VADODARA : વડોદરા (VADODARA) ના છેવાડાના જાંબુઆમાં આવેલા આવાસના મકાનોમાં દુર્ઘટના થઇ શકે છે તેવી ભીતિ પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવત દ્વારા કરવામાં આવી હતી. જે હવે ધીરે ધીરે સાચી પડી રહી છે. આજે સવારે જાંબુઆમાં આવેલા વુડાના મકાનમાં છતનો ભાગ ધરાશાયી થવાના કારણે એક બાળકી ઇજાગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. આ બાળકીને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આંખ આડા કાન કરવામાં આવ્યા
વડોદરાના છેવાડે આવેલા જાંબુઆમાં આવાસના મકાનો આવેલા છે. આ મકાનોની જર્જરિત હાલત ઉજાગર કરવા માટે તે સમયના વિપક્ષી નેતા અમીબેન રાવત આવ્યા હતા. અને અહિંયાની ખખડધજ્જ હાલત વિશે તંત્ર સામે અવાજ ઉઠાવ્યો હતો. ત્યાર બાદ પણ તંત્ર દ્વારા આ વાતને લઇને આંખ આડા કાન કરવામાં આવ્યા હતા. જેને લઇને આજે અહિંયા બીજી દુર્ઘટના ઘટવા પામી છે. અગાઉ અહિંયા મહિલા પર સ્લેબનો ભાગ પડ્યો હતો. જેમાં તેણી ગંભીર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટુંકી સારવાર બાદ મૃત્યુ નિપજ્યું હતું.
ળકીના પગના ભાગે કાટમાળ પડ્યો
આજે બ્લોક નં – 28 માં આવેલા એક મકાનનો સ્લેબ સવારે પડ્યો હતો. દરમિયાન નીચે કામ કરતી બાળકીના પગના ભાગે તેનો કાટમાળ પડતા તે ગંભીર ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનામાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. જ્યાં હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ અહિંયા રહેતા લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર બન્યા છે. બે ઘટનાઓ બાદ પણ તંત્ર જાગે છે કે નહીં તે જોવું રહ્યું.
કોઈ જોવા નથી આવતું
ઘટના અંગે સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, હાલ વરસાદી માહોલ છે. અહીંયા આ મકાનો ખખડધજ થઈ ગયા છે. અમે અનેક વખત કોર્પોરેશનમાં રજૂઆત કરી છે. પણ કોઈ જોવા નથી આવતું. આજે લોકોના જીવ જોખમમાં મુકાયા છે.
આ પણ વાંચો — VADODARA : વરસાદે શહેરને વધુ એક વખત ધમરોળ્યું, લોકોના ઘરો-દુકાનો સુધી પાણી પહોંચ્યા