Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તારીખ પે તારીખ પે તારીખ! ગુજરાતના આ ટોચના માળખાનો વિલંબ નથી થતો પૂર્ણ!

11:06 PM Apr 14, 2023 | Vipul Pandya

ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓની બદલીમાં ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ પડી રહી છે અને હવે નવી તારીખ આવી છે ફેબ્રુઆરી માસની. જો કે હવે એવું લાગી રહ્યું છે કે IPS અધિકારીઓની બદલીમાં નવી મુદ્દત નહિ પડે અને ફેબ્રુઆરી માસમાં આશરે 60 જેટલા પોલીસ અધિકારીઓની બદલીનો ઘાણવો નીકળી જશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમની બદલીની જોઈ રહ્યા છે રાહ. IAS બેડામાં બેથી ત્રણ વખત બદલીના મોટા રાઉન્ડ આવી ગયા પરંતુ પોલીસ તંત્રમાં મુદ્દત ઉપર મુદ્દત પડતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હવે થાક્યા છે. આ માટે IPS એસોસિએશન પણ રાજ્ય સરકારને બેથી ત્રણ વખત મળી ચૂક્યું હતું અને એવું લાગતું હતું કે ગત વર્ષના અંતમાં મોટાપાયે ફેરફારો આવી જશે પરંતુ કોરોનાની ત્રીજી લહેર આવી જતા બદલીની કાર્યવાહીને ફરી બ્રેક લાગી હતી અને આ સાથે જ બદલીની રાહ જોઈ રહેલા અનેક અધિકારીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું. હવે કોરોના કંટ્રોલમાં આવી રહ્યો છે તેવું દેખાતા રાજ્ય સરકારે બદલી ની કાર્યવાહી ફરી શરૂ કરી છે. 
પહેલા તબક્કામાં 10 આઇપીએસ અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા હતા ત્યારબાદ મંગળવારે સાંજે 58 ડીવાયએસપીની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા અને હવે રાજ્ય સરકારે સિનિયર IPS અધિકારીઓનો પ્રશ્ન હાથ પર લીધો છે. એવું મનાય છે કે આશરે 60 જેટલા પોલીસ અધિકારીઓની બદલીના ઓર્ડર તૈયાર કરવામાં આવી રહ્યા છે જેમાં એકથી બે શહેરના પોલીસ કમિશનરની પણ બદલી તોળાઈ રહી છે. કેટલાક રેન્જના આઈજીની પણ બદલી આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકાર આ બદલીની કાર્યવાહીને આખરી ઓપ આપી રહી છે અને એવું મનાઈ રહ્યું છે કે ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં IPS અધિકારીઓમાં બદલીનો મોટો રાઉન્ડ આવશે. ગાંધીનગરમાં ચર્ચાઈ રહેલી હકીકત સાચી પડે એવું જ લાગે છે અને જો આમ થશે તો બે વર્ષથી કાગડોળે રાહ જોઈ રહેલા પોલીસ અધિકારીઓની બદલીની આતુરતાનો આવશે અંત.