- જાપાનમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ
- જાપાનમાં ભૂકંપ પછી સુનામી એલર્ટ
- જાપાનમાં મહા ભૂકંપની ભવિષ્યવાણી
Earthquake In Japan : જાપાન આજે ફરીથી એક જોરદાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું હતું. આ ભૂકંપ ટોકિયો (Tokyo) ના દક્ષિણી ભાગમાં આવેલા ઇઝુ દ્વીપના દરિયાકાંઠા નજીક આજે સવારે 5 વાગ્યે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. જો કે, ભૂકંપના કારણે હાલ સુધી કોઈ જાનમાલનું નુકસાન થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. તેમ છતાં, હવામાન વિભાગે દરિયાકાંઠાના વિસ્તારો માટે તાકીદની ચેતવણી સાથે સુનામીનું એલર્ટ જાહેર કર્યું છે, જેનાથી લોકોમાં ભય ફેલાયો છે.
સુનામીની ચેતવણી
જાપાનના હવામાન વિભાગે વિશેષ સુનામી એલર્ટ જાહેર કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપી છે. એવી સંભાવના છે કે દરિયામાં 1-2 મીટર સુધી ઊંચા મોજા ઊછળી શકે છે, જે સુનામીનું રૂપ લઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, હાચીજો સમુદ્રી દ્વીપ નજીક સુનામીના નાના મોજાઓ જોવા મળ્યા છે. બીજી તરફ આફ્ટરશોક કે વધુ મોટો આંચકો આવે તો મોજાઓ વધુ ઉંચા થઈને મોટી તબાહીનું કારણ બની શકે છે. હવામાન વિભાગ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સુરક્ષિત સ્થાન પર જવાની અપીલ કરવામાં આવી રહી છે.
Japan’s remote Izu islands hit by small tsunami after 5.9 magnitude earthquake https://t.co/HevFibMNDl pic.twitter.com/MbfdwPBhoe
— CNA (@ChannelNewsAsia) September 24, 2024
મહા ભૂકંપની ચેતવણી
ભૂકંપ પછી જાપાનની હવામાન એજન્સી (JMA)એ પ્રથમવાર “મેગાકંપ એલર્ટ” જાહેર કર્યું છે. આ એલર્ટ ખાસ કરીને નાનકાઈ ટર્ફ નામના ભુસ્તરીય ખંડ પાસે જોખમને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે. આ વિસ્તાર એક મહત્વપૂર્ણ ફોલ્ટ ઝોન પર સ્થિત છે, જ્યાંથી મોટાં ભૂકંપોની શક્યતા વધી જાય છે. મેગાકંપ ચેતવણી ત્યારે આપવામાં આવે છે જ્યારે 8 કે તેથી વધુની તીવ્રતાના ભૂકંપની સંભાવના હોય. જો આવું ભૂકંપ થાય તો જાપાનમાં ગંભીર હાની અને જાનમાલના નુકસાનની શક્યતા છે.
ટેક્ટોનિક પ્લેટો અને જાપાનના ભૂકંપો
જાપાન એક એવો દેશ છે, જ્યાં ભૂકંપની સંભાવના સૌથી વધુ રહે છે. કારણ કે દેશની ધરતીની નીચે 4 ટેક્ટોનિક પ્લેટો એકબીજાને અથડાય છે, જેના કારણે ભૂકંપ વારંવાર થતા રહે છે. એજન્સીઓના અનુસાર, દર મહિને અથવા દર અઠવાડિયામાં જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. ગયા મહિને જ 7.1ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. જેના કારણે સમગ્ર દેશમાં એલર્ટની સ્થિતિ ઊભી થઈ હતી. જાપાનમાં ભૂકંપ એ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ હવામાન વિભાગની આ મેગાકંપની ચેતવણીને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો: પૃથ્વી તરફ વાયુ વેગે આવી રહ્યા છે ખતરનાક Asteroids! વૈજ્ઞાનિકોએ આપી આ ભયનાક ચેતવણી