Gujarat First Conclave 2024 : લોકસભાની ચૂંટણી માહોલ વચ્ચે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયાનો સૌથી મોટો કૉન્ક્લેવ ‘Gujarat First Conclave 2024’ મહેસાણા ખાતે યોજાયો હતો. કૉન્ક્લેવમાં જોડાયેલા રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને પીઢ રાજકીય અગ્રણી નીતિન પટેલે પણ નિખાલસપણે ધારદાર સવાલોના જવાબ આપ્યા હતા. ક્ષત્રિય આંદોલન અંગે નીતિન પટેલે કહ્યું કે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજની નારાજગીમાંથી પક્ષ બહાર આવશે અને પક્ષ જંગી મતોથી વિજયી બનશે.
આખું ગુજરાત ભાજપનો ગઢ
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસે ઠાકોરવાદ ચલાવ્યો છે અને શાણી પ્રજા કઇ બાબતોને જોઇ મતદાન કરશે તેવા સવાલનો જવાબ આપતાં નીતિનભાઇ પટેલે કહ્યું કે આપને અભિનંદન કે ગુજરાત ફર્સ્ટ દ્વારા ઉત્તર ગુજરાતને આવરી લેતો કોંકલેવ યોજ્યો છે અને મને પણ ઉત્તર ગુજરાત માટેના આ કાર્યક્રમમાં જોડ્યો તે માટે આભાર..તેમણે કહ્યું કે આખુ ગુજરાત ભાજપનો ગઢ છે. લોકસભા ચૂંટણી જ નહી પણ 30 વર્ષથી વિધાનસભામાં જોઇએ છે કે દર વખતે લગાતાર ભાજપને જનતાનો આશિર્વાદ મળી રહ્યો છે. લોકસભામાં પણ 2014 કે 2019 હોય પણ ગુજરાતની રાષ્ટ્ર અને ધર્મપ્રેમી જનતાએ ભાજપને આશિર્વાદ આપી 26 બેઠક જીતાડી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ 95 ટકા વધુ સંસ્થામાં ભાજપનો વહિવટ છે અને હજારો હોદ્દેદારો જનતાની સેવા કરી રહ્યા છે.
ભાજપને જ મત આપવો તે જ મહેસાણાની પ્રજા વિચારી રહી છે
તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતનો દાખલો અનેરો છે. મહેસાણા લોકસભા બેઠક અમે દાયકાઓથી જીતતા આવ્યા છીએ અને આજે પણ ભાજપને જ મત આપવો તે જ મહેસાણાની પ્રજા વિચારી રહી છે. વિપક્ષ પણ હવે તો વિચારે છે તે શા માટે જનતા ભાજપ ભાજપ કરે છે પણ તેની પાછળ સરકારનો અનુભવ, જનતાનું કામ કરવા મોદી સાહેબ જેવા નેતા પ્રાપ્ત થયા હોય.. નરેન્દ્રભાઇનુ નામ કામ અને તેમની પર જનતાનો વિશ્વાસ. મોદી સાહેબની ગેરંટી તો પહેલાથી જ જનતાને અનુકુળ આવી છે. ગુજરાતની આજે કાયાપલટ થઇ ગઇ છે.
ક્ષત્રિય સમાજની નારાજગીમાંથી પક્ષ બહાર આવશે
ક્ષત્રિય આંદોલનની અસર ઉત્તર ગુજરાતની બેઠકો પર થશે તેવા સવાલનો જવાબ આપતાં નીતિન પટેલે કહ્યું કે દરેક ચૂંટણી વખતે મારા અનુભવથી નાના મોટા પ્રશ્નો ઉભા થતાં હોય છે. નવનિર્માણ આંદોલન, પાટીદાર આંદોલન સહિતના આંદોલનો અમે જોયા છે અને તેમાંથી બહાર આવ્યા છીએ. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજની નારાજગીમાંથી પક્ષ બહાર આવશે અને પક્ષ જંગી મતોથી વિજયી બનશે.
આજ દિન સુધી ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રયાસ ચાલુ રાખ્યા
પાટીદાર આંદોલનમાં જે રીતે ડેમેજ કન્ટ્રોલ કરાયું તેવી સક્રિય ભૂમિકા ક્ષત્રિય સમાજ આંદોલનમાં ના લેવાઇ તે અંગે નીતિન પટેલે કહ્યું કે સામાજીક પ્રશ્નો હોય, બહેનોને લગતો વિષય હોય તો સ્વાભાવિક છે કે તે પ્રશ્ન સંવેદનશીલ થઇ જાય છે. આ પ્રશ્ન પણ સંવેદનશીલ થયો છે તે અમે સ્વીકારીએ છીએ અને તેથી જ અમારા નેતા પરસોત્તમ રુપાલાએ તુરત જ માફી માગી હતી અને જાહેરજનતા જોગ વિડીયો મુકી માફી માગી. ત્યારબાદ અમારા ક્ષત્રિય નેતા જયરાજસિંહે ગોંડલમાં ક્ષત્રિય આગેવાનોની સભા યોજી જેમાં પણ રુપાલાજીએ તે સભામાં પણ ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માગી હતી તેથી મોડુ થયું છે તે પ્રશ્ન રહેતો નથી. અધ્યક્ષ પાટીલજીએ પણ રુપાલાજી વતી ક્ષત્રિય સમાજની માફી માગી છેવટે મુખ્યમંત્રીએ પણ સંકલન સમિતિના નેતાઓને રુબરુમાં મળી પ્રશ્નના નિરાકરણ માટે પ્રયાસો કર્યા. આજ દિન સુધી ભાજપના ક્ષત્રિય નેતાઓએ પ્રયાસ ચાલુ રાખ્યા છે.
જામસાહેબે પાઘડી પહેરાવી આશિર્વાદ આપ્યા
ડેમેજ કન્ટ્રોલ જોઇએ તેવું નથી અને છેવટે પ્રધાનમંત્રીએ છેવટે મેદાનમાં ઉતરવું પડ્યું તેવા સવાલનો જવાબ આપતાં નીતિનભાઇએ કહ્યું કે અમે તમામ લેવલે અને સાધુ સંતો દ્વારા પ્રયત્નો કર્યા. ગઇકાલે પણ રાજકોટના રાજવી પરિવારના નેતા તરફથી અનેક રાજવીઓને સાથે રાખી સ્પષ્ટતા કરવાની કામગિરી કરી છે. વડાપ્રધાન ગઇ કાલે જામનગરમાં સભામાં જતા પહેલા જામસાહેબની મુલાકાત લઇ આશિર્વાદ લીધા અને જામસાહેબે પાઘડી પહેરાવી આશિર્વાદ આપ્યા. ક્ષત્રિય સમાજની દુભાયેલી લાગણીને ઠંડી પાડવા માટે અને સમાજને ભાજપ સાથે જોડાવા, સનાતન ધર્મના હિતમાં જોડાવા આહ્વાહન કર્યું
ખામ થીયરીને ફરીથી અમલમાં મુકવાનો પ્રયાસ
કોંગ્રેસે ઠાકોરવાદ ચલાવ્યો અને કોંગ્રેસ ક્ષત્રિય આંદોલનને સમર્થન આપે છે. કોંગ્રેસને ફાયદો થશે તેવું લાગે છે તેવા સવાલનો જવાબ આપતાં નીતિનભાઇએ કહ્યું કે સત્તાધારી પક્ષ સામે વિપક્ષ નાના મોટા પ્રશ્નો ઉભા કરી આંદોલન કરી કે કરાવવું અને તેને ઉત્તેજન આપે છે. કોંગ્રેસ પણ આ કરે તે સ્વીકાર્ય છે. મહેસાણા બેઠક પર લાલજીભાઇ ઉમેદવાર હતા પણ કોંગ્રેસે રાજકીય સમીકરણને જઇ રામજીભાઇને પસંદ કર્યા અને બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં ઠાકોરને ટિકીટ આપી પણ અન્ય સમાજને સ્થાન આપ્યું નથી. ખામ થીયરીને ફરીથી અમલમાં મુકવાનો પ્રયાસ કર્યો છે.
રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી
મહેસાણા બેઠક પર તમે દાવેદારી પાછી ખેંચી હવે પછીની રાજકીય ભૂમિકા તમારી કેવી રીતે જોઇ રહ્યા છો તે વિશે તેમણે કહ્યું કે ક્યારે કોની પક્ષમાં જરુરીયાત છે કઇ જવાબદારી સોંપવી તે મોવડીમંડળ નક્કી કરીને અમલમાં મુકે છે. રાજકારણમાં ક્યારેય પૂર્ણવિરામ હોતું નથી. હું ભાજપનો કાર્યકર છું. ભાજપના કાર્યકર તરીકે પ્રજાની વચ્ચે રહેવાના વ્યક્તિ તરીકે હું કાર્યરત છું અને રહેવાનો છું. અને મારી જેમ લાખો કાર્યકરો પક્ષનું કામ કરે છે. અમને પક્ષ અવારનવાર જવાબદારી સોંપે છે. રાજસ્થાનના ચૂંટણી સહપ્રભારી તરીકે મારી નિમણૂક કરી હતી. રાષ્ટ્રીય કારોબારીનો પણ હું સભ્ય છું.
પ્રજા બધુ સમજે છે
ભાજપનારાજમાં લોકશાહીનું હનન થવાના આરોપ અંગે તેમણે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બની, તેલંગાણામાં બની તો ત્યાં ઇવીએમ બરાબર અને લોકશાહી બરાબર અને બીજારાજ્યોમાં ભાજપની સરકાર બને તો લોકશાહીનું હનન થાય..પ્રજા બધુ સમજે છે. આ ઉપજાવી કાઢેલા પ્રશ્નો છે. પ્રજાની જાણકારીમાં ના હોય તેો કોઇ પ્રશ્ન નથી.
આ પણ વાંચો—— Gujarat First Conclave 2024 : ક્ષત્રિય આંદોલન, નિતિન પટેલ અંગે BJP ઉમેદવાર હરિભાઈ પટેલે શું કહ્યું ?
આ પણ વાંચો—- Gujarat First Conclave 2024 Mehsana : ઉ. ગુજરાતની શૈક્ષણિક-રાજકીય સ્થિતિ અંગે SK યુનિ.ના ચેરમેને કહી આ વાત