VADODARA : વડોદરા (VADODARA) માં અત્યાર સુધી તસ્કરો વાહન, દાગીના તથા રોકડા પર હાથફેરો કરતા હોવાના કિસ્સા આવી રહ્યા હતા. હવે તસ્કરો હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટને પણ નહીં છોડતા હોવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં ગોત્રી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી (THEFT AT GOTRI HOSPITAL OXYGEN PLANT) કોપરની ઓક્સિજન પાઇપો ગાયબ થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. આખરે ગોરવા પોલીસ દ્વારા આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અને આરોપીઓ પાસેથી કુલ મળીને રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
વિમાના દવાખાના પાસેથી બંને આરોપીઓને દબોચી લીધા
તાજેતરમાં ગોત્રી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટમાંથી અંદાજીત 25 કિલોની કોપરની ઓક્સિજન પાઇપ ગાયબ થતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો. આ અંગે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ગોરવા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલને બાતમી મળી કે, બે શખ્સો ચોરીના મુદ્દામાલના વેચાણ માટે નીકળ્યા છે. દરમિયાન પોલીસે બાતમીના આધારે ગોત્રી હોસ્પિટલ પાછળ આવેલા વિમાના દવાખાના પાસેથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.
એક્ટીવાની નંબર પ્લેટ કાઢી નાંખવામાં આવી
બંને પાસેથી રૂ. 20 હજારની કિંમતની કોપરની ઓક્સિજન પાઇપ, રૂ. 80 હજારની કિંમતનું એક્ટીવા મળીને કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બંને દ્વારા ચલાવવામાં આવતા એક્ટીવાની નંબર પ્લેટ કાઢી નાંખવામાં આવી હતી. આ કૃત્ય તેમના ગુના પાછળની કોઇ ઓળખ છુટી ના જાય તેમ હોઇ શકે છે.
બે આરોપીઓની અટકાયત
પોલીસે આરોપી ચિરાગ જગદીશભાઇ પરમાર (રહે. ભુમિ રેસીડેન્સી, મારેઠા ફાટક, માણેજા) (મુળ રહે. ડભાસા, વણકરવાસ, પાદરા) અને નિરજ રાજીવકુમાર બારોટ (રહે. લક્ષ્મીદાસ સોસાયટી, રામેશ્વર સ્કુલ પાસે, ગોત્રી, વડોદરા) ની અટકાયત કરીને તેમના વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો — VADODARA : તલવાર, ચપ્પુ લઇને ઘરમાં ઘૂસેલા લૂંટારૂઓએ આતંક મચાવ્યો