+

VADODARA : તાલુકા પંચાયતની સામાન્ય સભામાં સતત ગેરહાજર રહેતા સભ્યને પાણીચું

VADODARA : વડોદરા (VADODARA) તાલુકા પંચાયત દ્વારા સતત ગેરહાજર રહેતા સભ્ય સામે પંચાયત ધારાના નિયમોઅનુસાર કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઇને હવે કોઇ પણ સભ્ય ગેરહાજર રહેતા…

VADODARA : વડોદરા (VADODARA) તાલુકા પંચાયત દ્વારા સતત ગેરહાજર રહેતા સભ્ય સામે પંચાયત ધારાના નિયમોઅનુસાર કાર્યવાહી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેને લઇને હવે કોઇ પણ સભ્ય ગેરહાજર રહેતા પહેલા 10 વખત વિચારશે, તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે, દુર કરવામાં આવેલા સભ્યએ જણાવ્યું કે, હવે તેઓ કાયદેસરની લડત માટે તૈયાર છે.

કોઇ રાજકીય દ્વેષભાવના સાથે કરવામાં આવ્યું નથી

વડોદરા તાલુકા પંચાયતની આજે વિશેષ સામાન્ય સભા મળી હતી. જેમાં વિકાસના કામો મુકી અને મંજુર કરવાની સાથે સતત ગેરહાજર રહેતા સભ્ય સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. જે અંગે માહિતી આપતા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું કે, રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે. નંદેસરી, વડોદરા) સતત ચાર સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે. જેથી ગુજરાત પંચાયત અધિનીયમની જોગવાઇ મુજબ તેમનું સભ્યપદ રદ્દ કરવામાં આવે છે. કોઇ રાજકીય દ્વેષભાવના સાથે કરવામાં આવ્યું નથી. પંચાયત ધારાના નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. તેના સિવાય કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી.

લેખિતમાં મેં જવાબ આપ્યો હતો

રાજેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે, મેં રજુઆત કરી હતી. પરંતુ આ તો રાજકીય નેતાઓની સાંઠગાંઠથી આપણી જોડે આવું કર્યું છે. આગળ જે કાર્યવાહી થતી હશે તે કરીશું. તેમણે જે બતાવવું હોય તે બતાડી શકે છે. તેમણે ચોપડો બતાવ્યો નથી, માત્ર કાગળ જ બતાવ્યું છે. લેખિતમાં મેં જવાબ આપ્યો હતો, પરંતુ કાર્યવાહીનું દબાણ હોય એટલે કોઇ કંઇ જોતા નથી. સભ્યોની સહી કરાવે છે, સામાન્ય સભામાં તેમના જ સભ્યો છે, કેટલાક પાછળથી પણ કરતા હોય છે. આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું.

તાલુકા પંચાયતના દફ્તરે આ અંગે રેકોર્ડની ચકાસણી કરેલી છે

ટીડીઓ વી. કે. પ્રજાપતિએ જણાવ્યું કે, આજરોજ વડોદરા તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભા યોજવામાં આવી છે. જેમાં વડોદરા તાલુકાના વિવિધ વિકાસલક્ષી કામો, 15 મું નાણાં પંચ તથા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામો જે અગાઉ લેવામાં આવ્યા હતા, તેને ફેરફાર માટે રજુ કરવામાં આવ્યા હતા. જેમાં સર્વાનુમતે ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ નંદેસરી તાલુકા પંચાયતના સભ્ય સતત ચાર સામાન્ય સભાની બેઠકોમાં ગેરહાજર રહ્યા હતા. તેમની સામે લેવાના નિર્ણયો અંગે ચર્ચા કરવામાંં આવી, તેમને દુર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયતના દફ્તરે આ અંગે રેકોર્ડની ચકાસણી કરેલી છે. તે વચ્ચે તેમણે કોઇ પણ લેખિત કે મૌખિત રજુઆત કરી નથી. ત્યાર બાદ તેમને પંચાયત દ્વારા લેખિતમાં રજુઆત કરવા જાણ કરવામાં આવી હતી. તેમાં પણ તેમણે કોઇ જાણ કરી ન્હતી.

આ પણ વાંચો — VADODARA : યુવા સાંસદ ડો. હેમાંગ જોશીનો ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીમાં સમાવેશ

Whatsapp share
facebook twitter