જૂનાગઢમાં ફોટોગ્રાફીના વ્યવસાય સાથે સંકળાયેલા સોલંકી પરિવારમાં પુત્રવધૂ અને પૌત્રીનું અકાળે અવસાન થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિણિતાની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે અંતિમયાત્રા નીકળી હતી.
જૂનાગઢમાં ફોટોગ્રાફીનો વ્યવસાય કરતાં મયુરભાઈ સોલંકીના પુત્ર શ્રીનાથભાઈના લગ્ન મોનિકાબેન સાથે થયા હતા, શ્રીનાથના ઘરે પ્રથમ બાળકનું પારણું બંધાવાનું હોય, સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો અને પ્રથમ બાળકને આવકારવા સૌ પરિવારજનો થનગની રહ્યા હતા, પરંતુ કુદરતને જાણે આ પરિવારની ખુશી મંજૂર ન હોય તેમ પ્રસુતિ સમયે મોનિકાબેનનું અવસાન થયું. તે સમયે બાળક જીવીત હોય, ઓપરેશન કરીને તેનો જન્મ કરાવાયો પરંતુ જન્મેલી બાળકીનું પણ થોડા જ સમયમાં મૃત્યુ થયું. પરિવારમાં એકી સાથે બે મૃત્યુથી સોલંકી પરિવાર પર આભ ફાટી પડ્યું. પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો. જ્યાં પારણું બંધાવાનું હતું ત્યાં નનામી બંધાય, માતા અને પુત્રીની એકી સાથે અંતિમયાત્રા નીકળતાં આંસુઓની નદીઓ વહેવા લાગી હતી. પરિવારના આક્રંદથી ગમગીની છવાઈ ગઈ હતી, તેમ છતાં મન મક્ક્મ કરીને પરિવારજનોએ મોનિકાબેનની ઈચ્છા અનુસાર બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે અંતિમયાત્રા કાઢી હતી.
પોતાની હયાતિમાં જ મોનિકાબેને પોતાના પતિ અને પરિવારજનો પાસે ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેમની ઈચ્છા અનુસાર વાજતે ગાજતે તેમની અંતિમયાત્રા નીકળી હતી તો મોનિકાબેનના પતિ શ્રીનાથભાઈએ પત્ની મોનિકાબેનની આંખોનું દાન કરવાનો અને રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો. મોનિકાબેનના અંતિમ સંસ્કાર પહેલાં તેમની બન્ને આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું સાથે તેમના બેસણાંમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું. કોઈ વ્યક્તિના બેસણાંમાં રક્તદાન કેમ્પનું આયોજન થયું હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
પ્રથમ ચક્ષુદાન અને બાદમાં રક્તદાન કરીને સોલંકી પરિવારે સમાજને એક નવો રાહ ચિંધ્યો છે. આક્રંદ અને દુઃખના સમયમાં પણ સમાજને રાહ ચિંધે તેવો અભિગમ અપનાવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં 37 બોટલ રક્ત એકત્રીત થયું અને તેને જરૂરીયાતમંદ દર્દીઓને વિતરણ કરવામાં આવ્યું. ચક્ષુદાન થકી મોનિકાબેને બે બીજી જીંદગીને દ્રષ્ટિ આપી અને તેમના પતિ શ્રીનાથભાઈએ પોતે પણ રક્તદાન કરી પોતાની પત્નીને શ્રધ્ધાંજલી આપી.
જગતમાં ઘણાં લોકો એવા હોય છે કે જેમનું આયુષ્ય તો ઓછું હોય છે પરંતુ ટુંકા આયુષ્યમાં પણ તે બહુ મોટી જીંદગી જીવી જતાં હોય છે, મોનિકાબેન પણ એક એવું જ વ્યક્તિત્વ હતા.