Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

હવે આ માતા તેના બાળકોના માથે હાથ મૂકી શકશે

07:50 AM Apr 23, 2023 | Vipul Pandya

‘ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા. તે સમયે મારા બાળકો ખુબ જ નાના હતા, મારા કપાયેલા હાથ જોઈ મારો ચાર વર્ષનો દીકરો મારી પાસે આવતો નહોતો’ આ વ્યથા હતી એક માતાની, પરંતુ અંગદાન થકી તેમની આ વ્યથા દૂર થઇ છે. લોકોમાં અંગદાન પ્રત્યે આવેલી જાગૃતિના કારણે અંગદાનથી ઘણાં લોકોને નવજીવન મળી રહ્યું છે. આવો જ એક સફળ કિસ્સો તાજેતરમાં નોંધાયો હતો. 
ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ ગુમાવ્યા
જેમાં સુરતના અંગદાતા સ્વ. કનુભાઇ પટેલના બંન્ને હાથનું દાન મળ્યું હતું. જેમનુ સફળ પ્રત્યારોપણ મુંબઇના એક મહિલાના શરીરમાં કરવામા આવ્યું હતું.  મુંબઇની મહિલાએ ત્રણ વર્ષ પહેલા વીજ કરંટ લાગવાને કારણે બંને હાથ ગુમાવ્યા હતાં.  મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં સુરતના અંગદાતા સ્વ.કનુભાઈ વશરામભાઈ પટેલના બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ આ મહિલામાં કરવામાં આવ્યું હતું ,ડોનેટ લાઈફની ટીમે આ મહિલાની મુલાકાત લીધી હતી.  તમામ મેબ્બરોએ આ મહિલાને નવજીવન અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામના પાઠવી હતી. 

મને મારું સર્વસ્વ મળી ગયું 
ડોનેટ લાઇફના સ્થાપક નિલેશ માંડલેવાલાએ ટ્રાન્સપ્લાન્ટ પહેલા અને પછીના જીવન વિષે પૂછતા આ મહિલાએ જણાવ્યું હતું કે, ‘હું મારા બાળકોની સારસંભાળ લઇ શકતી ન હોવાને કારણે ખુબ જ દુઃખી હતી, મને મારા જીવન પ્રત્યે નિરાશા અને હતાશા હતી. ટ્રાન્સપ્લાન્ટ પછી હું ખુબ જ ખુશ છું, મને મારું સર્વસ્વ મળી ગયું હોય તેવી લાગણી થાય છે, હવે હું મારા બાળકોની સંભાળ લઈ સારી રીતે તેમનો ઉછેર કરી શકીશ, તેમને વ્હાલ કરી માથે હાથ મૂકી શકીશ. હાલમાં હું તેઓની સાથે વીડિયો કોલ પર વાત કરું છું ત્યારે તેઓ મને કહે છે કે, મમ્મી તારા હાથ બતાવ,મારા હાથ જોઇને તેઓ ખુબ જ ખુશ થાય છે.’
અંગદાતા સ્વ.કનુભાઈના પરિવારનો આભાર વ્યક્ત કરતા આ મહિલાએ જણાવ્યું હતું કે, જે પરિવારે મને નવો જન્મ આપ્યો છે તેઓ મારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છે.’