+

Password of happiness-આપણે બીજા જેવા શા માટે બનવું જોઈએ

Password of happiness-સુખનો પાસવર્ડ  શૂટિંગ ચેમ્પિયન માનસી સંતોષ દુબેનો એક ઇંટરવ્યૂ વાંચ્યો. માનસી નાની ઉંમરે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે કેટલીય શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. અનેક દેશોમાં શૂટિંગ સ્પર્ધાઓમાં…

Password of happiness-સુખનો પાસવર્ડ 

શૂટિંગ ચેમ્પિયન માનસી સંતોષ દુબેનો એક ઇંટરવ્યૂ વાંચ્યો. માનસી નાની ઉંમરે નેશનલ અને ઈન્ટરનેશનલ સ્તરે કેટલીય શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે. અનેક દેશોમાં શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેનારી માનસીએ ગયા વર્ષે ગુજરાતમાં ૫૦ મીટર રાઈફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

૨૧ વર્ષીય માનસીની સાથેની મુલાકાત થઈ ત્યારે મેં સહજ રીતે એને કહ્યું કે ‘અભિનવ બિન્દ્રા અને મનુ ભાકરની જેમ તું પણ ઈન્ટરનેશનલ લેવલ પર ટોચ પર પહોંચજે અને શૂટિંગના ક્ષેત્રે વર્લ્ડ ચેમ્પિયન બનજે.’

એણે હસતાં-હસતાં કહ્યું: ‘અંકલ, મારે બીજા કોઈ જેવા નથી બનવું, મારે માનસી દુબે જ રહેવું છે!’

એક વાત સ્પર્શી ગઈ

સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં તેજસ્વી વ્યક્તિઓ આગળ વધતી હોય છે ત્યારે વિચારતી હોય છે કે બોલતી હોય છે કે મારે આ ક્ષેત્રની ટોચની વ્યક્તિ જેવા બનવું છે (અથવા તો એ લેવલ પર પહોંચવું છે), પણ આ માનસીએ ગૌરવભેર કહ્યું કે ‘હું જે છું એ જ બરાબર છું અને મારે તો હજુ મારા જ ઉચ્ચતર કક્ષાએ પહોંચવું છે ! ’

દરેક વ્યક્તિએ પોતે જે છે એ જ બની રહેવું જોઈએ

આપણે ઘણી વખત કોઈ તેજસ્વી વ્યક્તિ માટે કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આગળ જતાં ધીરૂભાઈ અંબાણી બનશે કે અમિતાભ બચ્ચન બનશે (અથવા તો ઇન્દિરા ગાંધી, રેખા કે દીપિકા પાદુકોણ જેવી સાબિત થશે), પણ દરેક વ્યક્તિએ પોતે જે છે એ જ બની રહેવું જોઈએ. એણે બીજા જેવા બનવાની કોશિશ ન કરવી જોઈએ. દરેક માણસે પોતાનું વ્યક્તિત્વ એવું વિકસાવવું જોઈએ કે લોકો એના પ્રત્યે આકર્ષાય.

થોડા સમય અગાઉ વિશ્વના સૌથી શ્રીમંત માણસો પૈકીના એક એવા બિલ ગેટ્સ ભારત આવ્યા હતા ત્યારે નાગપુરની મુલાકાતે ગયા હતા. એ વખતે એ ‘ડોલી ચાયવાલા’ પાસે ગયા હતા. અને એના હાથની ચા પીધી હતી.

નાગપુરમાં સેંકડો ચાવાળાઓ હોય જ, પણ બિલ ગેટ્સે પોતાની આગવી રીતે ચા પીરસનારા ડોલી ચાયવાલા પાસે સાંભળ્યું હતું એટલે એમને એની પાસે જવાની ઇચ્છા થઈ.

કોઈ ચા વેચવાવાળો હોય, કુલી હોય, કંડકટર હોય કે પછી મજૂર, અલગ રીતે વિચારનારાઓ આગળ વધી શકતા હોય છે અથવા તો પોતે જે હોય એનાથી ખુશ રહી શકતા હોય છે. આ છે એમનો Password of happiness

જે કામ કરો એમાં જ આનંદ મેળવો

રજનીકાંત અત્યારે દેશના અત્યંત સફળતમ અભિનેતાઓમાં પણ હકપૂર્વક ટોચનું સ્થાન ભોગવે છે. એ કર્ણાટકમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરે જન્મ્યા હતા અને શિવાજી ગાયકવાડ નામ સાથે મોટા થયા હતા. એમને કિશોરાવસ્થાથી જ અભિનય પ્રત્યે લગાવ હતો, પણ કુટુંબની આર્થિક સ્થિતિને કારણે કુલી તરીકે કામ કરવું પડ્યું હતું અને પછી બેંગલોરમાં સિટી બસના કંડકટર તરીકે પણ નોકરી કરવી પડી, પરંતુ એ કામ પણ એમણે ખુશીથી કર્યું. બસ કંડકટર તરીકે ફરજ બજાવતી વખતે એ કામનો આનંદ માણતા હતા અને લોકોનું મનોરંજન પણ કરતા હતા. એ પોતાની અલગ સ્ટાઈલથી લોકોને ટિકિટ આપતા હતા કે પૈસા પાછા આપતા હતા. એને કારણે આગળ જતા એ અભિનેતા બન્યા અને પછી એમણે અભિનેતા તરીકે અકલ્પ્ય ઊંચાઈ હાંસલ કરી.આ છે એમનો Password of happiness 

રજનીકાંતની જેમ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી પણ બસ કંડકટર તરીકે નોકરી કરતા હતા. એ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી તરીકે સામાન્ય વ્યક્તિની જેમ જીવન વિતાવી ગયા હોત, પરંતુ એમણે પોતાની આગવી શૈલીને કારણે લોકોનું ધ્યાન ખેંચ્યું.

સારો સમય આવશે જ એની ખાતરી રાખો

ઈંદોરનાં એક ગરીબ કુટુંબમાં બાર સંતાનો પૈકી એક સંતાન તરીકે જન્મેલા બદરુદ્દીનના પિતા વિવિંગ ટીચર હતા, પરંતુ તેમની નોકરી ગઈ એટલે કુટુંબે  મુંબઈ રહેવા આવવું પડયું. એ વખતે બદરુદ્દીનએ મુંબઈમાં બોમ્બે ઈલેક્ટ્રીક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની સિટી બસના કંડકટર તરીકે નોકરી મેળવી. જોબ દરમિયાન એ પોતાની આગવી શૈલીથી ઉતારુઓનું મનોરંજન કરતા હતા. આગળનું સ્ટોપ આવવાનું હોય એના વિશે રમૂજભરી રીતે એનાઉન્સમેન્ટ કરતા.

એક વખત વિખ્યાત અભિનેતા બલરાજ સહાનીનું ધ્યાન બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી પર પડ્યું. બદરુદ્દીનની પ્રતિભાને પારખીને એમણે અભિનેતા-દિગ્દર્શક ગુરુદત્તને ભલામણ કરી કે ‘આ યુવાનને અભિનેતા તરીકે તક આપો.’ એ બદરુદ્દીન કાઝી એટલે પછી જોની વોકર નામથી વિખ્યાત બનેલા અભિનેતા! બદરુદ્દીને શરાબમાં ધૂત થયેલા માણસનો એવો અભિનય કરી બતાવ્યો કે ગુરુ દત્તને હસવું આવી ગયું. ગુરુદત્તે એમને કહ્યું કે આજથી તમારું નામ ‘જોની વોકર.’ સ્કોચ વ્હીસ્કીની બ્રાન્ડ પરથી એમણે જોની વોકરનું નામ પાડયું હતું.

દરેક વ્યક્તિએ પોતાની આગવી ઓળખ બનાવવી જોઈએ. બીજા જેવા બનવાની કોશિશ કરવાને બદલે પોતાની જ જાતને વધુ ઉત્તમ બનાવવાની કોશિશ ચાલુ રાખવી જોઈએ.

આ પણ વાંચોAntibiotics-આડેધડ ઉપયોગ શરીરને ભારે પડી શકે

Whatsapp share
facebook twitter