+

Jamnagar : વીરોના બલિદાનની યશગાથા વર્ણવતું ભુચર મોરીનું યુદ્ધ

Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જામનગર (Jamnagar) ની સભામાં ભૂચર મોરી યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. આજની નવી પેઢીને થતું હશે કે આ કઇ શૌર્ય ગાથા છે. ગુજરાત ફર્સ્ટ તમને…

Jamnagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જામનગર (Jamnagar) ની સભામાં ભૂચર મોરી યુદ્ધનો ઉલ્લેખ કર્યો હતો. આજની નવી પેઢીને થતું હશે કે આ કઇ શૌર્ય ગાથા છે. ગુજરાત ફર્સ્ટ તમને ભૂચર મોરીનું યુદ્ધ વિશે અહીં માહિતી આપી રહ્યું છે.

સૌરાષ્ટ્રના પાણિપત યુદ્ધ તરીકે પણ ભુચર મોરીનું યુદ્ધ જાણીતું

ભુચર મોરીનું યુદ્ધ ધ્રોલના યુદ્ધ તરીકે પણ ઓળખાય છે. નવાનગર રજડાવાની આગેવાની હેઠળ કાઠિયાવાડની સેના અને મુઘલો વચ્ચે ભુચર મોરીના પ્રદેશ એટલે કે ધ્રોલમાં લડાયેલું યુદ્ધ હતું. આ લડાઇને સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી મોટી લડાઇ તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના પાણિપત યુદ્ધ તરીકે પણ ભુચર મોરીનું યુદ્ધ જાણીતું છે.

આ યુદ્ધ 1591માં જામ સતાજી અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું

આ યુદ્ધ 1591માં જામ સતાજી અને અકબરના સૂબા મિર્ઝા અઝીઝ કોકા વચ્ચે થયું હતું. મિર્ઝા કોકાએ ધ્રોલ નજીક અંદાજે 1 લાખ કરતાં વધુ સૈનિકોનું સૈન્ય એકઠું કર્યું હતું. સૈન્યમાં અનેક દેશોના સૈનિકો હતો. સામે કાઠિયાવાડની સેનામાં 17 હજારથી 21 હજાર સૈનિકો હતા. સૈન્યમાં તોપ, અશ્વદળ, હાથી અને ઉંટ પણ હતા.

જામ સાહેબે કચ્છના અનામત સૈન્યથી હુમલો કર્યો

મુઘલ સૈન્ય ભુચર મોરી પહોંચ્યું ત્યારે જામ સાહેબે કચ્છના અનામત સૈન્યથી તેમના પર હુમલો કર્યો. જો કે ત્યારબાદ સતત વરસાદ પડતાં 2 દિવસ લડાઇ થઇ ન હતી. બંને પક્ષો વચ્ચે ભારે અથડામણો થઇ હતી અને દરેકમાં કાઠઇયાવાડનું સૈન્ય વિજેતા થતું હતું. જામ સતાજીની વ્યૂહરચના એવી હતી કે તેઓ વારંવાર વિજેતા થતા હતા.

જામનગરના રાજવી જામ સતાજીના શરણે

બાદશાહ અકબરે ગુજરાતના છેલ્લા બાદશાહ મુઝફ્ફર શાહ ત્રીજાને હરાવી તેનું રાજ્ય કબજે કર્યું પણ મુઝફ્ફર શાહ ભાગી છુટ્યો. અકબરનું આખુ લશ્કર મુઝફ્ફરને પકડવા પાછળ દોડ્યું મુઝફ્ફર શાહ બચતો બચતો ભારે રઝળપાટ કરી ગુજરાતના ઘણા રાજાઓનીશણે ગયો પણ તેને આશરો ના મળ્યો. આખરે તે જામનગરના રાજવી જામ સતાજીના શરણે આવ્યો અને ક્ષત્રિય ધર્મનું પાલન કરીને ખુલ્લેઆમ મુઝફ્ફર શાહને શરણ આપ્યું હતું.

શરણે આવેલાનું રક્ષણ કરવું ક્ષત્રિય ધર્મ

અકબરના સેનાપતિ સુબા મિર્જા કોકાને જાણ થઇ કે મુઝફ્ફરને જામસતાજીએ આશરો આપ્યો છે એટલે એકબરે લશ્કરને જામનગર તરફ મોકલ્યું અને જામસતાજીને ફરમાન કર્યું કે મુઝફ્ફર શાહને સોંપી દો પણ શરણે આવેલાનું રક્ષણ કરવું ક્ષત્રિય ધર્મ છે અને તેથી તેમણે ઇન્કાર કરી દીધો.

ધ્રોળમાં ભૂચર નામનો રાજપૂત માલધારી હતો

ધ્રોળમાં ભૂચર નામનો રાજપૂત માલધારી હતો. તે વખતે ગોવાળીયાઓને કંઇક અજૂગતું થવાનો સંકેત મળતાં તેમણે ભૂચર મોરીને જાણ કરી. તેમણે વજીરને વાત કરતાં પંડિતોની સલાહ લેવાઇ અને પંડિતોએ કહ્યું કે અહીં મહાભયંકર યુદ્ધ થશે.

કાઠિયાવાડની સેનામાં 17થી 21 હજાર સૈનિકો હતા

આ તરફ જામસતાજીએ બાદશાહને કહી દીધું કે શરણે આવેલાને કાઢી મુકવો તે ક્ષત્રિય ધર્મ નથી જેથી બાદશાહ ગુસ્સે થયો અને યુદ્ધના મંડાણ થયા. બાદશાહના લશ્કરમાં 1 લાખ સૈનિકો હતા જ્યારે કાઠિયાવાડની સેનામાં 17થી 21 હજાર સૈનિકો હતા. નવાનગરના સૈન્યમાં હાપા, કાના, જિયા, કાબર, ડાળ, મોઢ અને રાવ વંશના જાડેજા, સોઢા, આહીર, તુંબેલ, ચારણ, ધુંધણ, ધામણ, સુમરા, સિંધી, રાજગોર અને બારોટ જ્ઞાતિના સૈનિકો હતા. જામ સતાજી સાથે જુનાગઢના નવાબ દોલત ખાન ઘોરી અને જાગીરદાર રા ખેંગારના સૈન્યો, ખેરડી-સાવરકુંડલાના લોમા ખુમાણ અને કચ્છના રાવ ભારમલજી પ્રથમના સૈનિકો યુધ્ધ લડવા થનગન્યા હતા. ઓખાના વાઢેર અને મૂળીના વસાજી પરમાર પણ સૈન્યનો ભાગ હતા. ભદ્રેસરના મહેરામણ અજાણી પોતાના ચૌદ પુત્રો સાથે સૈન્યમાં જોડાયા હતા. આ સિવાય દ્વારકાની જાત્રાએ થી પરત ફરી હિંગળાજ દેવીના દર્શને જઈ રહેલ 500 નાગા સાધુઓની જમાત પણ જોડાઈ હતી. સૈન્યમાં તોપખાનું, અશ્વદળ, હાથી અને ઊંટ પણ હતા.

પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો

જૂનાગઢના નવાબ દોલત ખાન પહેલા તો જામસતાજીને સપોર્ટ કર્યો હતો પણ બાદમાં એને લાગ્યું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કર્યો. હળવદના ચંદ્રસિંહની મધ્યસ્થતામાં શાંતિમંત્રણા સફળ થાય તો તેણે જામ સતાજીને બે લાખ ચૂકવવા અને ચંદ્રસિંહને ગુપ્ત રીતે એક લાખ ચૂકવવા વચન આપ્યું. કુંડલાના કાઠી લોમા ખુમાણે અગાઉના જૂનાગઢના અભિયાન સમયે લૂંટના ભાગરુપે એક હાથી મુઘલો પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો અને તેને માટે જસ્સા વજીરે તેને બહુ રંજાડ કરેલી તે બાબતે તે જામથી છૂપી નારાજી ધરાવતો હતો. આ જ પ્રકારે જૂનાગઢનો દૌલત ખાન પણ જામ વિરુદ્ધ હતો. આ બંને એ અઝીઝ કોક સાથે ગુપ્ત સંધિ કરી અને મિર્ઝાએ સહાયની ખાતરી આપતાં તેમણે જામ વિરુદ્ધ ફરી યુદ્ધની જાહેરાત કરી. ફરી સૈનિકો ખડકલા કરવામાં આવ્યા. અકબરે એટલા સૈનિકો ઉતાર્યા કે યુદ્ધ મેદાન આખું લડવૈયાઓથી ભરાઈ ગયું.

એ હદે ખુવારી થઈ હતી કે 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.

ત્યારબાદ યુદ્ધ થયું..બાદશાહની સેનાનો ખાતમો બોલાવા લાગ્યો. નાનું સૈન્ય હોવા છતાં ક્ષત્રિયોનું શૌર્ય અપ્રતિમ હતું. જામ અજાજી ઉપરાંત લડી લડીને જસા વઝીર, મહેરામણજી ડુંગરાણી, ભાણજીદળ, ડાહ્યો લોદક, નાગ વઝીર અને તોગાજી સોઢા વીરગતી પામ્યા, મુઘલ સૈન્યમાં મુહમ્મદ રફી, સૈયદ સૈફુદ્દીન, સૈયદ કબીર, સૈયદ અલીખાન જેવા મહાબલી સૈનિકોના મોત થયા, બંને પક્ષે અંદાજિત 2000 કાઠિયાવાડી વીરો સહિત 10 હજાર જેટલા સૈનિકો યુદ્ધ મેદાનમાં મોતને ભેટયા. જામ રાજવી પરિવારમાંથી સતાજીના પુત્ર, ભત્રીજો અને જમાઈ સહિતના અનેક સબંધીઓની શહીદી વહોરી લીધી. મહેરામણજીના ચૌદ પુત્રો પણ આ યુધ્ધમાં ધડે રમ્યા. એવું કહેવાય છે કે એ હદે ખુવારી થઈ હતી કે પંથકમાં 25 વર્ષની વયનો કોઈ યુવાન કોઇ બચ્યો ન હતો.

ભુચર મોરીનું યુદ્ધ વીરોના બલિદાનની યશગાથા વર્ણવે છે.

ભૂચર મોરીના આ મેદાનમાં જામનગરના નરબંકાઓ. શીતળા સાતમે ક્ષત્રિય ધર્મના પાલન માટે શહીદ થયા.ત્યારબાદ જામનગરમાં અઢીસો વર્ષ સુધી લોકોએ શીતળા સાતમ ઉજવી ન હતી. આજે પણ ભૂચર મોરીની ધતી લાલ અને રતાશ પડતી છે. અહીં આ યુદ્ધની યાદમાં જુલાઇ ઓગષ્ટમાં મેળો પણ ભરાય છે. ભુચર મોરીનું યુદ્ધ વીરોના બલિદાનની યશગાથા વર્ણવે છે.

આ પણ વાંચો—– Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

Whatsapp share
facebook twitter