VADODARA : વડોદરા (VADODARA) ના નવનાથ મંદિર પૈકી એક ગણાતા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર (KASHI VISHWANATH MAHADEV TEMPLE) પાસેના તળાવમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો મળતા ચકચાર મચી જવા પામી છે. આ મામલાની જાણ થતા જ સ્થાનિક કોર્પોરેટર દોડી આવ્યા હતા. અને વધુ કાર્યવાહી અર્થે ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. તળાવની મધ્યમાં તરતા મૃતદેહને રેસ્ક્યૂ કરીને વધુ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ સાથે જ આ ઘટના પાછળના કારણો જાણવા માટેની ગતિવિધી તેજ કરી દેવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
તળાવમાં મગર છે કે કેમ !
સમગ્ર ઘટનાને લઇને સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબેન કાકાએ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ તળાવમાંથી એક વ્યક્તિનો મૃતદેહ દેખાતા મને જાણ કરવામાં આવતા હું તાત્કાલિક અહીંયા આવી પહોંચી હતી. અહીંયા આવ્યા બાદ મેં ચકાસણી કરી કે મૃતદેહ છે કે કેમ. ત્યાર બાદ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જે બાદ બંને વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ તબક્કે મૃતદેહની ઓળખ થઇ શકી નથી. તળાવમાં મગર છે કે કેમ !, તેઓ કંઇક વીણવા ગયા અને પડ્યા તે દિશામાં તપાસ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.
બાસ્કેટ સ્ટ્રેચર થકી બહાર કાઢવામાં આવ્યું
ફાયર જવાન તિલકસિંહ રાઠોડ એ જણાવ્યું કે, કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવમાં મૃતદેહ મળ્યો હોવાનો કોલ દાંડીયા બજાર ફાયર સ્ટેશનને મળતા અમારી ટીમ આવી પહોંચી હતી. તરાપાની મદદથી તળાવની મધ્યમાં તરતા મૃતદેહનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બાદમાં તેને બાસ્કેટ સ્ટ્રેચર થકી બહાર કાઢવામાં આવ્યું છે. અને વધુ કાર્યવાહી અર્થે આગળ સોંપી દેવામાં આવ્યો છે.
કારણોને શોધીકાઢી તેનો ઉકેલ પણ લાવવો જોઇએ તેવી લોકમાંગ
અત્રે ઉલ્લેખનીય છે કે, સુત્રોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અજાણ્યા શખ્સનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો. ત્યાર બાદની આ બીજી વખતની ઘટના છે. હવે આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્રએ તપાસ કરવી જોઇએ. અને આ ઘટનાઓ પાછળના જવાબદાર કારણોને શોધીકાઢી તેનો ઉકેલ પણ લાવવો જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો — VADODARA : ચોરીની અફવાહ બેકરી સંચાલક માટે હકીકત બની