Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્લેન ક્રેશની ઘટનામાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકોનાં મોત, કાલથી પ્લેન હતું ગાયબ

05:48 PM Jun 11, 2024 | KRUTARTH JOSHI

નવી દિલ્હી: માલાવીના (Malawi) ઉપરાષ્ટ્રપતિ (Vice President) સહિત કૂલ 9 લોકોને લઇ જતું પ્લેન ક્રેશ થઇ જવાના કારણે તમામ લોકોનાં મોત નિપજ્યાં છે. માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકોને લઇ જઇ રહેલું પ્લેન સોમવારે ચિકાંગાવાની પહાડીઓમાં ક્રેશ થયું હતું. ત્યાર બાદ સતત સર્ચ ઓપરેશન ચલાવાઇ રહ્યું હતું. સતત 24 કલાક કરતા પણ વધારેના સર્ચ ઓપરેશન બાદ પ્લેનનો કાટમાળ ચિકાંગાવાની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત નિપજ્યાં હતા. માલાવીના પ્રમુખ લાઝારસ ચકવેરાએ અધિકારીક નિવેદનમાં આ ઘટનાની પૃષ્ટી કરી હતી.

લિલોગવેથી ઉપરાષ્ટ્રપતિ સાથે ઉડ્યું હતું પ્લેન

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસારપ્લેન સોમવારે વહેલી સવારે રાજધાની લિલોગવેથી ઉડ્યું હતું. જેમાં માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત કૂલ 9 લોકો સવાર હતા. પ્લેન સવારે મઝુઝુમાં લેન્ડ થવાનું હતું. જો કે તે લેન્ડ થાય તે પહેલા જ અચાનક પ્લેન સાથેનો સંપર્ક તુટી ગયો હતો. પ્લેન રડારમાંથી પણ ગાયબ થઇ ગયું હતું. ટ્રાફિક કંટ્રોલરનું કહેવું છે કે, ખરાબ હવામાન તથા ઓછી વિઝિબિલિટીના કારણે પાયલોટને લેન્ડ ન કરવા માટેની સુચના અપાઇ હતી. જો કે થોડા જ સમય બાદ પ્લેન રડાર પરથી ગાયબ થઇ ગયું હતું. પ્લેન સાથેનો સંપર્ક પણ કપાઇ ગયો હતો.

24 કલાકથી ચાલી રહ્યું હતું રાહત અને બચાવકામગીરી

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. સોમવારે ઘટના બન્યા બાદથી જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જો કે દિવસ અને આખી રાતની મહેનત બાદ મંગળવારે બપોરે પ્લેનને કાટમાળ મળી આવ્યો હતો. પ્લેનમાં સવાર તમામ લોકોનાં મોત નિપજ્યાં હતા.

ઇરાનના રાષ્ટ્રપતિનું પણ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીને લઇ જઇ રહેલું હેલિકોપ્ટર પણ ક્રેશ થયું હતું. જેમાં રાષ્ટ્રપતિ રઇસી ઉપરાંત વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયન, પૂર્વ અઝહરબૈજાનના પ્રાંત ગવર્નર મલેક રહેમતી અને ધાર્મિક નેતા અલી અલે હાશેમનું પણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની શાહી સુકાઇ નથી ત્યાં ફરી એક રાષ્ટ્ર પ્રમુખનું મોત નિપજ્યું હતું.