VADODARA : વડોદરા શહેર (VADODARA CITY) માં આવેલા માનવસર્જિત ઐતિહાસિક પૂર (FLOOD – 2024) માં હરણી વિસ્તારમાં ભારે નુકશાની લોકોએ વેઠવી પડી હતી. પૂર બાદ વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) તથા વરસાદી કાંસ પરના દબાણો દુર કરવાની કામગીરી વચ્ચે પાલિકા દ્વારા રાત્રીના અંધારામાં જ મોબાઇલ ટાવર ઉભુ કરી દીધું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. જેનો મોડી રાત્રે તમામ નાગરિકોએ એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો હતો.
હકીકતે મોબાઇલ ટાવર ઉભુ કરવાનું કામ ચાલી રહ્યું હતું
હરણી વિસ્તારમાં આવેલી ધ્યાન રેસીડેન્સી પાછળના વિશ્વામિત્રી નદીના પટમાં ખાનગી કંપનીનો મોબાઇલ ટાવર રાતના અંધારામાં ઉભો કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકો દ્વારા રાત્રી સમયે જ કામગીરી કરવા અંગે પુછપરછ કરી તો તેઓ જણાવતા કે, પાલિકાના પંપીંગ સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. પરંતુ તેની જગ્યાએ હકીકતે મોબાઇલ ટાવર ઉભુ કરવાનું કામ ચાલી રહ્યું હતું. જે લગભગ પૂર્ણાહૂતિની આરે આવતા સ્થાનિકો છેતરાયા હોવાની લાગણી અનુભવી રહ્યા છે. સ્થાનિકોનું જણાવવું છે કે, એક તરફ પાલિકા દ્વારા વિશ્વામિત્રી નદી પરના દબાણો દુર કરવાની કામગીરી ચાલી રહી છે. તેવા સમયે નદીના પટમાં રાતના અંધારામાં છાનીછુપી રીતે મોબાઇલ ટાવર ઉભુ કરી દેવા પાછળનો આશય સારો નથી લાગતો !
અહિંયા મોટા પ્રમાણમાં લોખંડનો સામાન આવતો હતો
સ્થાનિક સર્વેએ એકત્ર થઇને મીડિયાને જણાવ્યું હતું કે, આ કામગીરી રાત્રીના અંધારામાં કરવામાં આવી છે. પૂરનો સામનો કરી ચુકેલી પ્રજાને તંત્ર આજે પણ અંધારામાં રાખવા માંગતુ હોય તેવું જણાઇ આવે છે. તંત્ર હજી પણ પોતાનો પાઠ શીખ્યું નથી. પહેલા અમે અહિંયા પૃચ્છા કરવા આવ્યા તો અમને જણાવ્યું કે, અહીંયા પંપીગ સ્ટેશન બની રહ્યું છે. એટલે અમે તે માની લીધું. આનું કામ આખી રાત ચાલતું હતું. અને દિવસે બંધ રાખવામાં આવતું હતું. અહિંયા મોટા પ્રમાણમાં લોખંડનો સામાન આવતો હતો. જે પંપીંગ સ્ટેશનના કામની જરૂરીયાતથી વિપરીત જણાતો હતો. ત્યાર બાદ અમે કોન્ટ્રાક્ટરોને પુછ્યું તો તેમણે જણાવ્યું કે, મોબાઇલનો ટાવર બની રહ્યો છે.
અમે જરૂર પડ્યે હાઇકોર્ટના દરવાજા ખખડાવીશું
વધુમાં ઉમેર્યું કે, પૂર બાદ વિશ્વામિત્રી દબાણો સામે કાર્યવાહી કરવાનું જણાવતી હોય તો, આ કિસ્સા પરથી ફલિત થાય કે તેઓ જુઠ્ઠુ બોલે છે. પાલિકા જેવી જુઠ્ઠી સંસ્થા બીજી કોઇ હોઇ ના શકે. વિશ્વામિત્રીથી 10 ફૂટ દુર આ દબાણ ઉભુ કરવામાં આવ્યું છે. ફરી પૂરની સ્થિતી સર્જાય તો તેની જવાબદારી કોની ! પાલિકાની બેવડી નિતીનો અમે વિરોધ કરી રહ્યા છીએ. અમે જરૂર પડ્યે હાઇકોર્ટના દરવાજા ખખડાવીશું. પૂર આવ્યાના 60 દિવસ બાદ આ પ્રકારના દબાણો ઉભા કરવા બિલકુલ યોગ્ય નથી.
આ પણ વાંચો — VADODARA : ગણેશોત્સવ અને નવરાત્રી સમયે મેળવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલનો ચોંકાવનારો રિપોર્ટ