VADDOARA : વડોદરા (VADODARA) 45 દિવસમાં ત્રીજી વખત પૂર (FLOOD – 2024) જેવી પરિસ્થિતીનો સામનો કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડોદરામાં સતત ત્રીજી વખત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ સ્થિતી અગાઉ ક્યારે બની ન્હતી. વડોદરા પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત મહત્વની કાંસ પૈકીની એક રૂપારેલ કાંસને મુંબઇથી મંગાવેલા ડ્રેઇન માસ્ટર મશીનથી સાફ કરાવી હતી. જે રીતે છાતી ઠોકીને આ મશીન થકી કરવામાં આવેલી કામગીરીનો જશ લેવામાં આવતો હતો. હવે તે ઉલટું સાબિત થઇ રહ્યું છે. રૂપારેલ કાંસ વધુ એક વખત છલકાઇ છે. આ સાથે જ વિશ્વામિત્રી નદીનું જળસ્તર હાલ ચિંતાનજક છે. જો વરસાદ નહી પડે તો નદીના પાણી ઓસરી જશે, તેવું સુત્રો જણાવી રહ્યા છે.
એક ટીમ દ્વારા સમાના સિદ્ધાર્થ બંગ્લોઝ ના રહીશોને રેસ્ક્યૂ કરવા પહોંચી હતી
વડોદરામાં ગતરોજ ભારે વરસાદને લઇને એલર્ટ આપવામાં આવ્યું હતું. ગત બપોર બાદ વરસાદે વધુ એક વખત ધમાકેદાર એન્ટ્રી કરીને શહેરને તરબતર કરી દીધું હતું. મોડી સાંજ બાદ વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. મોડી રાત્રે એનડીઆરએફની બે ટીમો વડોદરામાં ઉતારવામાં આવી હતી. તે પૈકીની એક ટીમ દ્વારા સમાના સિદ્ધાર્થ બંગ્લોઝ ના રહીશોને રેસ્ક્યૂ કરવા પહોંચી હતી. જો કે, રહીશોએ પૂરની પરિસ્થિતી સામેની તૈયારીઓ કરી લીધી હોવાનું જણાવીને સ્થળાંતર માટેની વાતને ફગાવી દીધી હતી.
ઉઘાડ નિકળતા નદીનું જળસ્તર ઓસરવાનું શરૂ થશે
આજે સવારે 10 વાગ્યાની ગણતરીએ વિશ્વામિત્રી નદીનું જળસ્તર 25 ફૂટ અને આજવો સરોવરનું જળસ્તર 213.25 ફૂટ નોંધવામાં આવ્યું છે. વિશ્વામિત્રી નદીનું હાલનું જળસ્તર ચિંતાનજર છે, પરંતુ ગતસાંજ બાદથી વરસાદ નહી પડતા અને આજે સવારે ઉઘાડ નિકળતા નદીનું જળસ્તર ઓસરવાનું શરૂ થશે તેવું સુત્રો જણાવી રહ્યા છે. બીજી હકીકત તે પણ છે કે, ગતસાંજે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધવાનું શરૂ થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાના શરૂ થયા હતા.
સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વાહવાહી લૂંટવામાં આવી હતી
આજે સવારે શહેરના વરસાદી પાણીના નિકાલ માટે મહત્વની ગણાતી રૂપારેલ કાંસ છલોછલ જોવા મળી રહી છે. ગતરોજથી શહેરમાં વરસાદ બંધ છતાં રૂપારેલ કાંસ છલોછલ જણાતા લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. આ રૂપારેલ કાંસને મુંબઇથી ખાસ મંગાવવામાં આવેલા ડ્રેઇન માસ્ટર મશીનથી સાફ કરવામાં આવી હતી. આ કાર્યને ઐતિહાસીક બતાવીને પાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વાહવાહી લૂંટવામાં આવી હતી. જો કે, હવે આ કાર્યની દેખીતી નિષ્ફળતાનો શ્રેય કોણ લે છે તે જોવું રહ્યું. પાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના તમામ દાવાઓ પૂરના પાણીએ ધ્વસ્ત કરી દીધા છે.
આ પણ વાંચો — VADODARA : “સાહેબ ના મારશો”, ફાયર કર્મી હાથ જોડીને કરગરતો રહ્યો, પણ…