VADODARA : વડોદરા (VADODARA) ના વારસીયા પોલીસ મથકમાં પતિએ પત્નીને ચાકુનો ઘા ઝીંકીને પોતે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે ઇજાગ્રસ્ત મહિલા હાલ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટના અંગે વારસીયા પોલીસ સ્ટેશનમાં મૃતક પતિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, મહિલાએ રજુ કરેલી કેફિયત પોલીસની ગળે ઉતરી નહીં રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
લગ્ન વર્ષ 2002 માં થયા
વારસીયા પોલીસ મથકમાં જ્યોત્સના બેન જ્યોતિ વાઘારામ સરગરા (મારવાડી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી સંત કંવર કોલોનીમાં રહે છે. તેઓ મૂળ જોધપુર, રાજસ્થાન છે. તેઓ હાલ એસએસજી હોસ્પિટલના ઇએન્ડટી વિભાગમાં સારવાર હેઠળ છે. તેમના લગ્ન વર્ષ 2002 માં વાઘારામ મોહનલાલ સરગરા સાથે થયા હતા. તેમના પતિ વડોદરા ખાતે મજુરી કામ કરતા હોવાથી તેઓ અહિંયા આવ્યા હતા. દિયર, દેરાણી સાથે તેઓ રહેતા હતા.
મારે દારૂ પીવા જવું છે
ચાર વર્ષ પહેલા દિયર-દેરાણી જોડે ઝઘડો થતા તેઓ ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા હતા. હાલ તેઓના પતિ હાથીખાના માર્કેટમાં છુટ્ટક મજુરી કામ કરતા હતા. દંપતિ નિસંતાન છે. 13 ઓક્ટોબરના રોજ પતિએ મળસ્કે ઉઠાડીને કહ્યું કે, રૂ. 20 આપ. જેથી તેમણે પુછ્યું કે, શું કામ છે. પતિએ કહ્યું કે, મારે દારૂ પીવા જવું છે. જેથી તેમણે પૈસા આપ્યા ન્હતા. અને પતિ જાતે પૈસા લઇને દારૂ પીવા જતો રહ્યો હતો. સવારે પાંચ વાગ્યે પતિ ઘરે આવ્યો હતો. અને કહેવા લાગ્યો કે, આજે મારે મરવુું છે. તેમણે પુછ્યું કે, શા માટે તમારે મરવું છે. ત્યારે તેણે કોઇ કારણ આપ્યું ન્હતું. આવું નહીં કરવા માટે ઘણી હિંમત આપ્યા બાદ પણ પતિ માન્યો ન્હતો.
પાટી કાપી તેમાંથી ગાળિયો બનાવીને ગળે ફાંસો ખાઇ લીધો
અને દાદર પર પત્ની બેઠી હતી ત્યાં સવારે પોણા છ વાગ્યે આવીને કહ્યું કે, આજે તો હું તને પહેલા મારીશ અને પછી હું મરી જઇશ. બાદમાં તુરંત શાકભાજી સમારવાનું ચપ્પુ ગળાનવા ભાગે મારીને ઇજાઓ પહોંચાડી હતી. ત્યાર બાદ પતિએ નાયલોટનની પાટી કાપી તેમાંથી ગાળિયો બનાવીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. બાદમાં પત્નીએ હિંમત એકઠી કરીને તેઓનો ફાંસો કાપીને નીચે ઉતાર્યા હતા. આ ઘટના અંગે પરિજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આખરે સમગ્ર મામલે વારસિયા પોલીસ મથકમાં મૃતક વાઘારામ મોહનલાલ સરગરા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : ગેંગ રેપ કેસના આરોપીઓના મોબાઇલ પોર્ન વીડિયોથી ફૂલ, 2 ના DNA મેચ