Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સંકલન સમિતિની બેઠકમાં કુંવરજી બાવળીયાએ વધુ પ્રશ્નો પૂછતાં રાજકારણ ગરમાયું

11:04 PM Apr 14, 2023 | Vipul Pandya

રાજકોટમાં શનિવારે 3 મહિનાના લાંબા સમયગાળા બાદ સંકલન સમિતિની  બેઠક કલેક્ટર કચેરી ખાતે મળી હતી જેમાં ભાજપના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, લાખા સાગઠિયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા અને ધારાસભ્ય મહમદ પીરજાદા ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં 30થી વધુ પ્રશ્નો ધારાસભ્યઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા જેમાં સૌથી વધુ 25 પ્રશ્ન શાસક પક્ષના ધારાસભ્ય કુંવરજી બાવળિયા દ્વારા પૂછવામાં આવ્યા હતા. તો કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ ખેડૂત, સિંચાઈ લક્ષી 5 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા. ધારાસભ્ય અને પૂર્વં મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ વધુ પ્રશ્ન પૂછતાં રાજકીય માહોલ ગરમાયો હતો અને અટકળોનો વેગ શરુ થયો હતો ત્યારે બેઠક પુરી થયા બાદ લલિત કાગતરાએ મહત્વનું નિવેદન આપ્યું હતું અને કહ્યું કે કુંવરજીભાઇના લોકલ પ્રશ્નો હતા અને પ્રશ્ર્નો પાર થી લાગી રહ્યું હતું કે શાસક પક્ષ  નહિ પણ વિપક્ષના ધારાસભ્ય તરીકે આક્ષેપ કરી રહ્યા છે. 
 કુંવરજીભાઈ કોંગ્રેસમાં આવે તો તેમનું લાલ જાજમથી સ્વાગત : ધારાસભ્ય લલિત કગથરા
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ બેઠક બાદ જણાવ્યું હતું કે, કુંવરજી બાવળિયા શાસક પક્ષના ધારાસભ્ય હોવા છતાં તેમણે 25 જેટલા પ્રશ્નો રજૂ કર્યા હતા. રાજ્ય સરકારે સૂર્યોદય યોજનાનો વ્યાપક પ્રમાણમાં પ્રચાર કર્યો હતો પણ આજની સંકલન સમિતિમાં અધિકારીઓ સૂર્યોદય યોજનાને લઈ જવાબ નથી આપી શક્યા. રાજકોટ અને મોરબી જિલ્લામાં સૂર્યોદય યોજના હેઠળ એક પણ ફીડર ન લાગ્યા હોવાનો બેઠકમાં અધિકારીઓએ સ્વીકાર કર્યો હતો. લલિત કગથરાએ વાતો વાતોમાં કુંવરજી બાવળિયાને વધુ એક વાર ઘરવાપસી માટે આમંત્રણ પણ આપી દીધું હતું. કુંવરજીભાઈ કોંગ્રેસમાં આવે તો તેમનું લાલ જાજમથી સ્વાગત છે.
જાણો શું કહ્યું, ધારાસભ્ય લલિત વસોયાએ 
સંકલન બેઠક બાદ કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ સરકારને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની અધિકારીઓ પર કોઈ પકડ નથી. દર સંકલન બેઠકમાં અધિકારીઓ અને તંત્ર માત્ર બાંહેધરીઓ જ આપે છે પણ કોઈ ઉકેલ આવતો નથી. કોરોનાકાળમાં ધારાસભ્યોને મળેલી 50 લાખની ગ્રાંટનો પણ ઉપયોગ ન થયો હોવાનો આક્ષેપ લલિત વોસાયાએ કર્યો હતો. 
હું જસદણથી જ ચૂંટણી લડીશ: ધારાસભ્ય કુંવરજી બાવળિયા 
આજની સંકલન સમિતિમાં સૌથી વધુ પ્રશ્નોનો મારો કુંવરજી બાવળિયા દ્વારા ચલાવવામાં આવ્યો હતો ત્યારે બેઠક બાદ બાવળિયાએ જણાવ્યું હતું કે મારા મત વિસ્તારના સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ, માર્ગ મકાન, ખેડૂતોને લાઈટ જેવા પ્રશ્નો હતા જે મેં રજૂ કર્યા હતા અને મારા વિસ્તારના તમામ પ્રશ્નો સરકાર અને તંત્ર દ્વારા હલ થાય છે. મંત્રી હતો એ સમયે સંબંધિત વિભાગને સીધી રજૂઆત કરતો હતો હવે જ્યારે મંત્રી પદ નથી ત્યારે ધારાસભ્ય તરીકે સ્થાનિક અને રાજ્ય સરકાર લેવલને સંકલનમાં રાખીને રજૂઆત કરું છું.  
આગામી વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે એ પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓના નિવેદનો અનેક ચર્ચાઓ ઉપજાવી રહ્યાં છે. ત્યારે શનિવારે રાજકોટ ખાતે મળેલી સંકલન સમિતિની બેઠક બાદ કુંવરજી બાવળિયાના નિવેદનથી ચર્ચાઓએ જોર પકડ્યું છે.આગામી વિધાનસભાની ચૂંટણી લડવા મુદ્દે કુંવરજી બાવળિયાએ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતુ કે ‘હું જાહેર જીવનમાં અંગત સ્વાર્થ માટે નહીં પણ લોકસેવાના કાર્યો કરવા માટે આવ્યો છું. પાર્ટી કામ કરતા દરેક નેતાને ટિકિટ આપે જ છે.હું હાલ જસદણથી જ ધારાસભ્યછું અને આગામી ચૂંટણી પણ જસદણથી જ લડીશ. કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના કોંગ્રેસમાં લાલ જાજમ તૈયાર હોવાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતુ કે હું કોઈ અંગતસ્વાર્થ માટે ભાજપ કે જાહેર જીવનમાં નથી. હું વારંવાર પક્ષ બદલું એવો માણસ નથી. કુંવરજી બાવળિયાના જસદણથી ચૂંટણી લડવા મક્કમ છે એવામાં તેઓ કોંગ્રેસમાં પરત ફરવા ન માગતા હોવાની વાત કરી છે અને હવેજો ભાજપ પણ કુંવરજી બાવળિયાને જસદણથી ટિકિટ ન આપે તો કુંવરજી બાવળિયા અપક્ષમાંથી ચૂંટણી લડી શકે છે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે
કુંવરજી બાવળિયાનો જસદણ ભાજપમાં વિરોધ !
કુંવરજી બાવળીયા ચૂંટણી સામે આવતા તંત્ર પર બળાપો કાઢી રહ્યા હોવાનો અંદરખાને આરોપ પણ થઈ રહ્યો છે. એવામાં જસદણ ભાજપમાં બધુ યોગ્ય નથી લાગી રહ્યું. હાલ એક સપ્તાહ પહેલા જસદણ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન વસાણીએ રાજકોટ જિલ્લાભાજપ સંગઠનના નેતા મનસુખ રામાણી સામે આક્ષેપો કરી રાજીનામું આપી દીધું હતું. સોનલબેન વસાણીએ આક્ષેપો કર્યા હતા કે, મનસુખ રામાણી અમને બાવળિયાના કાર્યક્રમોમાં હાજર ન રહેવા માટે કહેતા હતા. સોનલબેનના આક્ષેપો બાદ બાવળિયા પણ સમર્થનમાં આવ્યા હતા અને પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ મનસુખ રામાણી વિરુદ્ધ સી.આર પાટીલને પત્ર લખી દીધો હતો.
વિકાસના કામો નથી થઈ રહ્યાં !
એક મહિના પહેલા કુંવરજી બાવળિયાએ મીડિયા સમક્ષ પણ નિવેદન આપતા કહ્યું હતું કે, વિકાસના કામો સમયસર પૂરા નથી થઈ રહ્યાં એવામાં કુંવરજી બાવળિયાના એક બાદ એક નિવેદનોથી અનેક પ્રકારની ચર્ચાઓ રાજકોટ જિલ્લામાં શરૂ થઈ ચૂકી છે.
ભાજપના કોળી સમાજના 2 મોટા નેતા સામ સામે !!
વર્ષ 2022ના પ્રારંભમાં જ જાન્યુઆરી મહિનામાં જ ભાજપના કોળી સમાજના નેતા કુંવરજી બાવળિયા અને સુરેન્દ્રનગરના પૂર્વસાંસદ દેવજી ફતેપરા પણ સામ સામે આવી ચૂક્યા હતા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે કોળી સમાજના આગેવાનો-નેતાઓની બેઠક બોલાવી હતી. જેમાં આગામી વિધાનસભા ચૂંટણીલક્ષી ચર્ચાઓ થવાની હતી પણ બેઠકના એક દિવસ પહેલા જ પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ મીડિયા સમક્ષ આવી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કુંવરજી બાવળિયાએ પાટીલ સાથેની બેઠકમાં પોતાને આમંત્રણ આપવાનું વચન આપ્યુ હતું પણ આમંત્રણ આપ્યું નહોતું. દેવજી ફતેપરાએ જણાવ્યું હતું કે, ‘મને અલગ પાડવા પ્રયાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર-કોળીસમાજના આગેવાનેને પણ ન બોલાવાયા હોવીનો આક્ષેપ કર્યો હતો.
જસદણમાં બાવળિયા અને બોઘરા જૂથ !!
બાવળિયાનો વિરોધ અંદરખાને રાજકોટ જિલ્લા ભાજપ પણ કરી રહ્યું છે એવામાં બાવળિયાને જસદણ તાલુકા અને જિલ્લા ભાજપ એમ બંન્ને મોરચે લડવું પડી રહ્યું છે. રૂપાણી સરકારમાં બાવળિયાને મંત્રી પદ મળતા તે સમયે અનેક કાર્યક્રમોમાં ભરત બોધરા અને કુંવરજી બાવળિયા સાથે જોવા મળતા ન હતા અને અનેક કાર્યક્રમોની આમંત્રણ પત્રિકાઓમાંથી બાવળિયાના નામની બાદબાકી કરી દેવામાં આવી હોવાની ઘટનાઓ છે. હવે રાજ્ય સરકારમાં નેતૃત્વ પરિવર્તન આવતા વિજય રૂપાણીની સાથે સાથે મંત્રી મંડળના તમામ જૂના જોગીઓ કપાયા છે ત્યારે બાવળિયાનું પણ મંત્રી પદ જતા હવે તેમના વિરોધીજૂથો વધુ મજબૂતાઈથી સામે આવી રહ્યાં છે. નવા સંગઠનમાં બાવળિયાના વિરોધી જૂથ મનાતા બોઘરા જૂથનું પ્રભુત્વ વધ્યું છે તો બાવળિયા જૂથ થોડું નબળું પડી રહ્યું છે. સરકારમાં નેતૃત્વ પરિવર્તન થતા ભરત બોઘરાને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવાતા બોઘરા જૂથનો હોલ્ટ વધ્યો છે એવામાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કુંવરજી બાવળિયાના તેવર પણ બદલાતા નજરે પડી રહ્યાં છે.