VADODARA : રાજ્યભરમાં આજે જન કલ્યાણના લાભોને હાથોહાથ આપવાના ઉદ્દેશથી ગરીબ કલ્યાણ મેળાની ૧૪ મી શૃંખલા યોજવામાં આવી હતી. જે અંતર્ગત વડોદરા (VADODARA) ના વરણામા સ્થિત ત્રિમંદિર ખાતે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલની અધ્યક્ષતા હેઠળ વડોદરાનો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.
હાથોહાથ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી સહાયો વિતરણ
ગરીબ કલ્યાણ મેળા પહેલા, સમયે અને ગરીબ કલ્યાણ મેળા બાદ કુલ મળીને (૫૨ હજાર) લાભાર્થીઓને ૧૮૦ કરોડની સહાય આપવામાં આવી હતી. જેમાંથી આજે પ્રતીકાત્મક ૨૪૦૦ લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં હાથોહાથ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી સહાયો વિતરણ કરવામાં આવી હતી.
ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃંખલા
મુખ્ય દંડક બાળકૃષ્ણ શુકલે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે ૨૦૦૯ માં વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના ગરીબો સ્વાભિમાનપૂર્વક જીવે, સામાજિક અને આર્થિક વિકાસના લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. આજે આ ગરીબ કલ્યાણ મેળાની ૧૪મી શૃંખલા અંતર્ગત ગુજરાતમાં વિકાસના અનેક શિખરો સર કરી રહ્યું છે.
ઘરે ઘરે પહોંચીને સરકાર દ્વારા અથાક પ્રયત્નો
શુકલે વધુમાં ઉમેરતાં જણાવ્યું કે આજરોજ શહેર તથા જિલ્લાના કુલ ૫૨ હજાર કરતાં વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવી રહ્યા છે. આમ જનકલ્યાણકારી યોજનાઓના લાભો લોકો સુધી પહોંચે તે માટે ઘરે ઘરે પહોંચીને સરકાર દ્વારા અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે હજી પણ જે લાભાર્થીઓને લાભ મળવાના બાકી છે તેઓ પણ મળવા પાત્ર લાભો મેળવી લે તે માટે નમ્ર અપીલ કરી હતી.
લાભો એનાયત કરવામાં આવ્યા
વરણામા ત્રિમંદિર ખાતેથી વડોદરા શહેરી અને ગ્રામ્ય કક્ષાના આ સંયુક્ત ગરીબ કલ્યાણ મેળામાં મહાનુભાવોના હસ્તે ગંગા સ્વરૂપ વિધવા સહાય યોજના, દિવ્યાંગ સાધન સહાય યોજના, ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના, પ્રધાન મંત્રી વિશ્વકર્મા યોજના, માનવ ગરિમા યોજના, માનવ કલ્યાણ યોજના,પાલક માતાપિતા સહાય યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, જનની સુરક્ષા યોજના, સંત સુરદાસ યોજના, વિભિન્ન આવાસ યોજના, સ્વરોજગારી યોજના, શૈક્ષણિક યોજના અંતર્ગત લાભાર્થીઓને કીટ, હકપત્રો અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થકી લાભો એનાયત કરવામાં આવ્યા હતા.
મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં
કાર્યક્રમના સ્થળે મહિલા અને બાળ વિકાસ વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, ઉદ્યોગ અને ખાણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, વન અને પર્યાવરણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સહિત ૩૦ જેટલા સ્ટોલ મારફતે લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરિત કરવામાં આવ્યાં હતાં.
ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું
આ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ યોજનાના લાભાર્થીઓએ લાભ મળ્યા બાદ તેમના જીવનમાં આવેલા પરિવર્તન અંગે પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન બનાસકાંઠાના ડીસા ખાતેથી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સાથે કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સેવા સમાજ શારદા મંદિરની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત અને ગરબો રજૂ કરાયો હતો.
આ પણ વાંચો — VADODARA : યુવા સાંસદ ડો. હેમાંગ જોશીનો ત્રણ પાર્લામેન્ટ્રી કમિટીમાં સમાવેશ