VADODARA : વડોદરા (VADODARA) માં આવેલી MES શાળાના સંચાલકો દ્વારા ઓછી લાયકાત ધરાવતા શિક્ષકો રાખવામાં આવ્યા સહિતના આરોપો સાથે આજે NSUI દ્વારા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી છે. યુવાનોનો મોરચો શિક્ષણાધિકારીની કચેરીએ પહોંચીને આ મામલે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી વિગતવાર માંગ કરવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષણાધિકારી દ્વારા તમામને શાંતિપૂર્વક સાંભળીને યોગ્ય કાર્યવાહીની બાંહેધારી આપી છે.
તપાસના આદેશો આપવામાં આવ્યા
વડોદરાના યાકુતપુરામાં ચાલતી MES શાળામાં અનેક પ્રકારની વિસંગતતાઓ સામે આવતા NSUI જુથ મેદાને આવ્યું છે. અને શિક્ષણાધિકારીની કચેરીએ મોરચો લઇ જઇને રજુઆત કરવામાં આવી છે. શાળાના વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ફી ભરે છે, પરંતું તેમને તે ભણવાથી વંચિત રાખવામાં આવતા હોવાનો આરોપ પણ લગાડવામાં આવ્યો છે. આ મામલે શિક્ષણાધિકારી દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બેદરકારી દાખવતી શાળાઓ સામે કાર્યવાહી
NSUI પ્રમુખ અમર વાઘેલા જણાવે છે કે, અમે MES સ્કુલમાં વિદ્યાર્થીઓ જોડે ગેરરિતી કરવામાં આવી રહી છે. અગાઉ DEO દ્વારા શાળાનો નોટીસ પાઠવવામાં આવી હતી. શાળામાં ઓછી લાયકાતના શિક્ષકો છે. બાળકો કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ મેળવવા માટે ફી ભરે છે, પરંતુ તે મળતી નથી. ફાયર સેફ્ટીના સાધને એક્સપાયર થઇ ગયા છે. આ બધી રજુઆત લઇને અમે DEO કચેરી આવ્યા છીએ. આ પ્રકારની બેદરકારી દાખવતી શાળાઓ સામે કાર્યવાહી થવી જોઇએ.
પરમિશનથી વધારે વર્ગખંડો ચાલી રહ્યા છે
વધુમાં જણાવ્યું કે, MES શાળાની ચાર બ્રાન્ચ આવેલી છે. તે પૈકી યાકુતપુરાની બ્રાન્ચમાં વિદ્યાર્થીઓ પાસેથી કોમ્પ્યુટર લેબના પૈસા લેવામાં આવે છે. DEO પાસેથી એક જ વર્ગખંડની પરમિશન લેવામાં આવી છે, બાદમાં તેમાં અલગ અલગ વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. ઓછી પરમિશન સામે વધારે વર્ગખંડો ચાલી રહ્યા છે. તેની સામે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આજે વડોદરામાં ફક્ત એક જ સ્કુલને લઇને અમે આવેદન પત્ર આપવા આવ્યા છીએ. અનેક શાળાઓમાં અનેક મુદ્દાઓ છે. NSUI આવનાર સમયમાં આ મામલે આંદોલન કરશે.
કચેરીથી અધિકારી શાળાની મુલાકાતે જશે
આ મામલે શિક્ષણાધિકારી (DEO) આર. આર. વ્યાસે જણાવ્યું કે, તેમણે જે આવેદન સાથે મુદ્દાઓ આપ્યા છે. તેને ધ્યાને રાખીને અમારી કચેરીથી શાળા ખાતે અધિકારી મુલાકાતે જશે, અને ચકાસણી કરશે. આવશ્યક જણાશે તો શાળાનો પણ ખુલાસો માંગવામાં આવશે. ત્યાર બાદ જરૂરી નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. જો કોઇ સુધારા સુચવવાની જરૂર જણાશે, તો તેમ પણ કરવામાં આવશે. ફાયર સેફ્ટી અંગેની કામગીરી પ્રગતિમાં છે, તે સંસ્થાઓ પણ તેમ કરવું જ પડશે. સંસ્થા ચલાવવી હશે, તો ફાયર સિસ્ટમ લગાડવી જ પડશે.
જરૂર જણાશે તો કાર્યવાહી કરીશું
વધુમાં તેમણે ઉમેર્યું કે, શાળાને પણ તેમને પણ મુકવાની તક આપીશું, કે કયા કારણોસર લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. પછી સુચના આપવાની આવશ્યકતા હશે તો તેમ કરીશું, અને કાર્યવાહીની જરૂર જણાશે તો કાર્યવાહી કરીશું. ખાનગી શાળામાં શિક્ષકોની ભરતી તેઓ કરતા હોય છે. તેમને રેકોર્ડ કચેરી ખાતે નિભાવવામાં નથી આવતો. એટલે તે સંસ્થાની જવાબદારી છે. અત્રે રજુઆત આવી છે, તો તે પ્રમાણે ચકાસણી કરીશું. કોમ્પ્યુટર ફી લેબ સિવાય લઇ શકાતી નથી. તે અંગેની વિગતો મેળવવામાં આવશે.
આ પણ વાંચો — VADODARA : પંચાયતની સાયકલ હરાજી નિષ્ફળ