- બિહારમાં ફરી ભારે વરસાદ
- ભારે વરસાદ અને જળસ્તર વધવાને કારણે લોકોમાં ભયનો માહોલ
- નેપાલમાં ભારે વરસાદની અસર બિહારમાં જોવા મળી
Bihar : બિહારના અનેક વિસ્તારો ફરી એકવાર પૂરનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં થયેલી ભારે વરસાદ અને જળસ્તર વધવાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગના રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે, જેમાં 3-4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. ખાસ કરીને નેપાળની સરહદથી જોડાયેલા જિલ્લાઓમાં પૂરનો પ્રભાવ ખુબ જ ગંભીર છે.
કુંડવા ચૈનપુરની હાલત વધુ ખરાબ
મોતિહારી જિલ્લાના કુંડવા ચૈનપુરની હાલત વધુ ખરાબ થઇ છે. અહીંના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીથી ભરાઈ ગયા છે. નેપાળમાં ચાલુ વરસાદના કારણે બાગમતી નદી અને લાલબકેયા નદીમાં પ્રવાહ વધારે છે, જેની અસર બિહારમાં પણ દેખાઇ રહી છે. ચૈનપુરના ઘણાં ગામો, જેમ કે હીરાપુર, ગુરહાનવા, વિરતા ટોલા, ભવાનીપુર, બલુઆ અને મહગુઆ, પૂરની ઝપટમાં આવી ગયા છે. પાણીના તેજ પ્રવાહને કારણે બાગમતી અને લાલબકેયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી ગયો હતો. જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું, જેને કારણે ચૈનપુર સહિતના વિસ્તારો પૂરના પાણીથી પ્રભાવિત થયા હતા.
નેપાળમાં ભારે વરસાદની અસર બિહારમાં
નેપાળમાં ભારે વરસાદની અસર બિહારના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે, જ્યાં નદીઓ ગાંડીતૂર બની છે. ગોલપાકરિયામાં તિયાર નદી પર બનેલો પુલ પણ ધરાશાયી થયો હતો. જેના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્ર અહીં નવો બ્રિજ પણ બનાવી રહ્યું હતું, પરંતુ પાણીના જોરદાર પ્રવાહને જોતા બ્રિજનું કામ બંધ કરી દેવામાં આવ્યું. તિયાર નદીનું પાણી ઝડપથી વધી રહ્યું છે.
ગંડક બેરેજમાંથી પાણી છોડાયું
સૂત્રોનું માનીએ તો, છાપરાના તરિયાણીમાં પણ બંધ તૂટી ગયો છે, જેના કારણે ડઝનબંધ ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. વળી સીતામઢીના બેલસંડમાં પણ બંધ તૂટી ગયો છે, જેના કારણે પૂરના પાણી ગામડાઓમાં પ્રવેશવા લાગ્યા છે. બિહારના બેતિયાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. લૌરિયાના નરકટિયાગંજના રસ્તાઓ પણ તળાવ બની ગયા છે. પાણીના જોરદાર પ્રવાહને જોતા વહીવટીતંત્રે બંને બાજુથી લોકોની અવરજવર પર રોક લગાવી દીધી છે. અહીં હાજર સિકરહાના નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જળસ્તરની વધતી જતી સપાટીને જોતા ગંડક બેરેજમાંથી પણ 5.60 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેના કારણે અનેક વિસ્તારો પરેશાન થઈ ગયા છે.