તાજેતરમાં, યુગાન્ડાની ઓલિમ્પિયન રેબેકા ચેપ્ટેગી (Ugandan Olympian Rebecca Cheptegei) નું દુઃખદ અવસાન થયું હતું. તેના પૂર્વ બોયફ્રેન્ડે તેના પર પેટ્રોલ (Petrol) રેડીને તેને આગ ચાંપી દીધી હતી. જેમાં તેનું મોત થયું હતું. કેન્યામાં રવિવારે બનેલી આ ઘટનાએ રમત જગતને ચોંકાવી દીધું હતું. રેબેકા (Rebecca) ના શરીરનો લગભગ 75 ટકા ભાગ બળી ગયો હતો. યુગાન્ડાના આ રમતવીરે પેરિસ ઓલિમ્પિક (Paris Olympics) માં પણ ભાગ લીધો હતો. જ્યાં તે 44મા સ્થાને રહી હતી. હવે રેબેકા (Rebecca) ના કેસ સાથે જોડાયેલા વધુ એક સમાચાર સામે આવ્યા છે.
શરીર 30 ટકા સુધી બળી ગયું
એક રિપોર્ટ અનુસાર, આ ઘટનામાં રેબેકાનો એક્સ બોયફ્રેન્ડ ડિક્સન નડીએમા પણ દાઝી ગયો હતો જેના કારણે તેનું પણ મોત થઇ ગયું છે. તેણે કેન્યાની મોઈ ટીચિંગ એન્ડ રેફરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આ ઘટનામાં ડિક્સનને પણ ઘણી ઈજાઓ થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે તેનું શરીર લગભગ 30 ટકા બળી ગયું હતું. સંજોગથી, રેબેકાને પણ અકસ્માત બાદ તે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં જીવન માટે સંઘર્ષ કરતા તેનું મોત નીપજ્યું હતું.
શું છે સમગ્ર વિવાદ?
કહેવામાં આવી રહ્યું છે કે, રેબેકા અને ડિક્સન વચ્ચે ઘરની જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. રેબેકાએ આ ઘર કેન્યામાં યુગાન્ડાની બોર્ડર અને એથ્લેટિક ટ્રેનિંગ સેન્ટર પાસે બનાવ્યું છે. ડિક્સન રવિવારે સવારે રેબેકાના ઘરે ગયો હતો. તે સમયે રેબેકા તેની 9 અને 11 વર્ષની દીકરીઓ સાથે ચર્ચમાં જઈ રહી હતી. જ્યારે તે ચર્ચમાંથી ઘરે પરત ફરી રહી હતી, ત્યારે ડિક્સને તેના પર હુમલો કર્યો હતો. આ પછી તેણે તરત જ પેટ્રોલ કાઢીને રેબેકા પર છાંટ્યું અને તેને આગ લગાવી દીધી.
દીકરીને લાત મારી
તે સમયે ડિક્સન ખૂબ જ ગુસ્સામાં હતો. રેબેકાની પુત્રીએ પાછળથી ખુલાસો કર્યો કે જ્યારે તેણીએ તેની માતાને સળગતી જોઈ ત્યારે તે તરત જ આગ ઓલવવા દોડી ગઈ હતી, પરંતુ ડિક્સને તેને લાત મારીને ઈજા પહોંચાડી હતી. મેરેથોન દોડવીર રેબેકા એક જાણીતી વ્યક્તિત્વ હતી. તેણે ઈટાલીમાં પડોવા મેરેથોન જીતી હતી. તેણીએ 2022 માં અબુ ધાબી મેરેથોનમાં ચોથું સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, તમે કોઇના માટે કબર ખોદો છો તો તે તમારા માટે પણ રાહ જોઇ જ રહી હોય છે. આવું જ કઇંક રેબેકાના પૂર્વ બોયફ્રેન્ડ સાથે થયું હતું. તે રેબેકાને સળગાવવાનો પ્રયત્ન કરતા 30 ટકા દાઝી ગયો હતો જેના કારણે અંતે તેનું મોત થયું હતું.
આ પણ વાંચો: પેરિસ ઓલિમ્પિકની દોડવીર પર બોયફ્રેન્ડે આગ ચાંપી, 75 % શરીર બળી ગયું