવેશ મળ્યો નહીં
UAE માં ચાલી રહેલા મહિલા T20 World Cup માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સફર હવે પૂરી થઈ ગઈ છે. ભારતે પોતાની સેમીફાઈનલમાં પહોંચવાની આશાઓ માટે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડ્યું હતું. જો પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને હરાવતી, તો ભારત સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકતું, પણ તેમ થઈ શક્યું નહીં.
ન્યૂઝીલેન્ડની જીતથી ભારત બહાર
આ મહત્વપૂર્ણ મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું. આ પરિણામ ભારતીય ટીમ માટે નિરાશાજનક સાબિત થયું, કારણ કે ન્યૂઝીલેન્ડની જીત ભારતને સેમીફાઈનલમાં પહોંચવાના રસ્તે અડચણ બની હતી. પાકિસ્તાનની જીતની આશા પર સંપૂર્ણપણે આધાર રાખતી ભારતીય ટીમને આ પરિણામથી નિરાશા હાથ લાગી અને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું. ભારત માટે આ પરિણામ ખૂબ નિરાશાજનક રહ્યું, કારણ કે ટીમે અગાઉના મેચોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ. જોકે, અંતે ન્યૂઝીલેન્ડની જીતે ભારતીય ટીમના સપના ચકનાચુર કરી દીધા છે. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડ ગ્રુપ Aમાંથી બીજા રાઉન્ડમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે સોમવારે પાકિસ્તાનને 54 રને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ન્યૂઝીલેન્ડે લીગ તબક્કામાં ચારમાંથી ત્રણ મેચ જીતી હતી. કિવી ટીમના ખાતામાં હવે 6 પોઈન્ટ છે. વળી, ભારતે માત્ર બે મેચ જીતી અને માત્ર 4 પોઈન્ટ બનાવ્યા. ભારત ત્રીજા ક્રમે હતું. ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું જ્યારે ન્યૂઝીલેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે હાર્યું. ઓસ્ટ્રેલિયા પહેલાથી જ 4 મેચ જીતીને ક્વોલિફાય થઈ ચૂક્યું છે.
સ્ટાર બેટર ફ્લોપ રહ્યા
ભારતીય ટીમના સ્ટાર બેટર પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા હતા. મહત્વપૂર્ણ મેચોમાં સ્મૃતિ મંધાનાનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું. મંધાના ન્યૂઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા સામે કંઈ ખાસ કરી શકી ન હોતી. શેફાલી વર્માની પણ આવી જ હાલત હતી. ટીમ મેનેજમેન્ટ અને ચાહકોને જેમિમાહ રોડ્રિગ્સ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે પણ અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી નહી. નીચલા ક્રમમાં, રિચા ઘોષ પણ બેટથી કોઇ ખાસ કમાલ કરવામાં નિષ્ફળ રહી, જેના કારણે ટીમ ઈન્ડિયાને આવા પરિણામ ભોગવવા પડ્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે કેટલીક સારી ઇનિંગ્સ રમી, પરંતુ તે એકલા હાથે ટીમનું નસીબ બદલી શકી નહીં.
નબળી ફિલ્ડિંગ
T20 World Cup 2024માં ભારતીય ટીમની ફિલ્ડિંગ પણ ઘણી સામાન્ય હતી. ન્યૂઝીલેન્ડ સામે ટીમના ફિલ્ડરોએ ઘણા કેચ છોડ્યા હતા અને ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ ખૂબ જ નબળી હતી. પાકિસ્તાન અને પછી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે પણ આવી જ હાલત હતી. કાંગારૂ ટીમ સામે પ્રારંભિક દબાણ સર્જવા છતાં, ભારતીય ટીમ નબળી ફિલ્ડિંગને કારણે તે દબાણ જાળવી રાખવામાં નિષ્ફળ રહી, જેનો કાંગારૂ બેટ્સમેનોએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો.
આ પણ વાંચો: શ્રેણી શરૂ થાય તે પહેલા ન્યૂઝીલેન્ડ ટીમને ગંભીર શબ્દોમાં મળી Warning