VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલા સોખડામાં યોગી ડિવાઇન સોસાયટીનું સ્વામીનારાયણ મંદિર આવેલું છેે. આ મંદિરના સ્થાપક હરિપ્રસાદ સ્વામીજી ધામમાં ગયા બાદ અનેક વિવાદો સામે આવી રહ્યા છે. વર્ષ 2022 માં સોખડા સ્વામીનારાયણ મંદિર (SOKHDA SWAMINARAYAN MANDIR) ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. આ અંગેની વાત જાણતા હોવા છતા સાધુ ત્યાગ વલ્લભ સ્વામી સહિત 5 લોકો દ્વારા તે વાત છુપાવવામાં આવી હતી. જે મામલે તાજેતરમાં મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધ કરવામાં આવી છે.
પાંચ લોકોને મામલાની જાણ હતી
સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર, 27, એપ્રીલ – 2022 ના રોજ સોખડા સ્વામીનારાયણ મંદિર ખાતે સાધુ તરીકે સેવા આપતા ગુણાતીત ચરણદાસ સ્વામીએ પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતની જાણ કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડીયા (રહે. વંથલી, જુનાગઢ), સાધુ હરીપ્રકાશદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા), સાધુ પ્રભુપ્રિયદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. સોખડા શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર, વડોદરા), સાધુ જ્ઞાનસ્વરૂપદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર), સાધુ ત્યાગવલ્લભદાસ સ્વામી ગુરૂ હરીપ્રસાદ સ્વામી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર) ને હતી.
એકબીજાની મદદગારી કરી
જો કે, તમામે મળીને હકીકત છુપાવીને ગળે ફાંસાને લાગતા પુરાવા જેમ કે, હુક અને ગાતડીયું અન્યત્રે ખસેડી દીધું હતું. અને તે વખતે ગુણાતીત ચરણદાસ સ્વામીએ આત્મહત્યા કરી હોવાની વાત છુપાવી હતી. અને તેઓનું મોત કુદરતી રીતે નિપજ્યું હોવાનું કથન ચાલુ રાખીને એકબીજાની મદદગારી કરી હતી. આખરે આ મામલો બે વર્ષ બાદ મંજુસર પોલીસ મથકમાં પહોંચ્યો છે.
મામલાની તલસ્પર્શી તપાસ મંજુસર પોલીસ મથકના પીઆઇને સોંપાઇ
ફરિયાદી હસમુખભાઇ મોહનલાલ ત્રાંગડીયા (રહે. સાંઇ કિરણ બિલ્ડીંગ, રેલવે સ્ટેશન સામે. મુંબઇ) (મુળ રહે. જુમા મસ્જીદની બાજુમાં, વંથલી, જુનાગઢ) દ્વારા કિશોરભાઇ નારણભાઇ ત્રાંગડીયા (રહે. વંથલી, જુનાગઢ), સાધુ હરીપ્રકાશદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા), સાધુ પ્રભુપ્રિયદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. સોખડા શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર, વડોદરા), સાધુ જ્ઞાનસ્વરૂપદાસ ગુરૂ હરીપ્રસાદજી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર), સાધુ ત્યાગવલ્લભદાસ સ્વામી ગુરૂ હરીપ્રસાદ સ્વામી (રહે. યોગી આશ્રમ, સોખડા, શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામીનારાયણ મંદિર) વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધ કરાવવામાં આવી છે. જે બાદ આ મામલાની તલસ્પર્શી તપાસ મંજુસર પોલીસ મથકના પીઆઇ વી. એમ. ટાંકને સોંપવામાં આવી છે.
આ પણ વાંચો — હજુ પણ Gujarat પર વરસાદી સંકટ! હવામાન વિભાગે આપી સાત દિવસની આગાહી