+

IND vs BAN 2nd Test : ખરાબ લાઈટ અને વરસાદે બગાડી મેચની મજા, શું છે તાજા સ્થિતિ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ ભારત-બાંગ્લાદેશ મેચને નડ્યો વરસાદ કાનપુરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના પ્રથમ દિવસની રમત ખતમ IND vs BAN 2nd…
  • ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ
  • ભારત-બાંગ્લાદેશ મેચને નડ્યો વરસાદ
  • કાનપુરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના
  • પ્રથમ દિવસની રમત ખતમ

IND vs BAN 2nd Test : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ આજથી કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જોકે આ મેચ પહેલા જ એવી સંભાવનાઓ હતી કે, તેમા વરસાદ ખલેલ પહોંચાડી શકે છે. હવામાન વિભાગની માનીએ તો, કાનપુરમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે. કાનપુરમાં આજે સવારે પણ વરસાદ પડ્યો હતો, જેના કારણે મેચ શરૂ થવામાં પણ વિલંબ થયો હતો.

વરસાદના કારણે મેચ શરૂ થવામાં વિલંબ

ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચેની આજની મેચનો પ્રથમ દિવસ અત્યાર સુધી ખેલાડીઓ અને અમ્પાયરો માટે ખૂબ જ મુશ્કેલીભર્યો રહ્યો છે. પહેલા આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હોતી, પછી વરસાદને કારણે લંચ બ્રેક પછી રમત શરૂ થઈ અને પછી ખરાબ પ્રકાશને કારણે મેચ રોકવી પડી. કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં જે પ્રકારની તસવીરો હાલમાં સામે આવી રહી છે, તેનાથી લાગી રહ્યું છે કે વરસાદના કારણે મેચ ફરી શરૂ થવામાં હજું ઘણો લાંબો સમય થઇ શકે છે.

પ્રથમ દિવસની રમત ખતમ

કાનપુરમાં ભારે વરસાદને કારણે પ્રથમ દિવસની રમત સમય પહેલા જ ખતમ થઈ ગઈ છે. બાંગ્લાદેશની ટીમે પહેલા દિવસે ત્રણ વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા હતા. આજે માત્ર 35 ઓવરની મેચ જ રમાઈ શકી હતી. બાંગ્લાદેશ તરફથી મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ 06 રન સાથે રમી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ (IND vs BAN) વચ્ચે પ્રથમ મેચ ચેન્નાઈમાં રમાઈ હતી. જેને ભારતીય ટીમે 280 રને જીતી લીધી હતી. હવે કાનપુર ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશને સીરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કરવા ઈચ્છશે. આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આકાશ દીપે પ્રથમ સફળતા અપાવી

કાનપુર ટેસ્ટમાં ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો રોહિત શર્માનો નિર્ણય ભારતીય બોલરોના પક્ષમાં ગયો હતો. આકાશ દીપે ભારતને પ્રારંભિક સફળતા અપાવી. આકાશે તેની પહેલી જ ઓવરમાં ઝાકિર હસનને શૂન્ય રને આઉટ કર્યો હતો. રસપ્રદ વાત એ હતી કે ઝાકિર 24 બોલ રમવા છતાં પોતાનું ખાતું ખોલાવી શક્યો નહીં અને આ રીતે આકાશ દીપના નામે એક મોટો રેકોર્ડ નોંધાઈ ગયો. ઝાકિર હસન બાંગ્લાદેશનો ચોથો બેટ્સમેન છે જે 20 કે તેથી વધુ બોલ રમવા છતાં ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. આ મેચ પહેલા બાંગ્લાદેશના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ ઘટના 16 વર્ષ પહેલા જોવા મળી હતી જ્યારે આફતાબ અહેમદ ન્યૂઝીલેન્ડના બોલર જેકબ ઓરમના હાથે શૂન્ય પર આઉટ થયો હતો. 2008માં ડ્યુનેડિનમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં આફતાબ અહેમદે 25 બોલ રમ્યા હતા પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો ન હતો અને આઉટ થયો હતો.

આ  પણ વાંચો:  IPL 2025 પહેલા આવ્યું સૌથી મોટું અપડેટ, ખેલાડીઓને થશે ફાયદો!

Whatsapp share
facebook twitter