VADODARA : વડોદરાના ઇન્ટરનેશલ દરજ્જો પ્રાપ્ત એરપોર્ટ (VADODARA INTERNATIONAL AIRPORT) પર કાર્યરત હવામાન વિભાગની (WEATHER DEPARTMENT) ઓફીસે ઇન્ટરનેટના ભારે ધાંધીયા હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. આ અંગે અનેક ફરિયાદો છતાં કોઇ ઉકેલ નહીં આવતા આખરે હવામાન વિભાગના પ્રભારી અધિકારીએ વોટ્સએપમાં મેસેજ લખીને વ્યથા વર્ણવવાનો વારો આવ્યો છે. તેમનું કહેવું છે કે, એક મહિનામાં બે વખત સેવા ઠપ થઇ ગઇ છે. અને તેને ચાલુ થવામાં 2 – 3 દિવસ લાગી રહ્યા છે.
યોગ્ય સેવાઓ આપવામાં નથી આવી રહી
વડોદરા એરપોર્ટને ઇન્ટરનેશનલનો દરજ્જો મળ્યો છે. પરંતુ તેને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મળવાની વાટ છે. દરમિયાન વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્યરત હવામાન વિભાગની ઓફીસે ઇન્ટરનેટની ભારે સમસ્યા હોવાનું સપાટી પર આવ્યું છે. જેને લઇને હવામાન વિભાગના અધિકારી રોહીત દેરસિરાએ મીડિયાની મદદ માંગતો મેસેજ પાઠવ્યો છે. તેમણે મેસેજમાં લખ્યું કે, વડોદરા એરપોર્ટ પર અમારૂ હવામાન વિભાગનું કાર્યાલય 24 / 7 કલાક કાર્યરત રહે છે. અમારી સેવાઓ માટે ઇન્ટરનેટ અને ફોન મહત્વના છે. અમારૂ વિભાગ સરકારી હોવાથી બીએસએનએલ (BSNL INTERNET) નું ઓએફસી કનેક્શન સાથેનો બેસ્ટ પ્લાન લેવામાં આવ્યો હતો. પણ તેમના તરફથી યોગ્ય સેવાઓ આપવામાં નથી આવી રહી.
બીએસએનએલના અધિકારીઓ ફોન નથી ઉપાડતા
વધુમાં તેમણે જણાવ્યું કે, એક માસમાં બે વખત સેવાઓ ઠપ થઇ ગઈ હતી. તેને ચાલુ કરવામાં 2 – 3 દિવસ લાગે છે. અમે ફરિયાદ કરીએ તો કોઇ સાંભળતુ નથી. જેથી અમારે હવામાન વિભાગની સેવાઓ સાથે જોડાવવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. આખરમાં તેમણે ઉમેર્યું કે, બીએસએનએલના અધિકારીઓ ફોન નથી ઉપાડતા. જેથી ઇન્ટરનેટનું કાર્ય આગળ નથી ધપી રહ્યું. આમ, વડોદરા એરપોર્ટ પર કાર્યરત હવામાન વિભાગની ઓફીસને પડતી મુશ્કેલીઓના ઉકેલ માટે મીડિયાની મદદ માંગવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો — VADODARA : ગેંગ રેપ કેસના આરોપીઓના મોબાઇલ પોર્ન વીડિયોથી ફૂલ, 2 ના DNA મેચ