VADODARA : વડોદરા ગ્રામ્ય પોલીસ મથક (VADODARA RURAL ) વિસ્તારમાં ચડ્ડી-બનિયાન ગેંગના નામે અફવાહ જોર પકડી રહી છે. ત્યારે આ અફવાહોનું ખંડન કરવા માટે અને લોકોને સુરક્ષા અને સલામતીને અહેસાસ કરાવવા માટે વડોદરા ગ્રામ્યના પાદરા પોલીસ મથકના પીઆઇ મીડિયા સમક્ષ આવ્યા છે. અને તેમણે પોલોને અફવાહથી દુર રહેવા માટેની તાકીદ કરી છે.
અફવાહોનું ખંડન કરવા માટે પોલીસ જવાનો ખુદ સામે આવ્યા
છેલ્લા કેટલાય સમયથી વડોદરા ગ્રામ્ય તથા આસપાસના પોલીસ મથક વિસ્તારમાં ચડ્ડી-બનિયાન ગેંગને લઇને અલગ અલગ અફવાહોએ ભારે જોર પકડ્યું છે. સોશિયલ મીડિયાના જમાનામાં અફવાહો જોતજોતામાં મોટું સ્વરૂપ લઇ લે છે. જેના કારણે લોકો ભયભીત થઇ રહ્યા છે. ત્યારે અફવાહોનું ખંડન કરવા માટે પોલીસ જવાનો ખુદ સામે આવ્યા છે. અને આ પ્રકારની અફવાહોથી દુર રહેવા તથા કોઇ પણ સમયે પોલીસની મદદની જરૂર જણાય તો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. આમ, અફવાહને પગલે તણાવમાં રહેતા લોકોને ચિંતામુક્ત કરવાનો પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને આ પ્રયાસની લોકો સરાહના કરી રહ્યા છે.
ખોટી અફવાહો ફેલાવવી નહી
પાદરા પોલીસ મથકના પીઆઇએ મીડિયાને જણાવ્યું કે, ગઇ કાલે જ ઘણાબધા કોલ આવ્યા કે, અમારા ગામમાં ચડ્ડી-બનિયન ધારી 10 – 15 લોકો આવ્યા. તેની કોઇ શક્યતા નથી કે, દરેક ગામમાં 10 – 15 લોકોની ટોળકી એકસાથે અને એક જ સમયે હોય. કોઇક ખોટી અફવાય ફેલાવી રહ્યું છે. ખોટી અફવાહો ફેલાવવી નહી, અને જો કોઇ ખોટી અફવાહ ફેલાવશે તો તેના વિરૂદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે. લોકોએ સતર્ક રહેવાની જરૂર છે. જ્યાં પણ જરૂર જણાય પોલીસને જાણ કરો. અમે તમારી સાથે જ છીએ.
આ પણ વાંચો —VADODARA : રજુઆત છતાં કાર્યવાહી નહી થતા મોટું ઝાડ પડ્યું, ત્રણ ઇજાગ્રસ્ત