VADODARA : વડોદરા (VADODARA) માં ગતરોજ તેજ ગતિથી ફૂંકાતા પવન સાથે વરસાદ વરસ્યો હતો. અચાનક ફૂંકાયેલા તેજ પવનમાં રેસ્ટોરેન્ટ બહાર મુકેલી ખુરશી ફંગોળાઇને રોડ પર જતી રહી હતી. હોર્ડિંગ્સ ફાટી ગયા હતા, તથા અનેક જગ્યાાઓ પર ઝાડ પડી જવાની ઘટના સામે આવી હતી. આગામી બે દિવસ સુધી 40 કિમીની ગતિએ પવન ફૂંકાઇ શકે તેવી જાહેરાત સત્તાવાર પાલિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી સામે આવી છે. જેને લઇને લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે.
પીક અવર્સમાં વરસાદે ધમાકેદાર બેટીંગ
આમ તો રાજ્યમાંથી ચોમાસુ વિદાય લે તે સમયા આવી ગયો છે. પરંતુ વરસાદ વિદાય લેવાનું નામ નથી લઇ રહ્યો. થોડાક સમયના બ્રેક બાદ ગતરાત્રે વરસાદે વડોદરામાં ફરી ધમાકેદાર એન્ટ્રી લીધી હતી. ગતરાત્રે તેજ ગતિથી પવન ફૂંકાવવાની સાથે વરસાદ વરસ્યો હતો. નોકરીએ જતા લોકો સાંજે ઘરે પરત ફરી રહ્યા હોય, તેવા પીક અવર્સમાં વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા જનજીવન ભારે ખોરવાયું હતું. 26 ઓગસ્ટે 12 ઇંચ વરસાદથી 13નાં મોત અને 24 જુલાઇએ વરસેલા 14 ઇંચ વરસાદે શહેરને બાનમાં લીધું હતું. તે દિવસો હજી સુધી વડોદરાવાસીઓ ભૂલ્યા નથી.
હોર્ડિંગ્સ ફાટીને ફરફરી રહ્યું હતું
તેજ ગતિથી પવન ફૂંકાવવાના કારણે શહેરના રોડ સાઇડ ચાલતી રેસ્ટોરેન્ટની ખુરશી અને કેબિન ફંગોળાઇને રોડની તરફ પડ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. તો બીજી તરફ વડોદરા શહેરના અનેક હોર્ડિંગ્સ ફાટીને ફરફરી રહ્યું હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવવા પામ્યું છે.
સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન્હતી
પ્રાથમિક માહિતી પ્રમાણે, એક તબક્કે 100 કિમીની ઝડપે ફૂંકાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં 150 થી વધુ નાના મોટા વૃક્ષો ધરાશાયી થયા હતા. આજ બપોર સુધી તે વૃક્ષોને દુર કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરના અતિવ્યસ્ત રહેતા જ્યુબીલી બાગ વિસ્તારમાં ત્રણ જેટલા વિજ થાંભલા પડી ગયા હતા. જેમાં સદ્ભાગ્યે કોઇ જાનહાની થઇ ન્હતી. વિવિધ વિસ્તારોમાં ઝાડ પડવાના કારણે 25 થી વધુ વાહનોને નાનું-મોટું નુકશાન પહોંચ્યું હોવાનો અંદાજો લગાડવામાં આવ રહ્યો છે.
વિજળી વગર અડધી રાત વિતાવવી પડી
વિજ કંપની સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના વિવિધ વિસ્તારોમાં 50 થી વધુ વિજ પોલ ધરાશાયી થવાના કારણે 40 જેટલા ફીડરો અસરગ્રસ્ત થયા હતા. જેને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં લોકોએ વિજળી વગર અડધી રાત વિતાવવી પડી હતી. જો કે, વિજ કંપનીના કર્મીઓ દ્વારા વિજળીનો પુરવઠો દુરસ્ત કરવા માટે મોડી રાત સુધી સ્પોટ પર રહ્યા હતા. અને જહેમત ઉઠાવી રહ્યા હતા. રાતના 8 વાગ્યા સુધી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના જુના સિટી વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો — VADODARA : શહેરને મળશે વધુ એક નવા ઓવર બ્રિજની ભેટ, જાણો વિગતવાર